સંસદનું સભ્યપદ પાછું મળી ગયું છતા, રાહુલ ગાંધી સરકારી બંગલામાં ન ગયા, જાણો કારણ

PC: livemint.com

લોકસભા સાંસદ તરીકેનું સભ્યપદ રાહુલ ગાંધીને પાછું મળી ગયા પછી તેમને તરત જ તેમનો 12 તુગલેક લેન પર આવેલો સરકારી બંગલો ફાળવી દેવામાં આવ્યો હતો. પરંતુ, રાહુલ ગાંધી આ સરકારી બંગલામાં રહેવા ગયા નથી.એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ આ બંગલામાં રહેવા જવા માંગતા નથી. બંગલામાં વાપસી માટે જવાબ આપવાની અંતિમ તારીખ 23 ઓગસ્ટ, બુધવારની હતી, જે પુરી થઇ ગઇ છે, પરંતુ રાહુલ સરકારી બંગલામાં ગયા નથી.

રાહુલ ગાંધીએ બંગલામાં પાછા ફરવા માટે 15 દિવસની અંદર લોકસભા હાઉસીંગ કમિટીને જવાબ આપવાનો હતો. જેના માટે રાહુલ ગાંધીએ ઔપચારિક રીતે ઇન્કાર કર્યો હતો. હવે રિ-એલોટમેન્ટની જે ડેડલાઇન હતી તે ખતમ થઇ ગઇ છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલમાં કોંગ્રેસના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બંગલાના રિ-એલોટમેન્ટને સીધી રીતે અસ્વીકાર કરવામાં નહોતો આવ્યો. જો કે, કોંગ્રેસના સૂત્રોએ એ પણ કહ્યું કે, એવી સંભાવના છે કે રાહુલ ગાંધી સરકારી બંગલામાં રહેવા નહીં જાય.

રાહુલ ગાંધી 12, તુગલેક લેનના સરકારી બંગલામાં 19 વર્ષ રહ્યા હતા. મોદી સરનેમ માનહાની કેસમાં સુરતની કોર્ટના સજાના ચુકાદા પછી બીજા જ દિવસે તેમનું સંસદ સભ્યપદ રદ કરી દેવામાં આવ્યુ હતું અને તેની સાથે તેમને સરકારી બંગલો ખાલી કરવા કહેવામાં આવ્યુ હતું. એપ્રિલ મહિનામાં રાહુલે બંગલો ખાલી કરી દીધો હતો.

સરકારી બંગલામાં રહેવા જવા પર જ્યારે રાહુલને સવાલ પુછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યુ હતું કે, આખું હિંદુસ્તાન મારું ઘર છે. રાહુલ ગાંધીને વર્ષ 2004માં 12, તુગલેક લેન બંગલો ફાળવવામાં આવ્યો હતો,જ્યારે તેઓ પહેલીવાર ઉત્તર પ્રદેશના અમેઠીથી સાંસદ બન્યા હતા.

રાહુલના 12 તુગલક લેન વાળા બંગલા પછી, રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધીના 10,જનપથ નિવાસ સ્થાન પછી બીજા શક્તિ કેન્દ્ર તરીકે રાહુલનો બંગલો ઉભરી આવ્યો હતો. પરંતુ આ વર્ષના એપ્રિલ મહિનામાં રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરીને તેમની માતા સાથે રહેવા ગયા હતા.

મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, શક્ય છે કે રાહુલ ગાંધી સરકારી બંગલાને બદલે બીજો કોઇ વિકલ્પ શોધી રહ્યા હોય. રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા સાથે 7 સફદરજંગ લેન જોવા ગયા હતા. રાહુલ ગાંધીએ પોતાનું ઘર છોડતી વખતે કહ્યું હતું કે, તેમને સત્ય બોલવાની સજા મળી છે. આ ઘર તેમને ભારતની પ્રજાએ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp