આમ આદમી પાર્ટીના 27માથી 14 કોર્પોરેટર બચ્યા એ બધા પાટીદાર, 9 મહિલા, 5 પુરુષ

PC: aajtak.in

સુરત મહાનગર પાલિકાની સવા બે વર્ષ પહેલા થયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતીને ઇતિહાસ રચી દીધો હતો, પરંતુ આ ઇતિહાસ લાંબો ટક્યો નહીં અને એક પછી એક 27 કોર્પોરેટરમાંથી 12 કોર્પોરેટર ભાજપમાં ચાલ્યા ગયા છે, જ્યારે એક કોર્પોરેટરે AAP પાર્ટીએ કાઢી મુક્યો છે. મતલબ કે 27 કોર્પોરેટરમાંથી હવે માત્ર 14 બચ્યા છે અને જે બચ્યા છે એ બધા જ પાટીદાર છે. મતલબ કે એમ કહી શકાય કે સુરત AAP હવે પાટીદારના ભરોસે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જે 14 કોર્પોરેટર બચ્યા છે તેમાં 9 મહિલા અને 5 પુરુષ છે, મતલબ કે મહિલાઓનું આધિપત્ય વધી ગયું છે.

આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, સુરતમાં જે 14 કોર્પોરેટર હવે બચ્યા છે તે તમામ પાટીદાર સમાજના છે. જો કે તેમણે કહ્યુ કે આમ આદમી પાર્ટી દરેક સમાજ માટે છે. ઇમાનદાર અને સામાન્ય માણસો આમ આદમી પાર્ટીના ભરોસે છે.

AAPના પ્રવક્તા જાદવાણી કહ્યું કે, ઉમેદવારોએ પોતાની ટર્મ પુરી થયા સુધી પાર્ટી સાથે રહેવું જોઇએ, ટર્મ પુરી થયા પછી પક્ષ બદલવો જોઇએ. મતલબ કે જાદવાણીના મતે પક્ષ પલટો કરવામાં વાંધો નથી, પરંતુ ટર્મ પુરી કર્યા પછી પલટો કરવામાં વાંધો નથી.

જ્યારે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું પતન થયું હતું અને આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે આ સોનાની થાળીમાં લોંખડના ખીલા જેવું છે, એનો રસ્તો કાઢીશું. એ પછી 3 તબક્કામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ભાજપમાં સામેલ કરી દેવાયા. પહેલા 4, એ પછી 6 અને પરમ દિવસે બીજા 2 સહિત કુલ 12 કોર્પોરેટર AAP સાથે છેડો ફાડીને BJPમાં સામેલ થઇ ગયા છે.

આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરેલા રાજેશ મોરડીયાએ હજુ સુધી કોઇ પાર્ટી જોઇન કરી નથી એટલે આમ આદમી પાર્ટીમાંથી 13 કોર્પોરેટરો ખરી પડ્યા છે અને હવે માત્ર 14 જ બચ્યા છે.

ભાજપ એક કાંકરે બે તીર મારી રહ્યું છે. એક તો આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે અને AAPના કોર્પોરેટર જે વિસ્તારમાં આવે છે તેમાં સુરત અને બારડાલી લોકસભાનો વિસ્તાર આવે છે અને  આ વિસ્તારોમાં AAPના મોટી સંખ્યામાં વોટ હતા એટલે AAPના કોર્પોરેટરને તોડવા જરૂરી હતી. બીજું કે ભાજપ માને છે કે વિપક્ષ હોવો જ ન જોઇએ. સુરત મહાનગર પાલિકામાં કુલ 120 બેઠકો છે અને નિયમ મુજબ 10 ટકા એટલે  કે 12 કોર્પોરેટર હોય તો વિપક્ષ પદ મળે છે. અત્યારે તો AAP પાસે 14 કોર્પોરેટર છે, પરંતુ જો બીજા ત્રણેક કોર્પોરેટર પણ તુટી જાય તો આમ આદમી પાર્ટીનું પાલિકાનું વિપક્ષ પદ છિનવાઇ જાય.

 હજુ પરમ દિવસે ભાજપમાં જોડાયેલા કનુ ગેડિયાએ દાવો કર્યો હતો કે હજુ 10 કોર્પોરેટર ભાજપમાં આવવા માટે ટાપીને બેઠા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp