સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને સ્પીકરની મંજૂરી, વિપક્ષની માગ PM મોદી...

PC: PIB

મણિપુરમાં 3 મેથી હિંસા ચાલુ છે. મણિપુરમાં હિંસા મુદ્દે ચોમાસુ સત્રમાં હંગામો ચાલુ છે. વિપક્ષ PM મોદીના નિવેદન અને ગૃહમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચાની માંગ કરી રહ્યું છે. જ્યારે સરકાર ગૃહમંત્રી અમિત શાહના જવાબ સાથે ટૂંકા ગાળાની ચર્ચા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં સંસદના બંને ગૃહોમાં સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે.

સંસદના ચોમાસુ સત્રનો આજે 5મો દિવસ છે. મણિપુર મુદ્દે કોંગ્રેસ અને BRSએ સરકાર સામે અલગ -અલગ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેનો સ્વીકાર કર્યો છે.કોંગ્રેસનું કહેવું છે કે સરકાર પરથી લોકોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે PM મોદી મણિપુર પર બોલે, પરંતુ તેઓ સાંભળતા નથી, તેથી અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સવારે 9:20 વાગ્યે લોકસભામાં મહાસચિવના કાર્યાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. આ પ્રસ્તાવ સવારે 10:00 વાગ્યા પહેલા લાવવામાં આવ્યો છે.સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ઓછામાં ઓછા 50 સાંસદોનું સમર્થન જરૂરી છે.

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે PM મોદી મણિપુર પર ગૃહની બહાર વાત કરે છે, પરંતુ ગૃહની અંદર બોલતા નથી. વિપક્ષે વારંવાર સરકારનું ધ્યાન મણિપુર તરફ દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળી. આવી સ્થિતિમાં હવે અવિશ્વાસ પ્રસ્તાવ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવનો અર્થ હંમેશા જીતવા માટે નથી, દેશને જણાવો કે સરકારે કેવી રીતે સરમુખત્યારશાહી છબી જાળવી રાખી છે અને વિપક્ષનું અપમાન કરવામાં આવી રહ્યું છે. જીત-હારની વાત નથી. પ્રશ્ન એ છે કે આવી સ્થિતમાં અમારે શા માટે આવવું પડ્યું?

બીજી તરફ રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે, જ્યારે PM મોદીમાં સંસદમાં નિવેદન આપવા માટે આત્મવિશ્વાસનો અભાવ છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સુધી મણિપુર મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પર 'મૌન' રાખે છે. બ્રિજ ભૂષણ વિશે કશું બોલતા નથી. કહે છે ચીને કોઈ જમીન પર કબજો કર્યો નથી. તો I.N.D.I.A તેના પર કેવી રીતે વિશ્વાસ કરી શકે?

અવિશ્વાસ પ્રસ્તાવ પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, પ્રધાનમંત્રીએ તેના પર નિવેદન આપવું જોઇએ. PM બધા દિવસો ગાયબ જ રહે છે.મણિપુરમાં જે કઇ પણ ઘટના બની રહી છે. વિપક્ષ એકજૂટ થઇને આ મુદ્દાને ઉઠાવી રહી છે.

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે, લોકોનો વિશ્વાસ PM મોદી અને ભારતીય જનતા પાર્ટી પર છે. છેલ્લી ટર્મમા પણ વિપક્ષ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા.દેશની જનતાએ એવા લોકોને પાઠ ભણાવી દીધા છે.

મોદી સરકાર બહુમતીમાં છે. એવામાં એ સ્પષ્ટ છે કે વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત ટકવાની નથી. સવાલ એ ઉભો થાય છે કે પૂર્ણ બહુમતીની મોદી સરકાર હોવા છતા વિપક્ષ અવિશ્વાસની દરખાસ્ત શું કામ લાવે છે? તેની પાછળનું કારણ શું છે?

વિપક્ષી પાર્ટીઓનું એ માનવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મણિપુરના મામલામાં ગૃહમાં કોઇ જવાબ આપી નથી રહ્યા. પરંતુ જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવશે,ત્યારે પ્રધાનમંત્રીએ તેની પર ગૃહમાં જવાબ આપવો પડશે. આ જ કારણ છે કે બધી વિપક્ષી પાર્ટીઓ જાણે છે કે  તેમની પાસે બહુમતી સાબિત કરવાના આંકડા નથી, છતા આ પ્રસ્તાવ લોકસભામાં લાવી રહ્યા છે.

લોકસભામાં મોદી સરકાર બહુમતીમાં છે. ભાજપ પાસે 301 સાસંદ છે. NDA મળીને કુલ 333 સાંસદ છે. જ્યારે બીજી તરફ આખા વિપક્ષ મળીને કુલ 142 સાંસદ છે. સૌથી વધારે 50 સાંસદ કોંગ્રેસ પાસે છે.રાજ્યસભાની વાત કરીએ તો NDA ગઠબંધન પાસે કુલ 105 સાંસદ છે જ્યારે I.N.D.I.A ગઠબંધન પાસે કુલ 93 સાંસદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp