વિપક્ષ 2023માં અવિશ્વાસની દરખાસ્ત લાવશે, PM મોદીએ 5 વર્ષ પહેલાં ભવિષ્ય ભાખેલું

PC: tv9hindi.com

લોકસભામાં ચોમાસું સત્ર થયાથી અત્યાર સુધીમાં વિપક્ષ મણિપુર હિંસાને લઇને સંસદમા હંગોમો કરી રહ્યા છે. આ દરમયાન સરકારે આ મુદ્દા પર ચર્ચા કરવાની પણ વાત કરી છે. પરંતુ, વિપક્ષ ચર્ચા કરવા માટે તૈયાર હોય તેવું અત્યારે દેખાતું નથી. બુધવારે વિપક્ષ મણિપુરને લઇને લોકસભમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લઇને આવ્યા છે.

સંસદમાં આ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા બાદ તેને સ્પીકરની મંજૂરી પણ મળી ગઈ છે. ખાસ વાત એ છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને 2019માં ગૃહમાં PM મોદીના ભાષણનો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં PM મોદીને 2019માં કહેતા સાંભળી શકાય છે કે વિપક્ષ 2023માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

આ વીડિયો 7 ફેબ્રુઆરી 2019નો છે. બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચા વખતે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એ કહેતા સાંભળી શકાય છે કે વિપક્ષે 2023માં વધુ એક પ્રસ્તાવ લાવવા માટે તૈયાર રહેવું જોઇએ. આ વીડિયોમાં તેઓ એક વર્ષ પહેલા તેમની સરકારના આવા પ્રસ્તાવને હરાવવાનો પણ ઉલ્લેખ કરી રહ્યા હતા.

વર્ષ 2019માં તેમના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું હતું કે, હું મારી શુભેચ્છા આપવા માંગું છું. એટલી તૈયારી કરો કે તમને 2023માં ફરીથી અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો મોકો મળે. આ વીડિયોમાં PM મોદી કહી રહ્યા છે કે આ એક સેવા ભાવ છે જેને કારણે 2 સાંસદોમાંથી આજે અમે સત્તા પર આવી શક્યા છે. અને અહંકારનું પરિણામ એ છે કે તમે 400માંથી ઘટીને 40 પર આવી ગયા છો. જુઓ તમે આજે ક્યાં આવી ગયા. તેમણે નામ લીધા વગર કોંગ્રેસ પર પણ પ્રહાર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, બુધવારે મણિપુર હિંસા પર સંસદમાં મડાગાંઠ વચ્ચે કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને લોકસભામાં પણ મંજૂર કરવામાં આવ્યો હતો. સ્પીકરે કહ્યું છે કે તેઓ દરેક સાથે વાત કર્યા બાદ સમય નક્કી કરશે. વાસ્તવમાં મણિપુરને લઈને સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે પાંચમા દિવસે પણ બબાલ ચાલી રહી છે.

વિપક્ષ નિયમ 267 હેઠળ ચર્ચાની માંગ પર અડગ છે. આજે, રાજ્યસભાના અધ્યક્ષે વિપક્ષની તમામ નોટિસને ફગાવી દેતાં કહ્યું હતું કે તેઓ નિયમ 176 હેઠળ ચર્ચા માટેના પ્રસ્તાવને સ્વીકારી ચૂક્યા છે. વિપક્ષના ભારે હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી અટકાવવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp