શું શિંદેની ખુરશી જશે, અજીત જ્યારે ડે.સીએમ. બને ત્યાર સીએમએ ખુરશી છોડવી પડે છે

PC: facebook.com/ajitpawar.maharastra

શરદ પવાર સામે બળવો કરીને અજિત પવાર 5મી વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. અજિત સરકારમાં જોડાયા બાદ શિવસેના (UBT) નેતા સંજય રાઉતે એકનાથ શિંદે વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. રાઉતે કહ્યું છે કે ટૂંક સમયમાં એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવશે.

શિવસેના (UBT)ના મુખપત્ર સામનાએ પણ એકનાથ શિંદેની ખુરશી ખતરામાં હોવાનું જણાવ્યું છે. શિવસેનાના દાવા પાછળ બે મુખ્ય કારણો છે. પહેલું, શિંદે સહિત 16 ધારાસભ્યોની સદસ્યતા પર સંકટ અને બીજું, જે મુખ્યપ્રધાન સાથે અજીત નાયબ મુખ્યપ્રધાન બન્યા, તેઓ 5 વર્ષ સુધી પોતાના પદ પર રહ્યા નથી એવો ઇતિહાસ છે.

શિંદે જૂથના 16 ધારાસભ્યોની સદસ્યતાનો મામલો સ્પીકર પાસે છે. સુપ્રીમ કોર્ટે વિધાનસભાના સ્પીકરને નિયત સમયમાં આ અંગે નિર્ણય લેવા કહ્યું હતું, પરંતુ 4 મહિના પછી પણ નિર્ણય લેવામાં આવ્યો નથી.4 જુલાઈએ ઉદ્ધવ જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઉદ્ધવ જૂથે કોર્ટને કહ્યું છે કે સ્પીકરને તાત્કાલિક ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાનો આદેશ આપવામાં આવે.

ન્યૂઝ એજન્સી Rediff.com એ દાવો કર્યો છે કે 10 ઓગસ્ટ પહેલા રાહુલ નાર્વેકર સભ્યપદ અંગે નિર્ણય લઈ શકે છે અને એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ પરથી હટી શકે છે. એજન્સી અનુસાર, અજિત પવારને 11 ઓગસ્ટે મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

અજિત પવાર અજિત પવાર પ્રથમ વખત પૃથ્વીરાજ ચવ્હાણની સરકારમાં 10 નવેમ્બર 2010ના રોજ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. ચવ્હાણ સરકારમાં અજિત 4 વર્ષ સુધી ડેપ્યુટી CMપદ પર રહ્યા, પરંતુ સરકાર રિપીટ થઈ શકી નહીં. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસ 42 અને NCP 41 સીટો પર આવી ગઈ હતી. અજીતની પાર્ટીએ હાર માટે પૃથ્વીરાજ ચવ્હાણને જવાબદાર ઠેરવ્યા હતા. મહારાષ્ટ્રની હાર પછી પૃથ્વીરાજ રાજકીય દ્રશ્યમાંથી ગાયબ થઈ ગયા હતા.

2014માં પૃથ્વીરાજ-અજિતની સરકારને સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા હતા. શિવસેનાના ટેકાથી ફડણવીસની સરકાર પાંચ વર્ષ સુધી ચાલી હતી. 2019ની ચૂંટણીમાં, ભાજપ ફડણવીસના ચહેરા પર સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ સરકાર બનાવવા માટેના આંકડાથી ઘણી ઓછી પડી  હતી.દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનની ખુરશી પર દાવો કર્યો, જેના કારણે શિવસેના અને ભાજપ વચ્ચેની વાતચીત બગડી હતી.

મહારાષ્ટ્રમાં ખુરશી માટેની રમત ચાલી રહી હતી ત્યારે દેવેન્દ્ર ફડણવીસે NCPના અજિત પવાર સાથે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અજીત સરકારમાં ડેપ્યુટી CM બન્યા. શરદ પવાર અજિતના નિર્ણયથી નાખુશ હતા અને તેણે અજિતની ગેમ ફેરવી નાંખી હતી. ફડણવીસની સરકાર માત્ર 3 દિવસ જ ટકી શકી અને આંકડાની રમતને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું. 2022માં શિવસેના (શિંદે) અને ભાજપની સરકારમાં દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

અજિત પવાર 30 ડિસેમ્બર 2019 થી 29 જૂન 2022 સુધી ઉદ્ધવ ઠાકરેની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન હતા. બળવાખોર હોવા છતાં, અજિતને શરદ પવાર દ્વારા NCP ક્વોટાના ઉપમુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું હતું. અજિત પાસે નાણાં અને  આયોજન જેવા મહત્વના પોર્ટફોલિયો હતા.

અજિત પવાર પહેલા સુધાકર રાવ નાઈકની સરકારમાં મંત્રી બન્યા હતા. નાઈક 1991માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. અજિતને નાઈક સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 1992માં બાબરી ધ્વંસ બાદ મહારાષ્ટ્રમાં રમખાણો થયા હતા.

આ પછી, 1993 ની શરૂઆતમાં, બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવવા લાગ્યા, જે પછી કોંગ્રેસ હાઈકમાન્ડે નાઈકને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા. આ પછી નાઈકે કેન્દ્રના રાજકારણમાં પ્રવેશ કર્યો. રાજ્યપાલ અને સંસદસભ્ય બન્યા હતા.

1993માં કોંગ્રેસના ક્વોટામાંથી શરદ પવારને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. અજિતને પવાર સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. અજિત ભલે પવાર સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન રહ્યા હોય, પરંતુ તેમનો પ્રભાવ ઘણો મોટો હતો.

1995ની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. શરદ પવારને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી પવાર ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શક્યા ન હતા. તેમણે 1999માં પોતાની પાર્ટી બનાવવી પડી હતી.

અજિત વિલાસરાવ દેશમુખની સરકારમાં મંત્રી હતા, જેઓ 1999-2003 અને 2004-2008 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. 2003 માં, વિલાસરાવને પ્રદર્શનના આધારે દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે 2008 માં મુંબઈ આતંકવાદી હુમલાને કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

વિલાસરાવ દેશમુખ પછી કોંગ્રેસે અશોક ચવ્હાણને મહારાષ્ટ્રની કમાન સોંપી. અજિત ચવ્હાણ સરકારમાં મંત્રી પણ બન્યા. તેમને જળસંસાધન જેવા મહત્ત્વના ખાતા મળ્યા, પરંતુ અશોક ચવ્હાણની સરકાર પણ ચાલી શકી નહીં.

2010માં આદર્શ સોસાયટી કૌભાંડમાં નામ આવવાને કારણે અશોક ચવ્હાણને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી, ચવ્હાણ 2019 સુધી રાજકીય પૃષ્ઠભૂમિમાં રહ્યા. 2019માં ઉદ્ધવની સરકાર બની ત્યારે તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp