કિમ જોંગ ઉન અને પુતિન વચ્ચે બેઠક કેમ દુનિયા માટે ટેન્શનવાળી છે?

PC: twitter.com

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે રશિયાના પ્રવાસે છે. કિમ જોંગ ઉન પોતાની ખાનગી ટ્રેનમાં રશિયા જવા રવાના થયા હતા. તેઓ રશિયાના બંદર શહેર વ્લાદિવોસ્તોકમાં પુતિન સાથે મુલાકાત કરશે. રિપોર્ટ અનુસાર, પુતિન અને કિમ વચ્ચે હથિયારોને લઈને કોઈ મોટી ડીલ થઈ શકે છે, જેનો ઉપયોગ પુતિન યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં કરી શકે છે.

રોઇટર્સના અહેવાલ મુજબ સૈન્યના વિશ્લેષકો કહે છે કે જો ઉત્તર કોરિયા યુક્રેનમાં યુદ્ધ માટે રશિયાને આર્ટિલરી શેલ અને અન્ય શસ્ત્રો પ્રદાન કરે છે, તો તે ક્રેમલિન દળોને તેમના ઘટતા જતા દારૂગોળાના ભંડારને ફરી ભરવામાં મદદ કરી શકે છે. જો કે, આનાથી સંઘર્ષનો માર્ગ બદલાય તેવી શક્યતા નથી.

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ 12 સપ્ટેમ્બર, મંગળવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની બેઠક માટે રશિયા પહોંચ્યા હતા. અમેરિકાનાઅધિકારીઓનું કહેવું છે કેબંને દેશો હથિયારોના સોદા પર આગળ વધશે તેવી ધારણા છે. ઉત્તર કોરિયા પાસે આર્ટિલરી શેલો અને રોકેટનો મોટો ભંડાર હોવાનું માનવામાં આવે છે, જે સોવિયેત યુગના શસ્ત્રો સાથે મેળ ખાય છે.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના સંરક્ષણ સંશોધક જોસેફ ડેમ્પસે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના હાલના દારૂગોળા અને રોકેટના ભંડારમાં ઘટાડો થવાની શક્યતા નથી. આ શસ્ત્રો રશિયામાં ઘટેલા ભંડારને ફરી ભરવામાં મદદ કરી શકે છે.

યુક્રેન અને રશિયા બંનેએ મોટી સંખ્યામાં દારૂગોળો પાછળ ખર્ચ કર્યો છે અને તેઓ તેમના દારૂગોળા ભંડારને ફરી ભરવા માટે વિશ્વભરના સાથી અને ભાગીદારો તરફ જોઈ રહ્યા છે. પશ્ચિમી અધિકારીના જણાવ્યા અનુસાર રશિયાએ ગયા વર્ષે યુક્રેનમાં 10-11 મિલિયન રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

અમેરિકાએ પણ યુક્રેનને મદદ કરેલી છે અને યુક્રેનને આપવામાં આવેલો દારૂગોળો અદ્યતન છે. તેમાં એક્સકેલિબરનો સમાવેશ થાય છે, જે 40 કિમી (25 માઇલ) દૂરથી 3 મીટર (10 ફૂટ) જેટલા નાના લક્ષ્યોને જોડવા માટે GPS સિસ્ટમ અને સ્ટીયરિંગ ફિન્સનો ઉપયોગ કરે છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સિમોન વેઇઝમેને કહ્યું કે ઉત્તર કોરિયામાં ઓછા અદ્યતન દારૂગોળો છે. જો કે આમ છતા ઉત્તર કોરિયા લાંબા સમય સુધી રશિયાને દારૂગોળો પુરો પાડવામાં સક્ષમ છે.

અમેરિકાએ કહ્યું કે રશિયા ઉત્તર કોરિયા પાસેથી લાખો આર્ટીલરી શેલ અને રોકેટ ખરીદવા માંગે છે. યુક્રેન પર રશિયાના આક્રમણથી, મોટા પાયે આર્ટિલરીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કેટલાક વિશ્લેષકો તોપખાનાને યુદ્ધનો રાજા કહે છે.

ઉત્તર કોરિયાના તાનાશાહ અને પુતિન વચ્ચની બેઠકને કારણે યુક્રેન યુદ્ધ શાંત થાય તેવી શક્યતાઓ પર પાણી ફરતું દેખાઇ રહ્યું છે, કારણકે બંને દેશો શસ્ત્રોનો ઉપયોગ યુક્રેનમાં કરશે એવું માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp