26th January selfie contest

બજરંગ દળની ધમકી ગુજરાતમાં ‘પઠાણ’ રીલિઝ નહીં થવા દઇએ, થશે તો...

PC: news18.com

દેશભરમાં ‘પઠાણ’ ફિલ્મના વિરોધ વચ્ચે  બજરંગ દળે ધમકી આપી છે કે ગુજરાતમાં ‘પઠાણ’ ફિલ્મને રીલિઝ થવા દેશું નહીં. શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મનો દેશભરમાં ઘણી જગ્યાએ વિરોધ થયો હતો. ગુજરાતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે કહ્યું હતું કે જો ફિલ્મ ગુજરાતમાં રીલીઝ થશે તો કોઈપણ અપ્રિય ઘટના માટે થિયેટર માલિકો જવાબદાર રહેશે. હવે બજરંગ દળે ફરી ધમકી આપી છે કે ગુજરાતમાં 'પઠાણ' ફિલ્મ રીલિઝ નહીં થવા દઇશું. આ વિશે ભારતીય ફિલ્મકાર અશોક પંડિતે પોતાની નારાજગી જાહેર કરી છે.

ટાઈમ્સ નાઉના એક અહેવાલ મુજબ, બજરંગ દળે દાવો કર્યો છે કે સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં તે રાજ્યમાં ફિલ્મને રીલિઝ થવા દેશે નહીં. ફિલ્મની રિલીઝના વિરોધમાં બજરંગ દળે એક મોલમાં તોડફોડ કરી, પોસ્ટરો તોડી નાખ્યા, વિરોધ પ્રદર્શન કર્યા અને પૂતળા પણ બાળ્યા પછી આ ધમકી આપવામાં આવી છે.

બજરંગ દળની આ ધમકી પર ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટાઈમ્સ નાઉને કહ્યું, 'હું આ ઘટનાની સંપૂર્ણ નિંદા કરું છું. આ દેશ એક બંધારણ, એક કાયદા અને અમલીકરણ એજન્સીઓ હેઠળ કામ કરે છે. સરકારે આ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે અધિકારીઓએ ફિલ્મને મંજૂરી આપી દીધી છે. એનાથી વધારે શું જોઇએ? આ ફિલ્મ નિર્માતાનો એક અધિકાર છે અને નિર્માતાનો એ અધિકાર છે કે મંજૂરી મેળવ્યા બાદ ફિલ્મને રીલીઝ કરે.

તાજેતરમાં એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો જેમાં જોવા મળ્યુ હતું કે બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ અમદાવાદમાં એક મોલમાં પઠાણ ફિલ્મના પોસ્ટરો ફાડી નાંખ્યા હતા.

ગુજરાત વિશ્વ હિંદુ પરિષદેઅગાઉ કહ્યું હતું કે તે ગુજરાતમાં ક્યાંય પણ ફિલ્મનું પ્રદર્શન કરવા દેશે નહીં, ખાસ કરીને 'બેશરમ રંગ' ગીતને કારણે.સેન્સર બોર્ડે ફિલ્મમાં સંવાદો અને કેટલાક શોટ્સ સહિત 10 થી વધુ કટની માંગણી કરી હતી.

શાહરૂખ ખાન દીપિકા પાદુકોણ અભિનીત ‘પઠાણ’ 25 જાન્યુઆરી 2023ના દિવસે દેશભરના સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. જો કે ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થાય તે પહેલાં જ ફિલ્મે OTT રાઇટ્સ વેચીને કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp