શિંદે સરકારે કર્ણાટકના 865 ગામ મહારાષ્ટ્રમાં સમાવી લેવાનો વિવાદી નિર્ણય કર્યો

PC: indiatoday.in

કર્ણાટક સાથે સીમા વિવાદને લઇને મુખ્યમંત્રી એકનાથ શિંદેના પ્રસ્તાવને મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ કરી દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કર્ણાટકના 865 ગામો અને કેટલાક વિસ્તારોને મહારાષ્ટ્રમાં સામેલ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવને વિધાનસભામાં ઉપસ્થિત બધી પાર્ટીના ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના ભાષણમાં કહ્યું કે, કોંગ્રેસના સમયથી જ આ વિવાદ ચાલતો આવી રહ્યો છે અને તે જ તેના માટે જવાબદાર છે.

ગત દિવસોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મીટિંગ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકને કહ્યું હતું કે, બંને રાજ્ય સુપ્રીમ કોર્ટ તરફથી યથાસ્થિતિ બનાવી રાખવાના નિર્ણય પર જ રહે.

જો કે, ત્યારબાદ કર્ણાટક વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થયો હતો. ત્યારબાદ જ એકનાથ શિંદે સરકાર પર વિપક્ષ નિશાનો સાધી રહ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષની નિંદાથી બચવા માટે જ મહારાષ્ટ્ર સરકારને આ પ્રસ્તાવ લાવવો પડ્યો, જેમાં કર્ણાટકના બેલગાવી જિલ્લાના હિસ્સાના 865 ગામ અને કેટલાક વિસ્તારોને મહારાષ્ટ્રમાં સામેલ કરવાની વાત કહેવામાં આવી છે.

છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્ર વિધાનસભામાં સીમા વિવાદને લઇને હોબાળો ચાલી રહ્યો હતો. વિપક્ષી નેતાઓએ ગત દિવસોમાં કર્ણાટકના બેલગાવી જવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.

વિપક્ષના હોબાળા પર જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, અમે સીમાંત વિસ્તારમાં પોતાના લોકોને એકલા નહીં છોડીએ. અમે પોતાની જમીનની એક-એક ઇંચ માટે લડીશું પછી આ બાબતે સુપ્રીમ કોર્ટમાં હોય કે પછી કેન્દ્ર સરકાર પાસે. તેમણે કહ્યું હતું કે, અમે સીમાંત વિસ્તારમાં રહેતા મરાઠી ભાષી લોકો સાથે અન્યાય નહીં થવા દઇએ અને તેમના હકો માટે લડીશું.

18 વર્ષ પહેલા વર્ષ 2004માં મહારાષ્ટ્ર સરકાર આ સીમા વિવાદને સુપ્રીમ કોર્ટ લઇને ગઇ હતી. મહારાષ્ટ્ર સરકારે 814 ગામો તેને સોંપવાની માગણી કરી હતી. વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટે સૂચન આપ્યું કે આ બાબતે અરસપરસ વાતચીતથી હલ કરવું જોઇએ. સાથે જ એવું પણ સૂચન કર્યું હતું કે ભાષાના આધાર પર ભાર ન આપવો જોઇએ કેમ કે, તેનાથી પરેશાની હજુ વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp