26th January selfie contest

AAP માટે રડીને મત માગેલા, પાર્ટીએ કહેલુ રડ્યા એટલે હાર્યા: બળવો કરનાર કોર્પોરેટર

PC: divyabhaskar.co.in

શુક્રવારની રાત્રે સુરતના રાજકારણમાં જબરદસ્ત હલચલ મચી ગઇ હતી, કારણ કે આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. એક સમયે ભાજપને મણ મણની ગાળો આપનારા, ભાજપને ભ્રષ્ટ્રાચારી કહેનારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોનો પક્ષ પલટો કર્યા પછી હવે સૂર બદલાઇ ગયો છે. આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા એક કોર્પોરેટરે AAP પર બળાપો કાઢીને કહ્યું હતું કે, અમે સોશિયલ મીડિયામાં લોકો પાસે રડી રડીને મત માંગેલા તો પાર્ટીએ કહ્યું હતું કે, તમે રડ્યા એટલે હાર્યા.

આમ આદમી પાર્ટીના સક્રીય કાર્યકર ગણાતા ધર્મેન્દ્ર વાવલિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યા પછી AAP સામે બળાપો કાઢ્યો હતો. વાવલિયાએ કહ્યું કે, જે પાર્ટીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિશ્વાસ હતો તે તુટી ગયો છે. જ્યારે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે એવું કહેવામાં આવતું હતું કે જે કામ કરશે, જે લોકોના સંપર્કમાં રહેશે અને જે પ્રમાણિક હશે તેમની પાર્ટી ટિકીટ આપશે. પરંતુ જે લોકોએ આમ આદમી પાર્ટીને  બાનમાં લીધી છે તેમણે રંગ બદલાવાનું શરૂ કરી દીધું હતું.

વાવલિયાએ આગળ કહ્યુ કે, જે કાર્યકરોએ મહેનત કરીને સુરતમાં આમ આદમી પાર્ટીનો બેઝ્ડ તૈયાર કર્યો હતો તેમની અવગણના કરવામાં આવતી હતી. ધર્મેન્દ્ર વાવલિયાએ આરોપ લગાવતા કહ્યું હતું કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં સુરત શહેરના સંગઠનમાં જેમને મહત્ત્વની વ્યકિત માનવામાં આવતી હતી તેવા મનોજ સોરઠિયાએ સંગઠનમાં કામ કરવાને બદલે ચૂંટણીમાં વધારે રસ દાખવ્યો હતો. એ જ પ્રમાણે  કતારગામ વિધાનસભા વિસ્તારમાં જે કાર્યકરોએ દિવસ રાત મહેનત કરી હતી, લોકો એ કાર્યકરોને ચહેરાથી ઓળખતા હતા તેમને બદલે  ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારી દીધા હતા. આવા બધા કારણોને લીધા કાર્યકરોનું મોરલ ડાઉન થઇ ગયું હતું.

ધર્મેન્દ્ર વાવલિયાએ કહ્યુ કે, આમ છતા અમે મન મોટું રાખીને ગોપાલ ઇટાલિયા માટે સોશિયલ મીડિયા પર રડી રડીને લોકો પાસેથી મત માંગ્યા હતા, પરંતુ જ્યારે ઇટાલિયાને હાર મળી ત્યારે AAPના દિગ્ગજ નેતાઓએ મને કહ્યું હતું કે, તમે રડી રડીને મત માગ્યા એટલે આપણે હાર્યા.

વાવલિયાએ કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે સુરતમાં મોટા પાયે લોકો એકત્રિત થતા હતા, એનો મતલબ એ નથી કે બધા જ મતદારો આમ આદમી પાર્ટીને મત આપવાની ઇચ્છા ધરાવતા હતા. મોટાભાગની સભામાં એકને એક જ લોકો આવીને બેસતા હતા તેને કારણે ભીડનો માહોલ ઉભો થયો હતો. તેમણે કહ્યું કે, જે કાર્યકરોએ પાર્ટીને ઉભી કરવા માટે પરસેવો પાડ્યો હતો તેને બદલે છેલ્લાં 15 દિવસમાં જ તખ્તો બદલાઇ ગયો હતો અને પોતે જ ઉમેદવાર બનીને બેસી ગયા હતા.

ભાજપ માટે AAPના ઉમેદવારોને તોડવા એટલા માટે મહત્ત્વનું હતું, કારણરે 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને બારડોલી લોકસભાનો જે વિસ્તાર છે તેમાં AAPના 3 લાખ કરતા વધારે મતદારો છે. એવું પણ જાણવા મળ્યું છે કે AAPના અન્ય 6 કોર્પોરેટરો પણ ભાજપનો ખેસ પહેરવા માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp