ગુજરાતનું બજેટ રજૂ, જાણો તમારા માટે તેમા શું છે, કોંગ્રેસે કહ્યું આનાથી મોંઘવારી

PC: twitter.com/KanuDesai180

ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુ દેસાઇ દ્વારા ગુજરાતનું ઐતિહાસિક જમ્બો બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કુલ 3.01 લાખ કરોડથી વધુનું બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતની 1960માં થયેલી સ્થાપનાથી લઇને અત્યાર સુધીના બજેટમાં આવેલા ધરખમ વધારાના આંકડા સામે આવી રહ્યાં છે. ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ નાણાકીય વર્ષ 1960-61 માટે 115 કરોડ રૂપિયાનું હતું. જેમાં રોકેટ ગતિએ ધરખમ વધારો થતા હાલમાં 3.01 લાખ કરોડને પાર થયું છે.

રાજ્યનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરતા નાણા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું કે, માર્ગ મકાન વિભાગ માટે 20,642 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગૃહ વિભાગ માટે કુલ 8,574 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમજ રાજ્યના પોલીસ જવાનો માટે આવાસ બનાવવા અને મોડાસામાં જેલ બનાવવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવાની સહાય માટે 12 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. 10 હજાર વિદ્યાર્થીઓને સહાય મળશે.

મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સ અંતર્ગત 3,109 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં 10 નવી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થશે. તેમજ સરકારી સ્કૂલની જાળવણી માટે 109 કરોડ ખર્ચ કરવાની જાગોવાઇ કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, શિક્ષણ વિભાગ માટે 4,3651 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.  મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સ અંતર્ગત 3109 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાઇ. રાજ્યમાં 10 નવી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થશે. સરકારી સ્કૂલની જાળવણી માટે 109 કરોડ ખર્ચ કરવામાં આવશે.

RTE બાદ હોશિયાર વિદ્યાથીઓ માટે ધોરણ 9થી 12ના અભ્યાસ માટે 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે 568 કરોડની જોગવાઇ કરાઇ છે. ત્યારે રમત ગમત ક્ષેત્રે 320 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, તાલુકા કક્ષાનું એક સ્પોર્ટ કોમ્પલેક્ષ બનવવાની જોગવાઇ કરવામાં આવી છે. 500 નવી શાળાઓને IN-SCHOOL યોજનાનો લાભ અપાશે. EMRS, GLRS, DLSSની પણ શરૂઆત કરવામાં આવશે.

આ બજેટમાં જળ સંપત્તિ વિભાગ માટે 9,705 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3,642 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20,642 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય જૂના પુલના પુન: બાંધકામ માટે 550 કરોડની જોગવાઇ કપવામાં કરવામાં આવી છે.

કચ્છ-બનાસકાંઠાને જોડતા ઘડુલી-સાંતલપુર રસ્તા માટે 401 કરોડ, અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇક્વિટી ફાળા માટે 200 કરોડ, કિમ-માંડવી હાઇવે માટે 200 કરોડ, SOUને જોડતા રસ્તાઓ માટે 140 કરોડ, ટૂરિસ્ટ સર્કિટને જોડતા રસ્તાઓના વિકાસ માટે 605 કરોડ, પરિક્રમા પથના બાંધકામ માટે 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ માટે 2,193 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સેમી કંડક્ટર પોલિસી હેઠળ 524 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ઇલેક્ટ્રોનિક પોલિસી હેઠળ 125 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. IT પોલિસી હેઠળ રોજગારીનું સર્જન કરવા માટે 70 કરોડ ફાળવવામાં આવ્યા છે.  સ્પેસ મેન્યૂફેક્ચરિંગ ક્લસ્ટરના વિકાસ માટે 12 કરોડની ફાળવણી કરાઇ છે. ડિફેન્સ અને એવિએશન ગેલેરી સ્થાપવા માટે 22 કરોડ ફળવવામાં આવ્યા છે. રિઝ્યોનલ સાયન્સ સેન્ટર અને વિજ્ઞાન કેન્દ્રો માટે 233 કરોડની જોગવામાં કરવામાં આવી છે.

નાણામંત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યુ કે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3,514 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ભાવનગર પોર્ટ ટ્રાફિક માટે 297 કરોડ, નવલખી પોર્ટની હેન્ડલિંગ ક્ષમતા વધારવા 192 કરોડ, સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા 24 કરોડ, 50 ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે 24 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે રાજ્યમાં 156 સીટો ધરાવતી સરકાર બની છે ત્યારે અમૃતકાળના બજેટમાં લોકોના ભાગે અમૃત આવ્યુ નથી. આ ઉપરાંત તેમણે કહ્યુ હતું કે ખેડૂતોને જે આશા હતી કે તેમની આવક બમણી થશે પણ આ બજેટમાં તેનાથી વિપરીત ખેડૂત પાયમાલ થઈ જશે.

આ ઉપરાંત ખેડૂતોના આર્થિક દેવા માફ કરવાની પણ કોઈ જોગવાઈ નથી. ગુજરાતના યુવાનોને નવી ભરતી અને રોજગારની અપેક્ષા હતી, પણ સરકારે કોઈ આયોજન કે રોજગાર માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. રાજ્યમાં વધી રહેલી મોંધવારી મુદ્દે અમિત ચાવડાએ કહ્યુ હતું કે રાજ્યના બજેટમાં મોંધવારી ઘટાડવા માટે કોઈ પણ જોગવાઈ નથી એટલે મધ્યમ વર્ગ આ બજેટથી નિરાશા અનુભવશે.

ગુજરાત રાજ્ય દેવામાં છે પણ એની કોઇ વાત કરતું નથી અને મોટા-મોટા આંકડાની માયાજાળ રચવામાં આવે છે. સરકારે રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગૂ કરવા માટે પણ કર્મચારીઓને જે વચનો આપ્યા હતા તે પણ આ બજેટમાં પૂરા કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત ગુજરાતના અલગ કર્મચારીની માગોને સંતોષવામાં આવી નથી અને આશા વર્કર બહેનો, આંગણ વાડી બહેનો તેમજ ફિક્સ પગારદારોને જે માગણીઓ હતી તે સરકારે પૂરી કરી નથી. ચૂંટણીમાં જે સ્વપ્નો બતાવાયા હતા તે ઠાલા નીવડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp