સંસ્કૃતિ અને પંરપરા સાથે ચેડા ન થવા જોઇએ, UCC મુદ્દે BJPના વધુ એક સાથી CM નારાજ

યુનિફોર્મ સિવિલ કોડ(UCC) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભોપાલમાં આપેલા એક નિવેદન પછી UCCના મુદ્દે ગરમાટો આવી ગયો છે અને દેશભરમાં તેના વિશે ચર્ચા ચાલી રહી છે. PM મોદીએ કહ્યું હતું કે એક જ દેશમાં બે કાયદા કેવી રીતે હોઇ શકે, દેશમાં સમાન નાગરિક કાનૂનની આવશ્યકતા છે.નરેન્દ્ર મોદીના નિવેદન બાદ યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યાં ઉદ્ધવ ઠાકરેની આમ આદમી પાર્ટી અને શિવસેના જૂથે તેને સમર્થન આપ્યું છે. તો બીજી તરફ પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં, મુખ્યમંત્રી અને ભાજપના સહયોગી NPPના પ્રમુખ કોનરાડ કે. સંગમાએ તેની ટીકા કરી છે. મેઘાલયના CM કોનરાડ સંગમાએ કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ ભારતના વાસ્તવિક વિચારની વિરુદ્ધ છે. ભારત વિવિધતામાં એકતા વાળો દેશ છે.
નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના પ્રમુખ સંગમાએ મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં કહ્યું કે, UCC દેશ માટે યોગ્ય નથી. આ ભારતના વાસ્તવિક વિચારની વિરુદ્ધ છે, જે વિવિધતામાં એકતા દ્વારા વર્ગીકૃત થયેલું વૈવિધ્યસભર રાષ્ટ્ર છે.
સંગમાએ કહ્યું, હું પાર્ટીના દૃષ્ટિકોણથી વાત કરી રહ્યો છું. NPP મુજબ, સમાન નાગરિક કાનૂન ભારતની વાસ્તવિક ભાવનાની વિરુદ્ધ છે. વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ, જીવનશૈલી અને ધર્મો દેશની તાકાત છે. તેમણે વધુમાં કહ્યું, મેઘાલય એક માતૃસત્તાક સમાજ છે અને આ જ અમારી તાકાત છે. જે સંસ્કૃતિ અને અન્ય પાસાઓ કે જેને આપણે લાંબા સમયથી અનુસરી રહ્યા છીએ તેને બદલી શકાતા નથી. એક રાજકીય પક્ષ તરીકે, અમે સમજીએ છીએ કે સમગ્ર ઉત્તર પૂર્વ પ્રદેશને એક અનોખી સંસ્કૃતિ મળી છે. અમે ઈચ્છતા નથી કે અમારી પરંપરા અને સંસ્કૃતિને સ્પર્શ કરવામાં આવે.
NPP એ BJPની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA)ની સાથી છે. તે શાસક મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA)નું નેતૃત્વ કરે છે. ભાજપ એમડીએ સરકારમાં બે ધારાસભ્યો સાથે ભાગીદાર છે. મેઘાલય ઉપરાંત NPP મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં મજબૂત રાજકીય આધાર ધરાવે છે.
યુનિર્ફોમ સિવિલ કોડએ તમામ નાગરિકો માટે તેમના ધર્મ, જાતિ, લિંગ અને લૈંગિક અભિગમને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિગત કાયદાઓ બનાવવા અને લાગુ કરવાનો પ્રસ્તાવ છે. આ સમયે વિવિધ સમુદાયોના અંગત કાયદાઓ તેમના ધાર્મિક ગ્રંથો દ્વારા સંચાલિત થાય છે.
PM મોદીએ સોમવારે ભોપાલમાં ભાજપના એક કાર્યક્રમમાં UCC પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે વોટ બેંકના ભૂખ્યા લોકો છે જેઓ ટ્રિપલ તલાકની તરફેણ કરે છે. ભારતના મુસ્લિમ ભાઈ-બહેનોએ સમજવું પડશે કે કયા રાજકીય પક્ષો તેમને ઉશ્કેરીને તેમનો ફાયદો ઉઠાવવા માગે છે. તેમણે કહ્યું હતું કે શું એક જ પરિવારમાં બે પ્રકારના નિયમો ચાલી શકે ખરા?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp