પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પછી વડોદરા ભાજપના બીજા મોટા નેતાનું રાજીનામું

PC: jagran.com

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રીના રાજીનામાં બાદ આજે વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. લોકસભાની ચૂંટણી પહેલા આ ત્રીજી વિકેટ પડી જતા અનેક તર્ક વિર્તકો શરૂ થયા છે. 4 મહિના પહેલા વડોદરા ભાજપના નેતા ભાર્ગવ ભટ્ટે પણ રાજીનામું આપ્યું હતું.

વડોદરાના મેયર રહી ચૂકેલા અને છેલ્લે શહેર ભાજપના મહામંત્રી પદે રહેલા સુનિલ સોલંકીએ રાજીનામું આપી દીધું છે. સુનિલ સોલંકીએ મીડિયા સાથે જે વાત કરી છે તે આશ્ચર્ય ઉપજાવનારી છે. સુનિલ સોલંકીએ કહ્યું કે, મેં તો એક સપ્તાહ પહેલાં જ રાજીનામું આપી દીધું છે અને પ્રદેશ પ્રમુખ સાથે આ બાબતે ચર્ચા પણ થઇ ગઇ છે. તેમણે કહ્યુ કે, મેં અંગત કારણોસર મારું રાજીનામું આપ્યું છે. હું હમેંશા પાર્ટીનો વફાદાર કાર્યકર રહીશ. ભાજપે મને વડોદરાના મેયર તરીકે અને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપી હતી. હજુ પણ હું પાર્ટી માટે કામ કરતો રહીશ.

રાજકારણના જાણકારો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાત વિધાનસભા 2022માં ભાજપને 156 સીટ જીતાડનાર ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના વધી રહેલા કદને વેતરવાનો કારસો રચાઇ રહ્યો છે, જેને કારણે ભાજપમાં જૂથવાદ હવે સામે આવી રહ્યો છે. સી આર પાટીલના નજીકના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ બાબતના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, તાજેતરમાં વડોદારના મેયર વિરુદ્ધ નનામી પત્રિકા બહાર પાડનાર ભાજપના કોર્પોરેટર અલ્પેશ લિમ્બાચિયા સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી, જેને કારણે ભાજપની ઇમેજને નુકશાન પહોંચ્યું હતું. સાથે સાથે મહામંત્રી સુનિલ સોંલકી સામે વડોદરાના એક ધારાસભ્ય વારંવાર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ફરિયાદો કરતા રહ્યા હતા. જો કે, બીજી તરફ એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે  રાજીનામું આપ્યા પછી સુનિલ સોંલકીને પ્રદેશ કક્ષાએ કોઇ મહત્ત્વની જવાબદારી મળી શકે છે.

કારણ ગમે તે હોય શકે છે, પરંતુ લોકસભા 2024ની ચૂંટણી પહેલાં જે રીતે ગુજરાત રાજકારણમાં સમીકરણો બદલાઇ રહ્યા છે તેને કારણે ભાજપની છબિને મોટું નુકશાન પહોંચી રહ્યું છે. સુરત, વડોદરા અને અમદાવાદમા ચાલી રહેલા પત્રિકા વોરમાં બેફામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ પ્રદિપસિંહ વાઘેલાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, હું માત્ર મારી જવાબદારીમાંથી મૂક્ત થયો છુ, હજુ પણ હું પાર્ટીનો કમિટેડ કાર્યકર છું અને કમલમમાં આજે પણ જઇશ અને કાલે પણ જઇશ, કારણકે, કમલમ એ મારું બીજું ઘર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp