
એક ગુજરાતી ફિલ્મ વિવાદના વમળમાં સપડાઇ ગઇ છે, કરણી સેનાએ ચિમકી આપી છે કે જો ફિલ્મ રીલિઝ કરવામાં આવશે તો કરણી સેના રસ્તા પર ઉતરશે. મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે.
હજુ તો શાહરૂખ- દિપીકાની પઠાણ ફિલ્મના વિરોધનો વંટોળ ચાલું જ છે, હવે એક ગુજરાતી ફિલ્મ પણ વિરોધના સપાટામાં આવી ગઇ છે. આવતી કાલે, 30 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થનારી આ ફિલ્મનો કરણી સેનાએ વિરોધ શરૂ કર્યો છે અને કહ્યું છે કે, આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું છે.ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી વાત છે. જો ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થશે તો કરણી સેના રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરશે.
રાજપુત કરણી સેના દ્રારા ગુજરાતી ફિલ્મ તખુભાની તલવાર સામે મોરચો માંડવામાં આવ્યો છે. શુક્રવારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. રાજપુત કરણી સેનાના પ્રમુખ જે. પી. જાડેજાએ જણાવ્યું કે આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી વાત દર્શાવવામાં આવી છે. અમે સરકારને વિનંતી કરી છે કે તખુભાની તલવાર ફિલ્મની રીલિઝ થતી અટકાવો. જો આમ છતા ફિલ્મ રીલિઝ થશે તો પછી કરણી સેના રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરશે.
જાડેજાએ કહ્યું કે, આ ફિલ્મ નિર્માણ હરેશ પટેલ દ્રારા કરવામાં આવ્યું છે,જેમાં ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાની અમને જાણ થઇ છે.
રાજપુત કરણી સેનાના પ્રમુખે કહ્યું કે, ક્ષત્રિય સમાજે હિંદુ સંસ્કૃતિના રક્ષણ માટે અનેક બલિદાનો આપ્યા છે. ભારતના નિર્માણમાં 562 રજવાડાઓનું યોગદાન છે. વિધર્મીઓ સામે અમારો સમાજ લડ્યો છે. એટલે મેં મુખ્યમંત્રીની તાકિદ કરી છે કે ક્ષત્રિય સમાજનું અપમાન કરતી હોય તેવી ફિલ્મ રીલિઝ ન થવી જોઇએ.
બોલિવુડની ફિલ્મ તો હજુ રીલિઝ પણ થઇ નથે તે પહેલાં ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં વિશ્વ હિંદુ પરિષદે સુરતના કામરેજ વિસ્તારમાં પઠાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશમાં તો પઠાણ ફિલ્મ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
હિંદી ફિલ્મ પઠાણ પછી હવે ગુજરાત ફિલ્મનો પણ વિરોધ શરૂ થયો છે અને આવતી કાલે ખબર પડશે કે ગુજરાતી ફિલ્મ ડબ્બામાં જાય છે કે પછી સિનેમાઘરોમાં રીલિઝ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp