
એક રાજ્યના મુખ્યમંત્રી 28 એપ્રિલે જિમનું ઉદઘાટન કરવા જવાના હતા, કાર્યક્રમનું પુરુ આયોજન થઇ ગયું હતું, મંચ તૈયાર હતો, પરંતુ એ પહેલા ટોળાએ પહોંચીને બધું તોડફોડ કરી નાંખ્યું હતું અને મંચને આગ લગાડી દીધી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી અને 144ની કલમ લાગૂ કરી દેવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહ ચુરાચંદપુરના ન્યૂ લામકા વિસ્તારમાં પીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બનેલા ઓપન જિમનું ઉદઘાટન કરવાના હતા. પરંતુ ગુરુવાર, 27 એપ્રિલની સાંજે લોકોના ટોળાએ તેને આગ લગાવી દીધી હતી અને જાહેર સભાના પેવેલિયનમાં તોડફોડ કરી નાંખી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળાને હટાવી દીધું છે, પરંતુ એ પહેલા કાર્યક્રમ સ્થળ પર ભારે નુકશાન થઇ ચૂક્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા પારખીને સ્થાનિક તંત્રએ સુરક્ષા વધારી દીધી છે, હજુ પણ સ્થિતિ તનાવપૂર્ણ હોવાનું જાણવા મળ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં રાજય સરકારના સત્તાવાર સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ગુરુવારે રાત્રે થયેલી હિંસાની પાછળ Indigenous Tribal Leaders' Forum (ITLF)ના સમર્થકો અને સ્વંય સેવકોનો હાથ હતો. આ સંગઠન સાથે જોડાયેલા લોકોએ જિલ્લામાં બંધનું એલાન કર્યું હતું. ITLFને ત્યાંના કુકી સ્ટુડન્ટસ સંગઠનનો પણ સહકાર મળી રહ્યો છે. તેમનો દાવો છે કે રાજ્યના આદિવાસીઓ સાથે સાવકી મા જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, ITLFએ કહ્યું છે કે તે સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મજબૂર છે. તેમને મણિપુરમાં આરક્ષિત અને સંરક્ષિત જંગલો અને વેટલેન્ડ્સના સર્વે સામે વાંધો છે. આ અંગે ફોરમ ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારને વારંવાર સવાલો ઉઠાવતું રહ્યું છે. આ ઉપરાંત આદિવાસી મંચે રાજ્ય સરકાર પર ચર્ચોને તોડી પાડવાનો પણ આરોપ લગાવ્યો છે.
મણિપુર સરકારે પૂર્વા ઇંફાલમાં 11 એપ્રિલે 3 ચર્ચોને એવું કહીને તોડી પાડ્યા હતા કે તે ગેરકાયદે ઉભા કરવામાં આવ્યા હતા. તોડી પાડવામાં આવેલા ચર્ચમાં ઇવેંજેલિકલ બેપટિસ્ટ કન્વેન્શન ચર્ચ, લૂથરન ચર્ચ અને કેથલિક હોલી સ્પિરિટ ચર્ચ સામેલ છે. ચર્ચ તોડવા સામે મણિપુર હાઇકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટે પ્રતિબંધ લગાવવાનો ઇન્કાર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp