ગુજરાતે ગયા વર્ષે અદાણી પાસેથી 8160 કરોડની વીજળી ખરીદી, AAPના સવાલથી ખુલાસો

PC: tradebrains.in

આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ વિધાનસભામાં એક સવાલ પુછ્યો હતો જેના જવાબમાં ખબર પડી કે ગુજરાક સરકારે ગયા વર્ષે અદાણી પાસેથી 8160 કરોડ રૂપિયાની વીજળી ખરીદી હતી.

અદાણી જૂથ સામે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર અદાણી ગ્રુપને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યો છે. દરમિયાન ગુજરાત વિધાનસભામાંથી એક મોટી માહિતી બહાર આવી છે. ગુજરાત સરકારનું કહેવું છે કે તેણે 2021 થી 2022 વચ્ચે અદાણી પાવર લિમિટેડ પાસેથી 8,160 કરોડ રૂપિયાની વીજળી ખરીદી હતી, જેના ટેરિફ દરો રૂ. 2.83 થી બદલીને રૂ. 8.83 પ્રતિ યુનિટ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે શનિવારે વિધાનસભામાં આ માહિતી આપી હતી.

આમ આદમી પાર્ટીના જામ જોધપુરના ધારાસભ્ય હેમંત આહિર (ખવા)ના એક સવાલના જવાબમાં, રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારે 2021-22માં અદાણી પાવર પાસેથી રૂ. 8,160 કરોડમાં 11,596 મિલિયન યુનિટ વીજળી ખરીદી હતી. એટલું જ નહીં,  દર મહિને રૂ. 2.83 થી રૂ. 8.83 પ્રતિ યુનિટની રેન્જમાં ટેરિફમાં સુધારો કરવામાં આવ્યો હતો.

ગુજરાતના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 2007માં અદાણી પાવર લિમિટેડ પાસેથી 25 વર્ષ માટે યુનિટ દીઠ રૂ. 2.89 અને રૂ. 2.35ના ટેરિફ દરે વીજ ખરીદવા માટે કરાર કર્યા હતા. આયાતી કોલસાની કિંમતમાં થયેલા વધારાને કારણે રાજ્ય સરકારે કંપની સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટના દરોમાં સુધારો કર્યો છે.

કનુ દેસાઈએ ગૃહને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ કોલસા આધારિત હોવાથી વીજ કંપની 2011 પછી ઈન્ડોનેશિયાથી મંગાવવામાં આવતા કોલસાની કિંમતમાં વધારો થવાને કારણે સંપૂર્ણ ક્ષમતાથી વીજ ઉત્પાદન કરી રહી નહોતી. રાજ્ય સરકારે આ મુદ્દે તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. બાદમાં સરકારે કમિટીની ભલામણોને કેટલાક સુધારા સાથે સ્વીકારી હતી અને વીજ ખરીદ દરમાં વધારાને મંજૂરી આપી હતી.

સમિતિની ભલામણોના આધારે, 5 ડિસેમ્બર, 2018 ના રોજ અદાણી પાવર સાથે પૂરક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા 12 એપ્રિલ, 2019 ના રોજના આદેશ દ્વારા આને મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય કોલસાના ભાવમાં વધારાને કારણે કરારમાં સુધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારનું કહેવું છે કે બધા ઉપલબ્ધ સ્ત્રોતોથી રાજ્યની વીજળીની માંગને પુરી કરવા માટે યોગ્યતા ક્રમને ધ્યાનમાં રાખીને  મુંદ્રામાં આવેલા અદાણી પાવર પાસેથી વીજળી ખરીદવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp