BJP મિશન 2024: જે પી નડ્ડા 3 દિવસમાં રાજ્યો સાથે મોટી મીટિંગ કરશે, આસામથી શરૂ

PC: thehindu.com

ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં ભાજપે 6 થી 9 જુલાઈ વચ્ચે ત્રણ મોટી બેઠક બોલાવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ ત્રણ દિવસમાં રાજ્યવાર બેઠકો કરશે. ગૌહાટીમાં ગુરુવારે એટલે કે આજે પહેલી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં પૂર્વ અને ઉત્તર પૂર્વના 12 રાજ્યોના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

ગૌહાટીમાં આયોજિત આ બેઠક બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ પર કેન્દ્રિત છે. આવી સ્થિતિમાં, આ બેઠકમાં આ રાજ્યોના પ્રદેશ પ્રમુખો, મહાસચિવો અને અન્ય અગ્રણી નેતાઓને બોલાવવામાં આવ્યા છે.

7 જુલાઈએ, બીજી બેઠક દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને ઉત્તરના રાજ્યોની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.  આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, MP, UP, ઉત્તરાખંડ, દિલ્હી, છત્તીસગઢ અને હરિયાણાના નેતાઓને બોલાવવામાં આવ્યા છે.

ત્રીજી બેઠક 9 જુલાઈએ હૈદરાબાદમાં યોજાશે. આ બેઠકમાં દક્ષિણના રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બેઠકમાં કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, આંદામાન અને લક્ષદ્વીપના નેતાઓને બોલાવવામાં આવ્યા છે.

જેપી નડ્ડા ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, આસામના CM હિમંતા બિસ્વા સરમા, ત્રિપુરાના CM માણિક સાહા, પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો અને રાજ્ય એકમ અધ્યક્ષ ગુરુવારે ગૌહાટી પહોંચ્યા છે. આ બેઠકમાં લોકસભાની 142 બેઠકો પર ચર્ચા થશે. વાસ્તવમાં, પૂર્વોત્તરના 8 રાજ્યોમાં લોકસભાની 25 બેઠકો છે. આસામમાં આમાંથી સૌથી વધુ 14 છે.

અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરામાં બે-બે સીટ છે, જ્યારે મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમમાં એક-એક સીટ છે. પૂર્વીય રાજ્યોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં 42, બિહારમાં 40, ઓડિશામાં 21 અને ઝારખંડમાં 14 બેઠકો છે. આવી સ્થિતિમાં ભાજપનું ધ્યાન આ રાજ્યોમાં મોટાભાગની બેઠકો જીતવા પર છે. આ ઉપરાંત આ બેઠકમાં આ વર્ષના અંતમાં યોજાનારી મિઝોરમ વિધાનસભા ચૂંટણી પર પણ ચર્ચા થઈ શકે છે.

ગૌહાટીમાં આજે જે 142 લોકસભા બેઠકો પર ચર્ચા થઈ રહી છે, NDAએ 2019ની ચૂંટણીમાં તેમાંથી 93 પર જીત મેળવી હતી. ભાજપ ગઠબંધને બિહારમાં 40 માંથી 39, ઝારખંડમાં 14 માંથી 12, ઓડિશામાં 21 માંથી 8, પશ્ચિમ બંગાળમાં 42 માંથી 18 બેઠકો જીતી છે. આ સિવાય પૂર્વોત્તરની 25 બેઠકોમાંથી 16 બેઠકો જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp