રાહુલ ગાંધીનું ઇમોશનલ ભાષણ- 52 વર્ષનો થયો છતા, મારું પોતાનું ઘર નથી

PC: facebook.com/rahulgandhi

રાહુલ ગાંધીએ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોંગ્રેસના અધિવેશનમાં  ઇમોશનલ ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં ભારત જોડો યાત્રાથી માંડીને રાજકીય મુદ્દા ઓ સુધીની વાત કરી હતી. રાહુલે કહ્યું કે, પહેલા મને ઘમંડ હતો કે ભારત જોડા યાત્રા તો હું આસાનીથી પુરી કરી શકીશ, પરંતુ એ પછી પગમાં એટલો ભયંકર દુખાવો શરૂ થયો હતો કે બધો ઘમંડ પળવારમાં ગાયબ થઇ ગયો હતો.

રાયપુરમાં કોંગ્રેસનું 85મું અધિવેશન ચાલી રહ્યું છે. શુક્રવારે આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંબોધન કર્યું હતું તો રવિવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના સાસંદ રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું. રાહુલે કહ્યુ કે 52 વર્ષનો થયો છતા હજુ મારી પાસે અલ્હાબાદથી દિલ્હી સુધીમાં મારું પોતાનું ઘર નથી.

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યુ હતું કે, તમે કેરળમાં બોટ રેસ જોઇ હશે. હું એક વખત બોટમાં બેઠો હતો, આખી ટીમ સાથે નાવની સવારી કરી રહ્યો હતો. તે વખતે મારા પગમાં ભયંકર દુખાવો ઉપડ્યો હતો. તસ્વીરમાં મારો ચહેરા પર મુસ્કરાહટ દેખાતી હતી, પરંતુ અંદરથી મને રડવું આવતું હતું. મેં એ વિચારીને યાત્રા શરૂ કરી હતીકે હું ખાસ્સો ફીટ માણસ છું, 10-12 કિલોમીટર તો આમ જ દોડી લઉં છુ, તો 20-25 કિલોમીટર દોડવાનું એમાં શું મોટી વાત છે.

રાહુલે કહ્યું કે,કોલેજમાં ફૂટબોલ રમતી વખતે ઘૂંટણમાં ઇજા થઇ હતી. વર્ષો સુધી એ ઈજામાં કોઈ પીડા નહોતી. પરંતુ જેમ જેમ મેં યાત્રા શરૂ કરી કે તરત જ અચાનક દુખાવો ઉપડ્યો.તમે  કાર્યકરો મારો પરિવાર છો, તેથી હું તમને કહી શકું છું. સવારે ઉઠીને તે વિચારતો હતો કે કેવી રીતે ચાલીએ. પછી વિચારતો હતો કે આ 25 કિલોમીટરની નહીં, 3 હજાર 500 કિલોમીટરની વાત છે. હું કેવી રીતે ચાલી શકીશ?

રાહુલે ઇમોશનલ વાત કરતા આગળ કહ્યુ કે, ભારત જોડો યાત્રામાં જોડાવવા માટે કન્ટેનરમાંથી નીચે ઉતરતો અને ચાલવાનું શરૂ કરી દેતો હતો, લોકોને મળતો હતો. 10-15 દિવસમાં અહંકાર ગાયબ થઇ ગયો. એટલા માટે અહંકાર ગાયબ થયો, કારણ કે ભારત માતાએ મને સંદેશો આપ્યો કે. તુ કન્યાકુમારીથી કાશ્મીર ચાલવા નિકળ્યો છે તો દિલમાંથી ઘમંડ કાઢી નાંખ, નહીં તો ચાલતો જ નહીં.

રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યું કે 52 વર્ષ થઈ ગયા કે મારી પાસે ઘર નથી અને પરિવાર પાસે જે ઘર છે તે અલ્હાબાદમાં છે. તે પણ ઘર નથી. 120 તુગલક લેન મારું ઘર નથી. હું જ્યારે પદયાત્રા પર ગયો ત્યારે વિચાર્યું કે મારી જવાબદારી શું છે? મેં કહ્યું કે મારી બાજુ અને આગળ અને પાછળ એક ખાલી જગ્યા છે, જેમાં ભારતના લોકો મળવા આવશે. અમારું એ ઘર આવતા ચાર મહિના અમારી સાથે ચાલશે. આ ઘરમાં જે પણ આવે, પછી તે અમીર હોય કે ગરીબ, વૃદ્ધ હોય, યુવાન હોય કે બાળક હોય, તે કોઈપણ ધર્મ અને રાજ્યનો પ્રાણી હોય, તેને એવું લાગવું જોઈએ કે તે આજે તેના ઘરે આવ્યો છે.

રાહુલ ગાંધી પહેલા પ્રિયંકા ગાંધી વાઢ્રાએ કહ્યું કે જે લોકો દેશની રાજનીતિને જોઇને સમજી રહ્યા છે કે કઇંખ ખોટું થઇ રહ્યું છે, તેમના માટે એક પ્લેટફોર્મ પુરુ પાડવાનું અમારું કામ છે. તેમના અવાજને બુલંદ કરવાનું અમારું કામ છે. જે લોકો નથી સમજી રહ્યા તેમને પણ સમજાવવાનું અમારું કામ છે. આ એક મોટી જવાબદારી છે

ભારત જોડો યાત્રા સાથે જોડાયેલા એક કિસ્સાની વાત કરતા પ્રિયંકાએ કહ્યું કે, અમે જ્યારે કાશ્મીરમાં હતા તો તે વખતે હું કેટલીક મહિલાઓ સાથે ઉભી હતી. એ મહિલાઓએ મને કહ્યું કે તેઓ છેલ્લાં 3 વર્ષથી ઘરની બહાર નિકળવાની તેમની હિંમત નહોતી થતી. પરંતુ ભારત જોડો યાત્રામાં આવી ગઇ, લોકોમાં હિંમત પેદા કરવાનું પણ અમારું કામ છે.

યુવા કાર્યકરોને અપીલ કરતાં પ્રિયંકાએ કહ્યું કે,  આપણે ગામડે ગામડે જઈએ, બ્લોક ટુ બ્લોક જઇએ અને સંગઠનને મજબૂત કરીએ. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી અને કોંગ્રેસની એક લાંબી લકીર ખેંચી.આખા દેશે જોયું કે કોંગ્રેસ કઈ વિચારધારા માટે લડે છે. આ કામ યાત્રાએ કર્યું છે. મધ્યપ્રદેશથી લઇને કેરળ સુધી લોકો આવ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે કોંગ્રેસનો કાર્યકર કોણ છે? એ અનોખેલાલ છે, જે આ ધ્વજ લઇને કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કરી. એ દિનેશ છે, જે આજે દેખાઇ નથી રહ્યો. એ પણ એ જ રીતે ધ્વજ લઇને ઉઘાડા પગે ચાલ્યો હતો. ઉત્તર પ્રદેશના નેતા હતા, નસીબ પઠાણ. તેમણે આજીવન કોંગ્રેસ પ્રત્યે પોતાનો ભાવ દર્શાવ્યો હતો.

આ દરિમયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગેએ કહ્યું કે અદાણી જેટલા કોઇ પણ બિઝનેસને મોટો કરવામાં નથી આવ્યો. તેમણે કહ્યું કે સૌથી મોટો પડકાર લોકતંત્ર અને બંધારણને બચાવવાનો છે. કોંગ્રેસનો મતલબ છે દેશભક્તિ, ત્યાગ, બલિદાન, સેવા, સમર્પણ, નિષ્ઠા, પ્રેરણા, કરુણા, ન્યાય, નિર્ભયતા અને શિસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp