BJPના સ્થાપના દિવસ પર PMની 10 ખાસ વાતો, હનુમાનજીનો ઉલ્લેખ અને કોંગ્રેસ પર પ્રહાર

PC: twitter.com/BJP4India

ભારતીય જનતા પાર્ટી (BJP)ની સ્થાપનાના 44માં સ્થાપના દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમની સંસ્કૃતિ પરિવારવાદ, વંશવાદ, જાતિવાદ અને ક્ષેત્રવાદની રહી છે, જ્યારે ભાજપની રાજનૈતિક સંસ્કૃતિ પ્રત્યેક દેશવાસીને સાથે લઈને ચાલવાની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓને પોતાના સંબોધનમાં હનુમાન જયંતી અને ભાજપના સ્થાપના દિવસના સંયોગનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આજે ભારત બજરંગબલીજીની જેમ પોતાની અંદર રહેલી શક્તિઓનો આભાસ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રએ મોદીએ હનુમાનજીનો ઉલ્લેખ કરીને તેને ભાજપ માટે પ્રેરણાસ્ત્રોત બતાવ્યો તો વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 10 મોટી વાતો:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, ભાજપની સ્થાપનાથી લઈને આજ સુધી જે મહાન વિભૂતિઓએ પાર્ટીને સિંચી છે, સશક્ત અને સમૃદ્ધ કરી છે, નાનાથી નાના કાર્યકર્તાઓથી લઈને વરિષ્ઠ પદ પર રહીને દેશ અને પાર્ટીની સેવા કરનાર બધા મહાનુભાવોને હું માથું નમાવીને પ્રણામ કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓએ સંબોધિત કરતા કહ્યું કે, હનુમાનજી પાસે અસીમ શક્તિ છે, પરંતુ એ શક્તિનો ઉપયોગ તેઓ ત્યારે જ કરી શકે છે જ્યારે પોતાના પર તેમની શંકા સમાપ્ત થઈ જાય છે. વર્ષ 2014 અગાઉ ભારતની એ જ સ્થિતિ હતી, પરંતુ આજે ભારત બજરંગબલીજીની જેમ પોતાની અંદર છુપાયેલી શક્તિનો આભાસ કરી ચૂક્યો છે.

તેમણે કહ્યું કે, આજે આપણે દેશના ખૂણા-ખૂણામાં ભગવાન હનુમાનજીની જન્મ જયંતી મનાવી રહ્યા છીએ. હનુમાનજીનું જીવન અને તેમના જીવનના મુખ્ય પ્રસંગ આજે પણ આપણને પુરુષાર્થ કરવા માટે પ્રેરિત કરે છે. ભારતની વિકાસ યાત્રા માટે પ્રેરણા આપે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હનુમાનજી બધુ જ કરી શકે છે, બધા માટે કરે છે, પરંતુ પોતાના માટે કશું જ કરતા નથી. ‘ઇદમ્ રામાય્, ઇદમ્ ન મમ્’ એ જ ભાજપની પણ પ્રેરણા છે. ‘ઇદમ્ રાષ્ટ્રીય, ઇદમ્ ન મમ્.’

તો કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, પરિવારવાદ, વંશવાદ અને ક્ષેત્રવાદની વંશજ છે બધી પાર્ટીઓ, કોંગ્રેસ જેવી પાર્ટીઓનું કલ્ચર નાનું કરવું, નાના સપના જોવા અને એક બીજાની પીઠ થપથપાવવામાં જ ખુશ રહે છે. ભાજપનું કલ્ચર છે એક બીજા માટે ખપી જવાનું.

વડાપ્રધાને ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે, મા ભરતીને લઈને આ ખરાબીઓથી મુક્તિ અપાવવા માટે કઠોર થવું પડે તો કઠોર થાઓ. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો હતો તો તેઓ એટલા જ કઠોર પણ થઈ ગયા હતા. એ પ્રકારે જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે છે, જ્યારે પરિવારવાદની વાત આવે છે, કાયદાની વ્યવસ્થાની વાત આવે છે તો ભાજપ એટલી જ સંકલ્પબદ્ધ થઈ જાય છે.

તેમણે આગળ કહ્યું કે, ભાજપ એ પાર્ટી છે જેના માટે રાષ્ટ્ર હંમેશાં સર્વોપરી રહ્યું છે. એક ભારત-શ્રેષ્ઠ ભારત જેની આસ્થાનો મૂળ મંત્ર છે. જ્યારે જનસંઘનો જન્મ થયો તો આપણી પાસે ન વધારે રાજકીય અનુભવ હતા, ન સાધન હતા, ન સંસાધન હતા, પરંતુ આપણી પાસે માતૃભૂમિ પ્રત્યે ભક્તિ અને લોકતંત્રની શક્તિ હતી.

ભાજપના કાર્યકર્તાઓને વડાપ્રધાને કહ્યું કે, આપણું સમર્પણ છે મા ભરતીને, આપણું સમર્પણ છે દેશના કોટિ કોટિ જનોને, આપણું સમર્પણ છે દેશના સંવિધાનને. આજે ભાજપ વિકાસ અને વિશ્વાસનો પર્યાય છે. નવા વિચારોનો પર્યાય છે અને દેશની વિજય યાત્રામાં એક મુખ્ય સેવક બનીને પોતાની ભૂમિકા નિભાવી રહી છે.

તેમણે કહ્યું કે, આપણે રાષ્ટ્ર પ્રથમના મંત્રને પોતાનો આદર્શ બનાવ્યો છે. ભાજપે લોકતંત્રના ખોળામાં જન્મ લીધો. લોકતંત્રમાં અમૃતથી પોષિત છે અને ભાજપ દેશના લોકતંત્ર અને સંવિધાનને મજબૂત કરવા માટે સમર્પણ ભાવથી દિવસ-રાત માટે કામ કરી રહી છે.

તો ભાજપના કાર્યકર્તાઓને સાવધાન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે ઓવર કોન્ફિડેન્સ, અતિ આત્મવિશ્વાસનો શિકાર થવાનું નથી. વર્ષ 2024માં ભાજપને કોઈ હરાવી નહીં શકે. એ વાત સાચી છે, પરંતુ આપણે ચૂંટણી જીતવા સુધી સીમિત રહેવાનું નથી, લોકોના દિલોને પણ જીતવાના છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp