શું UPમાં ધર્મ જોઈને થઈ રહ્યા છે એન્કાઉન્ટર? આંકડાઓથી સમજો ઓવૈસીના દાવાની હકીકત

PC: twitter.com

ઉત્તર પ્રદેશમાં માફિયાઓને માટીમાં મળાવવાની શરૂઆત થઈ ચૂકી છે. અતિક અહમદના દીકરા અસદને ઉત્તર પ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો છે. દીકરાના મોત બાદ અતિકે કહ્યું કે, બધુ તેના કારણે થયું છે. મતલબ એ કે ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસની તાકત આગળ અસહાય અનુભવી રહ્યો છે, પરંતુ રાજકારણ પણ અજીબ છે. ગુનેગારોના એન્કાઉન્ટરમાં પણ ધર્મને શોધવામાં આવી રહ્યો છે. અસદુદ્દીન ઔવેસીએ કહ્યું કે, ભાજપ ધર્મ જોઈને એન્કાઉન્ટર કરે છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના મુખિયાએ કહ્યું કે, ભાજપ ભાઇચારા વિરુદ્ધ છે.

24 ફેબ્રુઆરીના રોજ અતિકનો દીકરો અસદ ઉમેશ પાલ પર ગોળીઓ ચલાવતો CCTVમાં કેદ થયો હતો. તો અતિકનો શૂટર ગુલામ મોહમ્મદ એક દુકાનમાં ઉમેશ પાલની રાહ જોતો દેખાયો હતો. ઘટના બાદ બંને ફરાર હતા. ગુરુવારે ઝાંસી પાસે ઉત્તર પ્રદેશ STFએ અસદ અને ગુલામ બંનેને ઠાર કરી દીધા. જે સમયે ઝાંસીમાં અસદ અને ગુલામનું એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું,એ  સમયે ઉત્તર પ્રદેશ પોલીસે અતિકને પ્રયાગરાજની CJM કોર્ટમાં રજૂ કર્યો હતો. અસદ અને ગુલામના એન્કાઉન્ટરના સમાચાર ફેલાયા તો રાજકારણ પણ તેજ થઈ ગયું.

રાજ્યની ભાજપ સરકારે પોતાની પીઠ થપથપાવી તો અસદુદ્દીન ઓવૈસીએ સવાલ ઊભા કર્યા. તેમણે સરકારને આડે હાથ લેતા કહ્યું કે, શું ભાજપ જુનૈદ અને નાસિરની હત્યા કરનારાઓનું પણ એવી રીતે અન્કાઉન્ટર કરશે? નહીં, કેમ કે ભાજપ ધર્મના નામ પર એન્કાઉન્ટર કરે છે. તમે કાયદાને નબળો કરવા માગો છો. સંવિધાનનું એન્કાઉન્ટર કરો છો. ઓવૈસીના આરોપોમાં કેટલી હકીકત છે? એ જાણવા માટે હવે આંકડાઓની વાત કરીએ. રેકોર્ડ મુજબ, વર્ષ 2017 એટલે કે યોગી સરકારના સત્તામાં આવ્યા બાદ અત્યાર સુધી 183 ગુનેગાર માર્યા ગયા છે.

તો આ દરમિયાન 13 પોલીસકર્મી પણ શહીદ થયા છે. માર્યા ગયેલા ગુનેગારોમાં લગભગ 35 ટકા મુસ્લિમ છે. વર્ષ 2021 સુધી ગુનેગારોનો આ આંકડો 135 હતો. તેમાં 51 મુસ્લિમ હતા. આ આંકડાઓથી સમજી શકાય છે કે શું યોગી સરકાર માત્ર મુસ્લિમોને જ ટારગેટ કરીને એન્કાઉન્ટર કરી રહી છે? અસદ અને ગુલામના એન્કાઉન્ટર પર ઉત્તર પ્રદેશ STFના ADGએ જણાવ્યું કે, 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં જે ઘટના થઈ હતી, તેના CCTV ફૂટેજ બધાએ જોઈ હતી. એક મહત્ત્વપૂર્ણ સાક્ષી, જેને સુરક્ષા મળી હતી, તેને મારી દેવામાં આવ્યો. સાથે જ સુરક્ષાકર્મીઓને પણ મારી દેવામાં આવ્યા.

એવી ક્રિમિનલ ગેંગ જેણે પહેલા પણ પોલીસકર્મીઓની હત્યા કરી છે. તેમની તપાસ શરૂ થઈ ગઈ છે કેમ કે આ ઘટના આખા જસ્ટિસ સિસ્ટમની જડ પર પ્રહાર હતી. જો આ પ્રકારની ઘટના થશે અને એવો ડર ફેલાશે તો કોઈ પણ સાક્ષી કોર્ટમાં જુબાની નહીં આપે. વિપક્ષી નેતાઓ દ્વારા રાજનૈતિક લાભ માટે અન્કાઉન્ટરના આરોપો પર STF ADGએ કહ્યું કે જો તેમણે સરેન્ડર કરવું હોત તો તે કોર્ટમાં સરેન્ડર કરી દેતા. તેમનો એ ઇરાદો નહોતો. તેમણે STF ઉપર ફાયરિંગ કરી હતી. STFનું કામ કાયદાના દાયરામાં હોય છે. દરેક એન્કાઉન્ટર એક સઘન તપાસના માધ્યમથી થઈને પસાર થાય છે.

આજ સુધી STFનું કોઈ પણ એનકાઉન્ટર ખોટું સાબિત થયું નથી. એટલી સખત મહેનત પર સવાલ ઉઠાવી શકાય છે, પરંતુ ખોટી સાબિત નહીં કરી શકાય. ધર્મ સાથે જોડવાના સવાલ પર તેમણે કહ્યું કે, અમારું ઉદ્દેશ્ય એવું નહોતું. અમે દરેક પ્રકારના ગુનેગારો પર કાર્યવાહી કરીએ છીએ. આ ગેંગમાં પણ દરેક પ્રકારના લોકો છે. દોષીનો કોઈ ધાર્મિક રંગ હોતો નથી. આ પ્રકારની કાર્યવાહી માટે જ STF બનાવવામાં આવી છે. કોઈ પણ માફિયા ગેંગ આ પ્રકારની ગતિવિધિઓ કરે છે તો અમારા માટે એ ચેલેન્જ હોય છે કે તેમને પકડીએ. અમારું પ્રેશર કાયદાના દાયરામાં કામ કરવું અને પરિણામ આપવાનું હોય છે. બહારથી કોઈ પ્રકારના પ્રેશરની જરૂરિયાત નથી હોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp