પૂર્વ કેન્દ્રીયમંત્રી શરદ યાદવનું 75 વર્ષની વયે નિધન

PC: twitter.com/ANI

જનતા દળ યુનાઇટેડ (JDU)ના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન થઇ ગયું છે. તેમની દીકરીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. 75 વર્ષની ઉંમરમાં શરદ યાદવે છેલ્લા શ્વાસ લીધા છે. બિહારની રાજનીતિમાં પોતાની અલગ ઓળખ રાખનારા શરદ યાદવના આમ અચાનક જતા રહેવાથી બધા દુઃખી છે. તેમની સમાજવાદવાળી રાજનીતિએ તેમને જનતા વચ્ચે લોકપ્રિય બનાવ્યા હતા. ગુરુગ્રામની ફોર્ટિસ હૉસ્પિટલમાં તેમનું નિધન થયું છે. તેમનો પાર્થિવ દેહ એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલથી આવાસ પહોંચી ગયો છે.

આજે આખો દિવસ પાર્થિવ દેહ છતરપુરમાં સ્થિત 5 વેસ્ટર્ન (DLF) આવાસ પર દર્શન માટે રાખવામાં આવશે. શરદ યાદવની દીકરી સુભાષીનીએ ટ્વીટર પર પોતાના પિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘પપ્પા નથી રહ્યા.’

ફોર્ટિસ હૉસ્પિટલે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે, ‘શરદ યાદવને બેહોશીની હાલતમાં હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમનામાં કોઇ પલ્સ નહોતી. પ્રોટોકોલ હેઠળ તેમને CPR આપવામાં આવ્યું હતું. તમામ પ્રયત્નો છતા પણ તેમને બચાવી શકાય નહીં. રાત્રે 10:19 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદનાઓ છે.’

આ સમાજવાદી નેતાના નિધનથી રાજનૈતિક ગલિયારાઓમાં શોકની લહેર છે. વડાપ્રધાન ના મોદીએ કહ્યું કે, ‘શરદ યાદવજીના જવાથી દુઃખ થયું. એક લાંબા રાજનૈતિક જીવનમાં તેમણે સાંસદ અને મંત્રી તરીકે એક અલગ ઓળખ બનાવી. લોહિયાના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. હું તેમની સાથે કરેલી દરેક વાતચીતને યાદ રાખીશ. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ.’

લોક સભાના સાંસદ ઓમ બિરલાએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘શરદ યાદવ વિલક્ષણ પ્રતિભાવાળા મહાન સમાજવાદી નેતા હતા. તેમણે વંચિતો શોષિતોના દર્દને દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમનું નિધન સમાજવાદી આંદોલન માટે મોટી ક્ષતિ છે. પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ.’

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, ‘પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવજીનું નિધન દુઃખદ. શરદ યાદવજી સાથે મારો ગાઢ સંબંધ હતો. હું તેમના નિધનના સમાચારથી સ્તબ્ધ અને દુઃખી છું. તેઓ એક પ્રખર સમાજવાદી નેતા હતા. તેમના નિધનથી સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાંઆ અપૂરણીય ક્ષતિ થઇ છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે, ‘મંડળ મસીહા. RJDના વરિષ્ઠ નેતા, મહાન સમાજવાદી નેતા મારા વાલી શરદ યાદવના અકાળે નિધનના સમાચારથી દુઃખી છું. કંઇ કહી શકવામાં અસમર્થ છું. માતાજી અને ભાઇ શાંતનુ સાથે વાતચીત થઇ. દુઃખના આ સમયમાં સંપૂર્ણ સમાજવાદી પરિવાર, પરિવારજનો સાથે છે. એ સિવાય અન્ય નેતાઓ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp