26th January selfie contest

ખબરદાર, કોઇ મને PM ઉમેદવાર ન બતાવે, CM નીતિશ કુમારે આવું કેમ કહ્યું?

PC: abplive.com

લોકસભા ચૂંટણીને હજુ એક વર્ષની વાર છે, પરંતુ બધી રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે વિપક્ષ એક થઇ રહ્યો છે અને અનેક વખત PM ઉમેદવારના દાવા કરવામાં આવે છે. ખાસ કરીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાજપ પર નિશાન સાધવાની કોઇ તક છોડતા નથી. આ પહેલા PM ઉમેદવાર તરીકે નીતીશ કુમારના નામની ચર્ચા ચાલતી હતી તે વખતે તેમણે કશું કહ્યુ નહોતુ, પરંતુ તેમણે હવે સમર્થકોને કહ્યું છે કે, ખબરદાર, મને PM ઉમેદવાર બતાવશો નહીં. હવે સવાલ એ ઉભો થાય છે કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આવું કેમ કહેવું પડ્યું?

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે શુક્રવારે પોતાના સમર્થકોને દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે પોતાનું નામ નહીં લેવા માટે કહ્યું હતું. પાર્ટીની હેડઓફિસમાં JDU કાર્યકરોને સંબોધિત કરતા નીતીશ કુમારે કહ્યું કે આવા નારા લગાવવાને કારણે તેમણે કરેલા કામોને પાટા પરથી ઉતારી દેશે.

નીતીશ કુમારે પોતાની પાર્ટીના કાર્યકરોને સંબોધનમાં કહ્યું કે,હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે PM ઉમેદવાર તરીકે મારું નામ લેવાથી બધા બચજો. હું 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે દેશના વિપક્ષી પક્ષોને એક કરવા પર કામ કરી રહ્યો છું. આવું કૃત્ય આપણા હેતુને નુકસાન પહોંચાડી શકે છે. તેથી મારા નામનો જાપ કરવાનું બંધ કરો.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે તેઓ દિલ્હીમાં વિપક્ષના નેતાને મળીને બિહાર પરત આવ્યા હતા. નીતીશ જ્યારે દિલ્હીથી બિહાર પાછા ફર્યા ત્યારે  JDU હેડકવાર્ટસ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. નીતીશ કુમાર દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાજૂન ખડગે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સીતારામ યેચુરી અને ડી. રાજાને મળ્યા હતા.

નીતીશ કુમારે સાથે સાથે ભાજપ પર નિશાન પણ સાધી દીધું હતું. મુખ્યમંત્રીએ બિહારની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને વોટ ન આપતા, તેમણે દેશની પ્રજા માટે કશું કામ કર્યું નથી. નીતીશે  આગળ કહ્યુ કે, અમે બિહારને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો આપવા માટે રજૂઆત કરી છે, પરંતુ તેમણે આજ સુધી આ કામ કર્યું નથી. તેમણે કહ્યું કે, તેમનું કામ માત્ર એટલું જ છે કે વિપક્ષી નેતાઓને ખોટી રીતે કેવી રીતે ફસાવવા.

નીતીશ કુમારે કહ્યું કે એ વાતને સામાન્ય લોકો સાથે કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યુ કે, જો તમે ભાજપને વોટ આપશો તો તમે પોતાને બરબાદ કરી દેશો, પરંતુ જો તમે ભાજપની વિરુદ્ધ વોટ કરશો તો તમારું રાજ્ય અને દેશ વિકાસના પંથે આગળ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp