ભાવનગર પહોંચેલા કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે યુવરાજ સિંહ વિશે જાણો શું કહ્યું?

PC: facebook.com/jagdishthakormp

કોંગ્રેસ આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ઠાકોરે કહ્યુ કે, યુવરાજ સિંહે ડમી કાંડ અને પેપર ફુટવાના કૌભાંડો બહાર પાડ્યા અને એ પછીનો જે એપિસોડ થયો છે કે તેમણે પૈસા લીધા, માંગણી કરી તો મારે સરકારને કહેવું છે કે તમે એક રૂમમાં બેસીને તપાસ શું કામ કરો છો? તપાસ કરતી વખતે ચાર-પાંચ મીડિયાને સાથે રાખો. ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં 27-27 પેપરો ફુટ્યા, પરંતુ સરકારે આજ સુધી કોઇ અસરકાર પગલા કે  કાયદાકીય કાર્યવાહી કરી નથી કે કોઇ ગુનો દાખલ કર્યો નથી. સરકારે એવા પગલાં લેવા જોઇએ જેથી વિદ્યાર્થીઓને સરકાર પર ભરોસો બેસે.

ભાવનગરમાં જયભારત સત્યાગ્રહનો કોંગ્રેસનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, ગુજરાતમાં એપ્રિલથી મે મહિના સુધીનો સંગઠનનો કાર્યક્રમ આપ્યો છે. 15 એપ્રિલથી 25 મે સુધીમાં 33 જિલ્લા અને 8 મહાનગરોમાં નાની મોટી રેલી અને જિલ્લા કારોબારી અને શહેર કારોબારીના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જેના ભાગરૂપે અમે આજે ભાવનગર આવ્યા છે.

ઠાકોરે આગળ કહ્યું કે, મે મહિનામાં કોંગ્રેસ પ્રજાની મુશ્કેલીઓ દુર કરવા માટે આંદોલની ભૂમિકા તૈયાર કરશે. એના માટે યુથ કોગ્રેસસ કિસાન મંચ, લીગલ સેલ, બધાને સંગઠનના જુદા જુદા કાર્યક્રમો આપીશું અને સરકાર સામે લડત ચલાવીશું.

જ્યારે મીડિયાએ ઠાકોરને ડમી કાંડ અને યુવરાજ સિંહ વિશે પુછ્યુ તો તેમણે કહ્યુ કે, ગુજરાતમાં ડમી કાંડનો મુદ્દો ઘણા સમયથી ચાલે છે અને આ મધ્ય પ્રદેશના વ્યાપમ ગોટાળાથી પણ મોટું કૌભાંડ ચાલે છે. ગુજરાતમાં પેપરો ફુટવાના બનાવો બનતા રહે છે અને 27-27 પેપરો ફુટવા છતા સરકારે કોઇ પણ અસરકાર પગલાં લીધા નથી.

જગદીશ ઠાકોરે કહ્યુ કે યુવરાજ સિંહ ડમી કાંડના કૌભાંડો બહાર લાવ્યા હતા અને હવે જે એપિસોડ બન્યો તેમાં એવું કહેવાય રહ્યું છે કે તેમણે પૈસા લીધા છે. તો મારે કહેવું છે કે તમે એક રૂમમાં બેસીને તપાસ કરવાને બદલે મીડિયાને સાથે રાખીને તપાસ કરો. તમે કહો છો કે કોઇને છોડીશું નહીં, તો સાથે બેરોજગાર યુવાનો હતાશ થયા છે તેની પણ વાત કરો ને. રાજ્યમાં 17 લાખ લોકોએ સરકારી નોકરીની પરીક્ષા માટે અરજી કરી હતી, તેમાંથી 40 ટકા લોકોએ જ પરીક્ષા આપી, 60 ટકા વિદ્યાર્થીઓને હવે ગુજરાત સરકાર પર ભરોસો રહ્યો નથી. આ 60 ટકા વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ આખા ગુજરાતમાં લડત ચલાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp