હત્યા કેસના વોન્ટેડ આરોપીનો ગાંધીનગરમાં કોંગ્રેસ નેતાના ઘરે તલવાર-ધોકાથી હુમલો

PC: divyabhaskar.co.in

હત્યા કેસનો એક વોન્ટેડ આરોપીએ કોંગ્રેસ નેતાના ઘરે તલવાર-ધોકાથી હુમલો કર્યો હતો. નેતાના ઘરના અને કારના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. જો કે સોસાયટીના લોકો જાગી જતા હુમલાખોરો ભાગી છુટ્યા હતા. વિધાનસભા 2022ની ચૂંટણીની અદાવતમાં હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસ નેતા અજિતસિંહ

ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને ગાંધીનગર સેક્ટર 26માં રહેતા અજિતસિંહ વાઘેલાના ઘરે રવિવારે વહેલી સવારે હુમલો થયો હતો. તેમના ઘરના અને કારના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. આ હુમલો હત્યા કેસના આરોપી અને સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી ઘનશ્યામ જમાદારે કેટલાંક લોકોની સાથે આવીને કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

ઘનશ્યામ જમાદાર ભાજપના પૂર્વ કોર્પોરેટર સોનલબાના પતિ છે અને ગાંધીનગરના કોલવડામાં 10 મહિના પહેલા દિલીપસિંહ વાઘેલા નામના વ્યકિતની ગોળી મારી હત્યા કરવાના કેસમાં વોન્ટેડ આરોપી છે. જાણવા મળેલી વિગત મુજબ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા અજિતસિંહે ગાંધીનગર ઉત્તરથી ઉમેદવારી નોંધાવી હતી. તે વખતે ઘનશ્યામ સિંહે અજિતસિંહને હરાવવામાં મૂખ્ય ભૂમિકા ભજવી હતી અને ત્યારથી જુની અદાવત ચાલી રહી હતી.

ઘનશ્યામ જમાદાર

શનિવારે રાત્રે અજિતસિંહ ઘરે હતા ત્યારે તેમના ફોન પર એક મિસ્ડ કોલ આવ્યો હતો. કોંગ્રેસ નેતાએ સામે ફોન કર્યો તો ફોન ઘનશ્યામ જમાદારે ઉપાડ્યો હતો અને અજિતસિંહને ધમકી આપી હતી કે મારી વિરુદ્ધમાં કેમ પડ્યા છો? ચૂંટણીમાં તમારો દીકરો પણ બહુ કુદતો હતો, હવે બધા માર ખાવાની તૈયારી રાખજો. અજિતસિંહે આ વિશે પોલીસને ફરિયાદ કરી હતી.

એ પછી ફરી ઘનશ્યામ જમાદારે અજિતસિંહને ફોન કરીને કહ્યું હતું કે, હું મર્ડરનો વોન્ટેડ આરોપી છું, તું કહે ત્યાં હું આવું, આજે તને અને તારા દીકરાને છોડવાના નથી. અજિતસિંહે એઅમ કહીને ફોન કાપી નાંખ્યો હતો કે રાત થઇ છે, કાલે સવારે વાત કરીશું. એ પછી મળસ્કે લગભગ 5 વાગ્યાના સુમારે અજિતસિંહના બારી પર પત્થર ફેંકાયાનો અવાજ આવ્યો હતો. અજિતસિંહે જોયું તો ઘનશ્યામ જમાદાર, તેનો ભાઇ હમીરસિંહ, ભાણેજ દિવ્યરાજસિંગ તથા બીજા 6થી 7 માણસો તલવાર અને ધોકા સાથે ઉભા હતા. ઘનશ્યામના સાગરીતોએ અજિતસિંહની કારના કાચ પણ તોડી નાંખ્યા હતા. ભારે ઉહાપોહ થતા આસપાસના લોકો જાગી ગયા હતા એટલે ઘનશ્યામ તેના સાથીઓ સાથે ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘનશ્યામ અને તેની ગેંગ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp