- Politics
- રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો અદાણીનો મુદ્દો, અદાણીના નામે PM પર લગાવ્યા ઘણા આરોપ
રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો અદાણીનો મુદ્દો, અદાણીના નામે PM પર લગાવ્યા ઘણા આરોપ
સંસદના બજેટ સત્રમાં મંગળવારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપના બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા. તેમણે બજેટ સત્રમાં પોતાના ભાષણની શરૂઆત પોતાની ભારત જોડો યાત્રા દ્વારા કરી અને તેનો અંત અદાણીનું નામ લઈને PM મોદી પર હુમલો કરીને કર્યો. રાહુલ ગાંધીએ સંસદમાં પોતાની ભારત જોડો યાત્રા સાથે સંકળાયેલા અનુભવ શેર કરતા કહ્યું કે, લોકોએ અમને પોતાની સમસ્યાઓ જણાવી અને એ સવાલ પણ કર્યો કે અદાણી આટલા ઓછાં સમયમાં આટલો સારો વ્યાપાર કઈ રીતે કરવા માંડ્યા. તેમનો PM મોદી સાથે સંબંધ શું છે.

બજેટ સત્રમાં રાહુલ ગાંધીએ બોલતા કહ્યું કે, યાત્રામાં યુવાનોએ અમને કહ્યું કે, અમને પહેલા સર્વિસ અને પેન્શન મળતા હતા પરંતુ, હવે અમને 4 વર્ષ બાદ કાઢી મુકવામાં આવશે, વરિષ્ઠ ઓફિસરોએ કહ્યું કે અમને લાગે છે અગ્નિવીર યોજના અમારા તરફથી નહીં પરંતુ RSS તરફથી કરવામાં આવી છે અને તેને આર્મી પર થોપવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યું કે, આજે પગપાળા યાત્રા કરવાની પરંપરા પૂર્ણ થઈ ગઈ છે. શરૂઆતમાં ચાલતી વખતે અમે લોકોનો અવાજ સાંભળી રહ્યા હતા પરંતુ, અમારા દિલમાં એ પણ હતું કે, અમે પણ પોતાની વાત રજૂ કરીએ. અમે હજારો લોકો સાથે વાત સાંભળી, વૃદ્ધો સાથે અને મહિલાઓ સાથે વાત કરી. આ પ્રકારે યાત્રા અમારી સાથે વાત કરવા માંડી.

રાહુલ ગાંધીના ભાષણની મોટી વાતો
- 2014માં દુનિયાના ધનવાન લોકોના લિસ્ટમાં અદાણી 609 નંબર પર હતા, ખબર નહીં જાદુ થયો અને તેઓ બીજા નંબર પર આવી ગયા. લોકોએ પૂછ્યું કે, આખરે આ સફળતા કઈ રીતે મળી? અને તેમનો ભારતના PM સાથે કયો સંબંધ છે? હું જણાવું છું કે આ સંબંધ ઘણા વર્ષો પહેલા શરૂ થયો જ્યારે નરેન્દ્ર મોદી CM હતા.
- અદાણી માટે એરપોર્ટના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા, નિયમોને બદલવામાં આવ્યા અને નિયમો કોણે બદલ્યા એ જરૂરી વાત છે. નિયમ હતો કે જો કોઈ એરપોર્ટના વ્યવસાયમાં નથી તો તે આ એરપોર્ટને ના લઈ શકે. આ નિયમને ભારત સરકારે અદાણી માટે બદલ્યો.
- ભારત સરકારે CBI-ED પર દબાણ કરીને એજન્સીનો પ્રયોગ કરતા GVK થી લઈને એરપોર્ટને અદાણી સરકારને અપાવવામાં આવ્યા. નિયમ બદલીને અદાણીને 6 એરપોર્ટ આપવામાં આવ્યા. હું તેના પુરાવા પણ આપી દઈશ. ડ્રોન સેક્ટરમાં પણ અદાણીને કોઈ અનુભવ નહોતો.
- અદાણીએ BJPને 20 વર્ષમાં કેટલા પૈસા આપ્યા? પહેલા મોદી અદાણીના વિમાનમાં જતા હતા હવે અદાણી મોદીના વિમાનમાં જાય છે. PM મોદી અને અદાણી એક સાથે કામ કરે છે.
- થોડાં દિવસ પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો તેમા લખ્યું હતું અદાણીની ભારતની બહાર શેલ કંપની છે, સવાલ છે કે શેલ કંપની કોની છે? હજારો કરોડ રૂપિયા શેલ કંપની ભારતમાં મોકલી રહી છે તે કોના પૈસા છે? શું આ કામ અદાણી ફ્રીમાં કરી રહ્યા છે?
- વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા જાય છે અને જાદુથી SBI એક બિલિયન ડૉલરની લોન અદાણીને આપે છે. વડાપ્રધાન પછી બાંગ્લાદેશ ગયા અને 1500 મેગાવોટ વીજળીનો કોન્ટ્રાક્ટ અદાણીને ચાલ્યો જાય છે. LICના પૈસા અદાણીની કંપનીમાં શા માટે ઈન્વેસ્ટ કરવામાં આવ્યા?

