ધારાસભ્ય કોંગ્રેસના અને ઘરે BJPનો ઝંડો ફરકતો હતો, સસ્પેન્ડ કરી દેવાયા

PC: facebook.com/SandeepjakharPB

પંજાબના એક ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના નેતા છે અને પોતાના ઘરે ભાજપનો ઝંડો લહેરાવી રહ્યા છે એ વાતની જાણ થતા કોંગ્રેસ હાઇકમાન્ડે ધારાસભ્યને સસ્પેન્ડ કરી દીધા છે. આ ધારાસભ્યના કાકા અને એક જમાનામાં પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પણ ગયા વર્ષે જ કોંગ્રેસ છોડીને ભાજપનો  ભગવો ધારણ કરી લીધો હતો. જો કે સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય કઇ પાર્ટીમાં જવાના છે એ વિશે હજુ  સુધી કોઇ જાણકારી સામે આવી નથી.

પંજાબની અબોહર વિધાનસભાથી કોંગ્રેસના ધારાસભ્ય સંદીપ જાખડ વિરુદ્ધ પાર્ટી હાઈકમાન્ડે મોટી કાર્યવાહી કરી છે. શનિવારે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય સંદીપ જાખડ પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આટલું જ નહીં જાખડ પર એવો પણ આરોપ છે કે તેણે પોતાના ઘરની છત પર ભાજપનો ઝંડો લગાવ્યો છે.

સંદીપ જાખડ અબોહર વિધાસભાથી કોંગેસના ધારાસભ્ય છે. તેઓ પંજાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડના ભત્રીજા છે.સુનીલ જાખડ હજુ ગયા વર્ષે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.

પંજાબ વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે સંદીપ જાખડને ટિકીટ આપી હતી. સંદીપ જાખડે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દીપ કંબોજને 5471 મતથી હાર આપી હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ત્રીજા નંબર પર હતા.

2022 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સામે નારાજગીને કારણે સુનીલ જાખડે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો એટલે પાર્ટીએ તેમના ભત્રીજા સંદીપ જાખડને મેદાનમાં ઉતાર્યા હતા.

કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ધારાસભ્ય સંદીપ જાખડને સસ્પેન્ડ કરવાનું કારણ પણ આપવામાં આવ્યું છે. તેમના પર પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજા વોર્ડિંગ વિરુદ્ધ બોલવા અને તેમના કાકા સુનીલ જાખડનો બચાવ અને સંદીપ જાખડના ઘરે ભાજપનો ઝંડો લગાવવાનો આરોપ છે, ઉપરાંત કોંગ્રેસની ભારત જોડો યાત્રા અને પાર્ટીના અન્ય કાર્યક્રમોમાં ભાગ નહીં લેવાનો પણ આરોપ છે.

પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડિંગે ધારાસભ્ય સંદીપ જાખડની કોંગ્રેસના હાઇકમાન્ડને ફરિયાદ કરી હતી કે તેઓ પાર્ટી વિરોધી ગતિવિધીઓ કરી રહ્યા છે. જેના પર કોંગ્રેસ હાઇકમાન્ડે પગલા લીધા છે.

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી લેવામા આવેલા કડક પગલાં એ વાતનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ કોઇ પણ સંજોગોમાં પાર્ટી વિરુદ્ધ જનારાને માફ નહીં કરે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp