લોકસભાની ચૂંટણીમાં પૂનમ માડમની ટિકિટ કપાવવાની છે: રિવાબાના નણંદ નયનાબાનો દાવો

PC: facebook.com/RivabaRavindraJadeja

જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાની ભાજપના સાંસદ પૂનમ માડમ અને મેયર બીના કોઠારી સાથે થયેલી ગરમા ગરમીના વિવાદમાં હવે રિવાબાના નણંદ અને કોંગ્રેસ નેતા નયનાબાની પણ એન્ટ્રી થઇ છે. ભાજપની મહિલા નેતાઓના વિવાદમાં નયનાબાએ કહ્યું કે આ રીવાબાનો સ્વભાવ છે. નયના અહીં જ ન અટક્યા,તેમણે આખી લડાઈને 2024ની લોકસભા ચૂંટણી સાથે જોડી દીધી હતી.

જામનગરના ભાજપના ધારાસભ્ય અને ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાના ગુસ્સાની દેશભરમાં ચર્ચા છે. જામનગર મહાનગર પાલિકા આયોજિત ‘મારી માટી- મારો દેશ’ કાર્યક્રમમાં રિવાબાના ગુસ્સા પર નણંદ નયનાબાએ આ લડાઇને 2024ની લોકસભા ચૂંટણી સાથે જોડીને કહ્યું કે, આ એક અસ્તિત્વની લડાઇ છે. આ આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને થઇ છે. નયનાબાએ દાવો કરતા કહ્યું કે હકુભાની જેમ પૂનમ માડમની પણ ટિકીટ કપાવવાની છે. રિવાબા માટે નયનાબાએ કહ્યુ કે આ રિવાબાનો સ્વભાવ છે.

રવિન્દ્ર જાડેજાના એક જ પરિવારમાંથી બે મહિલાઓ જુદીજુદી પાર્ટી સાથે સંકળાયેલી છે. પત્ની રિવાબા ભાજપ સાથે જોડાયેલા છે તો બહેન નયનાબા કોંગ્રેસમાં સામેલ છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ નણંદ-ભોજાઇ સામ સામે હતા.નયનાબાએ રિવાબાની મુશ્કેલી વધારી હતી, જો કે, ગુજરાત વિધાનસત્રા 2022માં રિવાબાની જીત થઇ હતી.

જામનગર મહાનગર પાલિકા દ્રારા ગુરુવારે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું અને તેમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીના કોઠારી,સાંસદ પૂનમ માડમ અને અન્ય ભાજપ નેતાઓ સામેલ થયા હતા. એ દરમિયાન રિવાબા જાડેજાની મેયર અને સાંસદ સાથે તું તું મેં મેં થઇ હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવાને કારણે રાજકારણમાં હંગામો મચી ગયો હતો અને તેના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા હતા. રિવાબાએ તેમના ગુસ્સાનું કારણ મીડિયા સમક્ષ રજૂ કર્યુ હતું. રિવાબાએ કહ્યું હતું કે, શહીદોને શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં મેં મારા ચંપલ ઉતારીને શહીદોને નમન કર્યા ત્યારે પૂનમ માડમે   ભાન વગરના લોકો એવું નિવેદન આપ્યું હતું.

રિવાબા, પૂનમ માડમ અને મેયર બીના કોઠારી વચ્ચેની લડાઇના ગુજરાતના રાજકારણ અને દિલ્હી સુધી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પત્રિકા કાંડ પછી મહિલા નેતાઓના ઝગડાને કારણે ભાજપની પ્રતિષ્ઠા ખરડાઇ રહી હતી. જો કે, પૂનમ માડમે સ્પષ્ટતા કરીને આખલો મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ તિરાડ પુરાશે કે કેમ તે વિશે જાણકારો શંકા સેવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp