રિવાબા ધારાસભ્ય તો હવે નયનાબાનું કદ વધ્યુ, 2024માં નણંદ vs ભાભી

PC: zeenews.india.com

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી અને પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા ફરી ચર્ચામાં છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સેવાદળના પ્રમુખ તરીકે નયનાબાને રાજકોટમાં મોટી જવાબદારી સોંપી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં નયનાબાએ તેમના ભાઈની પત્ની રીવાબા સામે પ્રચાર કર્યો હતો.

ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા ગુજરાત વિધાનસભા 2022માં ભાજપની ટિકીટ પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. રિવાબા ક્રિક્રેટથી માંડીને ફિલ્મ દુનિયા સુધી ચર્ચામાં રહે છે, તો રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજા પણ ફરીથી ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ નયનાબાનું કદ વધારીને તેમને રાજકોટ શહેર અને જિલ્લા સેવાદળના પ્રમુખ બનાવ્યા છે. નવી જવાબદારી મળવાને કારણે નયનાબાએ ફરી હુંકાર ભરી છે અને કહ્યું કે તે કોંગ્રેસના સંગઠનને મજબુત કરવા માટે ખુબ મહેનત કરશે. નયનાબાએ તેમની ફેસબુક પોસ્ટમાં સેવાદળના ચીફ ઓર્ગેનાઇઝર લાલજી દેસાઇનો આભાર માન્યો છે.

નયનાબાને મોટી જવાબદારી આપીને કોંગ્રેસે તેનું કદ વધાર્યું છે.રાજકારણમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં નણંદ-ભોજાઇ સામસામે આવશે. ભાજપ ધારાસભ્ય રિવાબાને પ્રચારમાં ઉતારશે તો નયનાબા કોંગ્રેસ માટે જોર લગાવશે.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં  વિધાનસભાની ચૂંટણીમાં ભાભી રિવાબા અને નણંદ નયનાબા સામ સામે હતા, જો કે રિવાબા મોટા માર્જિનથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની મોટી બહેન નયનાબા લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે ભૂતકાળમાં પણ સંસ્થાના અનેક હોદ્દા પર જવાબદારી નિભાવી ચૂક્યા છે. હવે તેઓ ડિસ્ટ્રિક્ટ મહિલા પ્રેસિડન્ટ રાજકોટ મહિલા સેવા દળની જવાબદારી સંભાળશે. તેઓ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટના રાજકારણમાં ખૂબ જ સક્રિય છે. કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક લાલજી દેસાઈએ નયનાબાને આ નવી જવાબદારી સોંપી છે.

ઓલ ઇન્ડિયા સેવા દળ દ્રારા રાજકોટ જિલ્લાના મહિલા અધ્યક્ષ તરીકે નયનાબા જાડેજા અને રાજકોટ શહેર સેવાદળના પ્રમુખ તરીકે ચિંતન દવેની વરણી કરી છે.

મોટી જવાબદારી મળવાની સાથે નયનાબાએ ભાજપ સામે પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપના શાસનમાં સામાન્ય પ્રજાની સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે અને બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. મોંઘવારીએ માઝા મુકી છે જેને કારણે મહિલાઓના બજેટ ખોરવાઇ ગયા છે. નયનાબાએ વધુમાં કહ્યું કે, અમારી ટીમ મહિલાઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો સામે લડત ચલાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp