આખરે કોંગ્રેસ વિપક્ષ નેતાનું નામ જાહેર કર્યું ખરું, જાણો કોને જવાબદારી મળી?

PC: twitter.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક મહિના પછી પણ કોંગ્રેસ પોતાના વિપક્ષ નેતાનું નામ જાહેર કરી શકી નહોતી. વિધાનસભા સચિવે 19 જાન્યુઆરી સુધીમાં વિપક્ષનું નામ જાહેર કરવાની ચિમકી આપી પછી કોંગ્રેસ ઉંઘમાંથી જાગી હતી અને વિપક્ષ નેતા અને ઉપનેતાના નામ જાહેર કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસે આખરે તેના ધારાસભ્ય દળના નેતાનું નામ ફાઈનલ કરી લીધું છે. કોંગ્રેસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ વડા અમિત ચાવડાને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે અને અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી ત્રીજી વખત જીતેલા શૈલેષપરમારને ઉપનેતા તરીકે નિયુક્ત કર્યા છે.

 કોંગ્રેસપાર્ટીના મહાસચિવ કેસી વેગુગોપાલે આ પત્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મોકલ્યો છે. પ્રદેશ કોંગ્રેસે કેન્દ્રીય હાઈકમાન્ડને કેટલાક નામો મોકલ્યા હતા. ત્યારથી નેતા અને ઉપનેતા પક્ષ તરફથી જાહેરાતની રાહ જોવાઇ રહી હતી.કોંગ્રેસે સત્તાવાર રીતે ધારાસભ્ય દળના નેતાનું નામ નક્કી કર્યા બાદ હવે તમામની નજર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર છે. હવે એ જોવાનું રહેશે કે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાને વિપક્ષની માન્યતા આપવામાં આવે છે કે નહીં. અમિત ચાવડા આંકલાવથી ધારાસભ્ય છે અને શૈલેષ પરમાર અમદાવાદના દાણી લિમડાથી વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 10 ટકાથી પણ ઓછી બેઠકો મળી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સત્તાવાર રીતે વિપક્ષના નેતા પદનો દાવો કરી શકે તેમ નથી, જોકે પક્ષના નેતાઓનું કહેવું છે કે ભૂતકાળમાં જ્યારે ભાજપના સભ્યોની સંખ્યા ઓછી હતી. ત્યારે કોંગ્રેસે તેમને ગુજરાતમાં વિપક્ષના નેતાનું પદ આપ્યું હતું એટલે ભાજપે પણ એ પરંપરા જાળવવી જોઇએ.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમામાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી અને 156 બેઠકો હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી, 5 આમ આદમી પાર્ટી અને 3 અપક્ષની બાકીની સીટ મળી હતી.

ગુજરાત વિધાનસભામાં વિપક્ષને ધારાસભ્યને જે સુવિધા મળે છે એ સુવિધા તો મળે જ છે ઉપરાંત વિપક્ષ નેતાને 1979ના વેતન અને ભથ્થા કાયદા મુજબ કેબિનેટ કક્ષાના મંત્રીની સુવિધા પણ મળે છે. વિપક્ષ નેતાને કાર, બંગલો અને વિધાનસભામાં ઓફીસ પણ મળે છે અને 19 વ્યકિતનો સ્ટાફ પણ મળે છે. હવે કોંગ્રેસે જ્યારે અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવ્યા છે ત્યારે તેમને પણ આ બધા લાભો મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp