ગુજરાતઃ AAPમાં જવું એ મોટી ભૂલ હતી, સસ્પેન્ડ કરાયેલા નેતાની કોંગ્રેસમાં ઘર વાપસી

આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ વશરામ સાગઠિયા ગુજરાત એકમ દ્વારા સસ્પેન્ડ કરાયાના એક દિવસ બાદ બુધવારે કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. AAPએ સાગઠિયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ હાંકી કાઢ્યા હતા. રાજકોટના અગ્રણી દલિત નેતા સાગઠિયા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં અન્ય 50 AAP કાર્યકરો અને નેતાઓ સાથે પાર્ટીમાં જોડાયા હતા. સાગઠિયાને અમદાવાદમાં પ્રદેશ મુખ્યાલયમાં કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસમાં ઘર વાપસી કર્યા પછી સગઠિયાએ કહ્યું કે કોંગ્રેસમાં ફરી જોડાઈને તેઓ પાર્ટીમાં પાછા ફર્યા છે જે તેમના ઘર' સમાન છે. તેમણે એમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો તેમનો નિર્ણય ભૂલભરેલો હતો. ત્રણ દાયકા સુધી કોંગ્રેસ સાથે રહેલા સાગઠિયા ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીએ તેમને તેના ગુજરાત એકમના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા અને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેમને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ટિકિટ પણ આપી હતી.
AAPએ મંગળવારે તેમને રાજ્ય એકમના પદ અને સભ્યપદ પરથી હટાવી દીધા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ પાર્ટીના હિતોની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. 'ઘર વાપસી' પછી સાગઠિયાએ કહ્યું કે કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીમાં જોડાવું તેમની ભૂલ હતી. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સાગઠીયા જેવા લોકો પક્ષની વિચારધારા સાથે પ્રતિબદ્ધ રહે તો તેમનું પક્ષમાં હંમેશા સ્વાગત છે.
ગુજરાત કોંગ્રેસના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં રાજકોટના નેતા વશરામ સાગઠિયા ઉત્સાહભેર જોડાયા હતા. એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એપછી આમ આદમી પાર્ટી ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ વશરામ સાગઠીયાના સસ્પેન્ડ કરતો પત્ર લખ્યો હતો. જો કે રાજકારણના જાણકારોનું કહેવું છે કે વશરામ સાગઠીયા ઇન્દ્રનીલ રાજ્યગુરુના નજીકના હોવાનું માનવામાં આવે છે, જ્યારે રાજકોટના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી ત્યારે જ માનવામાં આવી રહ્યું હતું કે વશરામ સાગઠીયા પણ ફરી કોંગ્રેસમાં જશે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસ છોડીને AAP જોઇન કરી હતી અને થોડા જ સમયમાં આમ આદમી પાર્ટી છોડી દીધી હતી. તે વખતે વશરામ સાગઠીયા AAPમાં જ રહ્યા હતા. પરંતુ જેવા શક્તિસિંહ ગોહિલના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા કે સાગઠીયાએ કોંગ્રેસમાં જવાનું નક્કી કરી લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp