વેબસાઇટ પર PM મોદીની ડિગ્રી નથી, કેજરીવાલના દાવા પર ગુજરાત યુનિવર્સિટીનો જવાબ

PC: lawbeat.in

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. હાઇકોર્ટની નોટિસના સંદર્ભમાં ગુજરાત યુનિવર્સિટીએ કોર્ટને જવાબ આપ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઇટ પર નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રીનો વિવાદ ફરી એકવાર હાઇકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટના ન્યાયાધીશ બિરેન વૈષ્ણવે અરવિંદ કેજરીવાલની રિવ્યૂ પિટિશન પર સંક્ષિપ્ત સુનાવણી કરીને કેસને આગળ વધારી દીધો હતો. કેજરીવાલે હાઇકોર્ટને ચુકાદા પર ફરી વિચારણા કરવા માટે કહ્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત વિવાદને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સમીક્ષા અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટની સુનાવણી દરમિયાન, ગુજરાત યુનિવર્સિટીના જવાબમાં અરવિંદ કેજરીવાલના વકીલો વતી જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં અરવિંદ કેજરીવાલના વકીલોએ ગુજરાત યુનિવર્સિટીના જવાબ પર પોતાના જવાબો આપ્યા છે. હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે આ મહિનામાં અંતિમ સુનાવણીની તારીખ નક્કી કરવા કહ્યું અને પછી સુનાવણી વધુ મુલતવી રાખી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના તે નિર્ણય પર સમીક્ષા અરજી દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)ના 2016ના આદેશને રદ કર્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પોતાની રિવ્યૂ પિટિશનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. કોર્ટે અરવિંદ કેજરીવાલની રિવ્યૂ પિટિશન સ્વીકાર કરીને 30 જૂને સુનાવણીની તારીખ નક્કી કરી હતી.

હાઇકોર્ટે ગુજરાત યુનિવર્સિટીને નોટીસ પાઠવી હતી, જેના જવાબમાં ગુજરાત યુનિવર્સિટીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અરવિંદ કેજરીવાલના વકીલોએ યુનિવર્સિટી તરફથી મળેલા  જવાબનો જવાબ આપ્યો છે અને તેમના તથ્યો અને દલીલો રજૂ કરી છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવે આ મામલાની અંતિમ સુનાવણી આ મહિને કરવા કહ્યું છે. આ મામલામાં આગામી સુનાવણી 14 અથવા 21 જુલાઈએ થઈ શકે છે. હાઈકોર્ટ દ્વારા ટૂંક સમયમાં તારીખ નક્કી કરવામાં આવશે.

આ પહેલા PMની ડિગ્રી કેસમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે છુપાવવા માટે કઇં નથી, તેથી યુનિવર્સિટીને માહિતી જાહેર કરવાની ફરજ પાડી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp