26th January selfie contest

કર્ણાટકમાં ભાજપ હારશે તો 2024માં શું મુશ્કેલી પડી શકે?

PC: thequint.com

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો કાલે એટલે કે, શનિવારે આવશે પણ પહેલા આવેલા એક્ઝિટ પોલના પરિણામોએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની ચિંતા વધારી દીધી છે. એક્ઝિટ પોલના પરિણામોમાં ભાજપની હાર અને કોંગ્રેસની જીતના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસને સૌથી વધારે 122થી 140 સીટો મળી શકે છે અને ભાજપ 62થી 80 સીટો પર જ રહી જાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. જ્યારે, JDSને 20થી 25 સીટો અને અન્યને 0થી 3 સીટો મળવાના અનુમાન એક્ઝિટ પોલમાં બતાવાયા છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી કોઇ સામાન્ય ચૂંટણી નથી. આ ચૂંટણીથી ફક્ત એટલું જ નથી ખબર પડતી કે, રાજ્યમાં આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે. આ ચૂંટણીનું રાજકીય મહત્વ ફક્ત કર્ણાટકના રાજકારણ સુધી સીમિત નથી. પણ, 2024ની લોકસભાની ચૂંટણી માટે પણ એટલું જ મહત્વ રાખે છે. કર્ણાટકની ચૂંટણીના પરિણામોને 2024ની ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યાં છે.

ભાજપે 2024ની લોકસભાની ચૂંટણી માટે 400 સીટ જીતવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. એ દૃષ્ટિએ પણ કર્ણાટકની ચૂંટણી ભાજપ માટે વધુ મહત્વપૂર્ણ છે. એક્ઝિટ પોલના અનુમાનો પરિણામોમાં ફેરવાશે તો ભાજપ સત્તાથી બહાર થઇ જશે. કહેવાઇ રહ્યું છે કે, ભાજપ જો કર્ણાટકની ચૂંટણીમાં હારશે તો તેના માટે 2024ની ચૂંટણીમાં પોતાનો ટારગેટ હાંસલ કરવાનું મુશ્કેલ જ નહીં પણ અશક્ય પણ બની શકે છે.

કર્ણાટકમાં ઘટી શકે છે સીટ ભાજપ જો ચૂંટણી હારે છે તો વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની સીટો કર્ણાટકમાં ઘટી શકે છે. 2019 લોકસભાની ચૂંટણીમાં રાજ્યની 28 સીટોમાંથી ભાજપે 25 અને તેને સમર્થિત નિર્દળીય પ્રત્યાશીએ એક સીટ જીતી હતી જ્યારે, કોંગ્રેસ, JDSને એક એક સીટ મળી હતી. કર્ણાટકમાં જો ભાજપને હાર મળશે તો પાર્ટી માટે વિસ્તારમાં 2019 જેવા પરિણામો લાવવા અઘરા પડી શકે છે અને કોંગ્રેસની સીટો વધી શકે છે.

કર્ણાટકની સાથે જ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્રમાં પણ ભાજપની સીટો ઘટી શકે છે. આ રાજ્યોમાં થઇ રહેલા મોટા નુકસાનની ભરપાઇ માટે ભાજપે નવા રાજ્ય તલાશવા પડશે જે સંભવ નથી દેખાઇ રહ્યા.

2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે બંગાળની 42માંથી 18, મહારાષ્ટ્રની 48માંથી 23, કર્ણાટકની 28માંથી 25, બિહારની 40માંથી 17, ઝારખંડની 14માંથી 12 સીટો જીતી હતી. પાંચ રાજ્યોની કુલ 172 સીટોમાંથી ભાજપે પોતાના દમ પર 98 સીટો જીતી હતી જ્યારે તેમના સહિયોગી દળે 42 સીટો મળી હતી. એ રીતે ભાજપે મહાગઠ બંધનમાં 172માંથી 140 સીટો પોતાના નામે કરી હતી.

મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બદલાઇ ગયા છે. 2019માં ભાજપની સાથે મળીને ચૂંટણી લડનારી શિવસેના હવે કોંગ્રેસ અને NCP સાથે મહાવિકાસ અઘાડીમાં છે. ભાજપે એકનાથ શિંદેને મેળવી લીધા છે પણ મૂડ ઓફ નેશનના સર્વેમાં મહાવિકાસ અઘાડીને 48માંથી 34 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એ જ રીતે બિહારમાં નીતીશ કુમાર હવે મહાગઠબંધનમાં વાપસી કરી ચૂક્યા છે. જેના કારણે બિહારમાં ભાજપને નુકસાન થઇ શકે છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ત્રીજી વાર સત્તામાં વાપસી પછી ભાજપનું સમીકરણ બગડી ગયું છે અને તેમના તમામ નેતા TMCનો હાથ પકડી રહ્યા છે.

દક્ષિણના આંધ્ર પ્રદેશ, કેરળ, પડ્ડુચેરી, તમિલનાડુ અને તેલંગણામાં ભાજપ હજુ પણ પોતાને સ્થાપિત નથી કરી શક્યું. દક્ષિણના છ રાજ્યોમાં 130 લોકસભા સીટો આવે છે. જે કુલ લોકસભા સીટોનો લગભગ 25 ટકા હિસ્સો છે. એવામાં રાજકીય રૂપે દક્ષિણ ભારત મહત્વપૂર્ણ છે. 2019માં ભાજપને કર્ણાટક અને તલંગણામાં સીટો મળી હતી, પણ સાઉથના અન્ય રાજ્યોમાં તેને સીટ નહોતી મળી. કર્ણાટક દ્વારા ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનો પગ પેસારો કરવા માગે છે. પણ તેને જો કર્ણાટકમાં જ નિરાશા મળશે તો ફરી તેલંગણા અને આંધ્રપ્રદેશ સહિત દક્ષિણના અન્ય રાજ્યોમાં તેને મોટું રાજકીય નુકસાન થઇ શકે છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હાર મળી તો દક્ષિણ ભારતથી તેની વાપસીની શરૂઆત થઇ શકે છે. એવામાં કર્ણાટકમાં હારવાથી ભાજપના અખિલ ભારતીય પાર્ટી હોવાના દાવાને પણ ઝટકો મળી શકે છે. ભાજપ પોતાના દમ પર દક્ષિણ ભારતના રાજ્યોમાંથી ફક્ત કર્ણાટકમાં જ મૂળિયા મજબૂત કરી શકી છે. કર્ણાટકને છોડી દઇએ તો દક્ષિણ ભારતના કોઇપણ રાજ્યમાં ભાજપનો કોઇ ખાસ પ્રભાવ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp