ફિટનેસ સર્ટિફિકેટ વિના શા માટે ખોલ્યો મોરબીનો ઝૂલતો પૂલ?જયસુખ પટેલે આપ્યો આ જવાબ

PC: news24online.com

મોરબી બ્રિજ દુર્ઘટનામાં ધરપકડ કરાયેલા ઓરેવા ગ્રુપના પ્રમોટર જયસુખ પટેલ વિરુદ્ધ પોલીસ કોઈ નવુ તથ્ય નથી શોધી શકી. પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે પટેલને કસ્ટડીમાં મોકલી આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સાત દિવસના રિમાન્ડમાં પોલીસને દુર્ઘટના સાથે સંકળાયેલી કોઈ નક્કર જાણકારી નથી મળી. પોલીસે જ્યારે જયસુખ પટેલને સવાલ કર્યો કે, તેણે ફિટનેસ ઓડિટ વિના કઈ રીતે બ્રિજ ખોલી દીધો? તેના જવાબમાં જયસુખ પટેલે કહ્યું કે, કોન્ટ્રાક્ટમાં એવી કોઈ શરત નહોતી. આ ઉપરાંત, જયસુખ પટેલે કહ્યું કે, મારી પાસે ફિટનેસ સર્ટિફિકેટની કોઈ ટેકનિકલ જાણકારી પણ નહોતી.

પોલીસ સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, જ્યારે એવુ પૂછવામાં આવ્યું કે તેણે વિક્ટોરિયન પીરિયડના પૂલનું સમારકામ દેવપ્રકાશ સોલ્યૂશન નામની એક મામૂલી અને નાની ફર્મને શા માટે આપી દીધુ? તેના જવાબમાં પટેલે કહ્યું કે, આ ફર્મ પહેલા પણ એકવાર પુલનું સમારકામ કરી ચુકી હતી. આથી, તેને ફરીવાર આ કામ સોંપવામાં આવ્યું. પોલીસ રિમાન્ડ અનુસાર, જયસુખ પટેલની પૂછપરછમાં એ પણ જાણવા ન મળ્યું કે દુર્ઘટના બાદ 90 દિવસ સુધી જયસુખ પટેલ ક્યાં ગાયબ હતો? આ દરમિયાન તેને સંતાવામાં કોણે મદદ કરી?

સુનાવણી દરમિયાન સરકારી વકીલે એ માંગ પણ રજૂ કરી હતી કે, પોલીસ જાણકારી મેળવે કે દુર્ઘટના બાદ ગાયબ જયસુખ પટેલને સંતાવામાં કોણે મદદ કરી. પોલીસે 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે જયસુખ પટેલની રિમાન્ડ લીધી હતી. તો કોર્ટમાં 15 પોઈન્ટ્સ પર પૂછપરછ કરવાની વાત કહેવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ પોલીસને સાત દિવસના રિમાન્ડ આપ્યા હતા. જે 8 જાન્યુઆરીએ પૂરા થઈ ગયા. ત્યારબાદ જયસુખ પટેલને ફરીવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. પોલીસની ફરીથી વધુ રિમાન્ડની માંગણી પર કોર્ટે પટેલને જેલમાં મોકલી આપ્યો.

પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં એ પણ જાણકારી મેળવી નથી શકી કે ટેન્ડર વિના ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ કઈ રીતે મળી ગયો. શું તેમા કોઈ નગરપાલિકાના અધિકારી કે પછી કોઈ નેતાની સંડોવણી હતી? આ તમામ સવાલો છે જેનો જવાબ પોલીસ નથી શોધી શકી. 30 ઓક્ટોબરે મોરબીની મચ્છુ નદી પર સ્થિત 100 વર્ષ કરતા વધુ જુનો ઝૂલતો પુલ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ મોરબી પોલીસે FIR દાખલ કરી હતી અને પુલના સંચાલન સાથે સંકળાયેલા ઓરેવા ગ્રુપના કેટલાક કર્મચારીઓ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ચાર્જશીટ રજૂ કરતા પહેલા ઓરેવા ગ્રુપના પ્રમોટર જયસુખ પટેલનું નામ પણ સામેલ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp