માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને લાગ્યો મોટો ઝટકો, HCમાં પણ ન મળી રાહત, અરજી ફગાવી

PC: livelaw.in

મોદી સરનેમને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધના માનહાનિના કેસમાં હાઇ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે સજા પર રોક માટે રાહુલ ગાંધી તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ હેમંત પ્રચ્છકે સુરત કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. જેમાં તેમને 2 વર્ષની સજા સંભળાવવામાં આવો હતી. રાહુલ ગાંધી પર હાઇ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની સંસદ સભ્યતા હજુ રદ્દ જ રહેશે. જો કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પાસે સુપ્રીમ કોર્ટ જવાનો વિકલ્પ ખુલ્લો છે.

હાઇ કોર્ટમાં ફરિયાદકર્તા પૂર્ણેશ મોદી તરફથી વરિષ્ઠ વકીલ નિરુપમ નાનાવટીએ દલીલો રાખી હતી, તો રાહુલ ગાંધી તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધાવી ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ 2 જૂનના રોજ હાઇ કોર્ટે રાહુલ ગાંધીને મધ્યસ્થ રાહત આપતા નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. મોદી સરનેમને લઈને વિવાદિત ટિપ્પણીને લઈને દાખલ કરવામાં આવેલા ગુનાહિત માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા 23 માર્ચના રોજ દોષી કરાર આપવામાં આવ્યો હતો.

ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ દોષી ઠેરવતા 2 વર્ષ જેલની સજા સંભળાવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. રાહુલ ગાંધી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં વાયનાડથી સાંસદ બન્યા હતા. જે વિવાદિત નિવેદનને લઈને રાહુલ ગાંધી પર કેસ થયો હતો તે તેમણે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકની એક રેલીમાં આપ્યું હતું. તેમણે લલીત મોદી, નીરવ મોદી જેવા ભાગેડુઓનું નામ લેતા પૂછ્યું હતું કે બધા ચોરોનું સરનેમ મોદી કેમ છે? ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેને આખા સમુદાયનું અપમાન બતાવતા સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

હાઇ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવતા શું કહ્યું?

હાઇ કોર્ટના જજ જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેન્ચે અરજી ફગાવતા કહ્યું કે, રાહુલ ગાંધી એકદમ અસ્તિત્વહીન આધાર પર રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચલી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજા પર રોક લગાવવાનો કોઈ નિયમ નથી, પરંતુ એક અપવાદ છે જેનો સહારો દુર્લભ કેસોમાં લેવો જોઈએ.

અરજીકર્તા વિરુદ્ધ લગભગ 10 ગુનાહિત કેસ પેન્ડિંગ છે.

અહીં સુધી કે આ ફરિયાદ બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ વધુ એક ફરિયાદ વીર સાવરકરના પૌત્રએ નોંધાવી.

સજા પર રોક ન લગાવવી રાહુલ ગાંધી સાથે અન્યાય નહીં હોય.

દોષસિદ્ધિ પર રોક લાગવાનો કોઈ ઉચિત આધાર આપવામાં આવ્યો નથી.

સેશન કોર્ટનો આદેશ ન્યાયસંગત અને ઉચિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp