ગુજરાત ચૂંટણીમાં હારેલા ભાજપ અને કોંગ્રેસના 4 ઉમેદવારોએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા
ગુજરાત વિધાનસભા 2022ના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થયા હતા અને ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી, એ પછી સરકાર પણ બનાવી દીધી અને આજે લગભગ પોણા બે મહિના પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ભાજપના 2 ઉમેદવારો અને કોંગ્રેસના 2 ઉમેદવારો સહિત 4 ઉમેદવારોએ ચૂંટણીના પરિણામોને પડકારવા માટે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોને પડકરાતી અરજી ભાજપના હર્ષદ રિબડીયા, હિતેશ વસાવા અને કોંગ્રેસના લલિત કગથરા અને રઘુ દેસાઇએ હાઇકોર્ટમાં કરી છે. આ ચારેય હારેલા ઉમેવાદરોએ ચૂંટણી પરિણામોને પડકારવા માટે કોર્ટનું શરણું લીધું છે.
લલિત કગથરા, રઘુ દેસાઇ, કોંગ્રેસ
અરજી કરનારા હારેલા ઉમેદવારોનો આરોપ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો જીત્યા હતા તેમના ફોર્મમાં ભૂલો હોવા છતા પણ રિટર્નીંગ ઓફીસરે તેમના ફોર્મ સ્વીકારી લીધા હતા. આ અરજીમાં અરજી કરનારા ઉમેદવારોએ રિટર્નીંગ ઓફીસર સહિત ચૂંટણી પંચને પક્ષકાર બનાવવાની માંગ કરી છે.
હર્ષદ રિબડીયા- હિતેશ વસાવા, ભાજપ
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કથગરા ટંકારા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા, તો કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇ રાધનપુરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. ભાજપના હર્ષદ રિબડીયા વિસાવદરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ પણ હારી ગયા હતા. ભાજપના ઉમેદવાર હિતેશ વસાવાએ ડેડીયાપાડાથી ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા.
હર્ષદ રિબડીયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા તરીકે જાણીતા હતા. તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક મહિના પહેલા ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને ટિકીટ તો આપી હતી, પરંતુ રીબડીયા ચૂંટણી હારી ગયા હતા.
હિતેશ વસાવા BTP સાથે છેડો ફાડીને ભાજપમાં આવ્યા હતા. જ્યારે ભાજપે હિતેશ વસાવાને ટિકીટ આપી હતી ત્યારે ભારે હોબાળો થયો હતો.
રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પોતાની હાર માટે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને રાધનપુરનાસ્થાનિક આગેવાનોને જવાબદાર ગણાવ્યા હતા.
182 સભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભા માટે ડિસેમ્બર 2022માં ચૂંટણી થઇ હતી. જેમાં ભાજપે 156 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવીને બધા સમીકરણોનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. ગુજરાતના ઇતિહાસમાં ભાજપે મેળવેલી આ સૌથી વધુ બેઠકો હતો. તો કોંગ્રેસે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો અને 3 દાયકાની સૌથી ઓછી બેઠકો મેળવી હતી. કોંગ્રેસે માત્ર 17 બેઠકો મેળવી હતી. ગુજરાતમાં ત્રીજા મોર્ચા તરીકે દાખલ થયેલી આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં 5 બેઠકો મેળવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp