- National
- આ રાજ્યના ભાજપ નેતાના ઘરે દરોડા, 6,000 સાડી અને 9 હજાર સ્કુલ બેગ્સ મળી
આ રાજ્યના ભાજપ નેતાના ઘરે દરોડા, 6,000 સાડી અને 9 હજાર સ્કુલ બેગ્સ મળી
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મતદારોને લલચાવવા માટે રાજનેતાઓ મફતમાં ઓફર કરતા હોવાની ચિંતા ભારતના ચૂંટણી પંચે ઉઠાવ્યાના દિવસો બાદ, આવકવેરા વિભાગના અધિકારીઓએ મંગળવારે રાજ્યના હાવેરી જિલ્લાના રાણેબેનુરમાં MLC આર શંકરના ઘરે અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન, અધિકારીઓએ સાડીના બોક્સ, પ્લેટ્સ, ચશ્મા અને સ્કૂલ બેગ જપ્ત કરી હતી જે મતદારોમાં વહેંચવાના હતા. IT ટીમે આસિસ્ટન્ટ કમિશનર, હાવેરીને જપ્ત કરવામાં આવેલી વસ્તુઓના બિલની તપાસ કરવા અને રાજ્ય સરકારને રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે.

કોર્મશિયલ ટેક્સ વિભાગે વિધાન પરિષદ (MLC)ના સભ્ય અને ભાજપના નેતા આર શંકરના ઘરે દરોડા પાડ્યા છે. આ દરમિયાન તેમની જગ્યાએથી ઘણી હાઉસ હોલ્ડ આઇટમ મળી આવી છે.વાણિજ્ય વેરા વિભાગની ટીમે હાવેરી જિલ્લાના રાણેબેનુર ખાતેના ઘર પર દરોડો પાડ્યો ત્યારે ત્યાંના ગોડાઉનમાંથી 6000 સાડીઓ અને 9000 સ્કૂલ બેગ મળી આવી હતી.

એવી ધારણા વ્યકત કરવામાં આવી રહી છે કે વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા શંકરે ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને રીઝવવા માટે આ બધી વસ્તુઓ એકઠી કરી હતી. કર્ણાટકના CM બસવરાજ બોમાઈએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર પોતાનું કામ કરી રહ્યું છે. જો આ બધું ખોટું નથી, તો તે સંબંધિત તમામ દસ્તાવેજો બતાવીને પોતાનો પક્ષ બતાવી શકે છે.CMએ કહ્યુ કે, અમે પહેલા પણ કહ્યું છે કે અમારી સરાકર દરેક એજન્સીને સ્વતંત્ર રીતે કામ કરવા દે છે. આ દરોડામાં પાર્ટીનો કોઇ રોલ નથી.

ભાજપના નેતા આર શંકરે કહ્યુ હતું કે, તેઓ અધિકારીને સહકાર આપી રહ્યા છે, પરંતુ સાથે તેમણે એમ પણ કહ્યુ કે કોઇકના ઇશારે દરોડા પાડવામાં આવ્યા છે. ભાજપ નેતાએ કહ્યું કે હજુ સુધી આચાર સંહિતા લાગૂ પાડવામાં નથી આવી તો આ દરોડાનો કોઇ અર્થ નથી.
આર શંકરે કહ્યું કે, મેં મારા વિસ્તારના વિકાસ માટે વચન આપ્યું હતું અને તેના માટે પ્રતિબદ્ધ રહીશ, આવા દરોડા મને રોકી શકશે નહીં. તેમણે કહ્યુ કે, મેં GST ચૂકવીને જ બધી ખરીદી કરી છે કોઇ ગેરરીતી કરી નથી.

