કર્ણાટકની કોંગ્રેસ સરકારને ડર,સરકાર ઉથલાવવા ‘ઓપરેશન લોટસ’ની તૈયારી ચાલે છે

PC: indiatoday.in

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે રાજ્યમાં 'ઓપરેશન લોટસ'ની તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે ભાજપનું નામ સીધે સીધું લીધું નથી,પરંતુ કહ્યું કે. કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય આ માટે તૈયાર નથી અને ન તો કોઈ ક્યાંય જઈ રહ્યું છે.

તો બીજી તરફ કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે પણ કહ્યું કે,અમે જાણીએ છીએ કે એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, પરંતુ તે સફળ થવાનું નથી.કેટલીક મોટી હસ્તીઓ અમારા ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે.

ઓપરેશન લોટસ શબ્દ વર્ષ 2008માં ચર્ચામાં આવ્યો હતો. તે વખતે ભારતી જનતા પાર્ટીને બહુમતી અપાવવા માટે કર્ણાટક રાજ્યના પૂર્વ મંત્રી જી. જર્નાદન રેડ્ડીએ પક્ષપલટા વિરોધી કાયદાને નજરઅંદાજ કરીને ધારાસભ્યોનું સમર્થન મેળવવા માટે એક ખાસ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ પદ્ધતિને ઓપરેશન કમલ અથવા ઓપરેશન લોટસ નામ આપવામાં આવ્યું હતું. આ પછી બીજેપી પર કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં સરકાર બનાવવા માટે આવા ઓપરેશન કરવાનો આરોપ લાગ્યો હતો.

હજુ મે 2023માં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે જનાદેશ મળ્યો હતો. કર્ણાટકની 224 બેઠકોમાંથી કોંગ્રેસે 43 ટકા વોટ સાથે 136 બેઠકો જીતી હતી. છેલ્લાં 3 દશકોમાં કોંગ્રેસની કર્ણાટકમાં આ સૌથી મોટી જીત હતી. ભાજપને આ વિધાનસભા ચૂંટણીમાં માત્ર 65 બેઠકો મળી હતી. જ્યારે જનતા દળ( સેક્યુલર)ને 19 બેઠકો મળી હતી.

કર્ણાટકની સત્તા ગુમાવવાને કારણે ભાજપને મોટો ફટકો પડ્યો હતો, કારણકે દક્ષિણમાં ભાજપની સત્તા હોય તેવું આ એક માત્ર રાજ્ય હતું. જો કે કોંગ્રેસે સત્તા મેળવ્યાને હજુ 5 મહિના જ થયા છે ત્યાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને ડર લાગી રહ્યો છે કે, ભાજપ ‘ઓપરેશન લોટસ’ ચલાવીને ક્યાંક કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં સામેલ કરી દેશે તો કોંગ્રેસની સરકાર ઉથલી પડશે. જો કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દાવો કરે છે કે તેમના એક પણ ધારાસભ્ય આ વખતે તુટવાના નથી.

ભાજપને વર્ષ 2008માં ‘ઓપરેશન કમલ’ હેઠળ સફળતા મળી હતી. આ પછી ભાજપે ગોવા, મણિપુર, અરુણાચલ પ્રદેશમાં સરકાર બનાવી. આ પછી, એક મોટી ઉથલપાથલ દરમિયાન ભાજપે મધ્યપ્રદેશમાં સત્તા બદલી. અહીં 'ઓપરેશન કમલ' હેઠળ ભાજપે કમલનાથની સત્તાધારી સરકારને લઘુમતીમાં મૂકીને શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યા હોવાના આરોપો લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp