સતત આરોપો લગાવતા સ્મૃતિ ઇરાનીને રોબર્ટ વાડ્રાની ચેલેન્જ- પુરાવા આપો અથવા...

PC: ndtv.com

તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સંસદમાં રોબર્ટ વાડ્રા અને ગૌતમ અદાણી સાથે હોય તેવો બતાવીને વાડ્રા સામે સવાલ ઉભા કર્યા હતા. હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ પણ પલટવાર કરીને સ્મૃતિ સામે નિશાન સાધ્યું છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે દેશ તમારી ડિગ્રી અને ગોવા રેસ્ટોરન્ટ મામલે સત્ય જાણવા માંગે છે.

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ એક ફેસબુક પોસ્ટમા લખ્યું કે,સ્મૃતિ ઈરાની , મારાથી વિકાર રાખવાનું અને સંસદમાં મારા નામનો દુરુપયોગ કરવાનું બંધ કરો. હું તમને પડકાર આપું છું, પુરાવા રજૂ   કરો અથવા તમે જે છો તે નકલી બનવાનું બંધ કરો. તમારી અયોગ્યતા મારી સામે આંગળી ચીંધવાથી છુપાઈ જવાની નથી. યાદ રાખો, બાકીની આંગળીઓ તમારી તરફ ઈશારો કરી રહી છે. તમારા અને તમારા પરિવારને લગતા ઘણા વિવાદો છે. દેશ ગોવામાં તમારી રેસ્ટોરન્ટ્સ અને વિવિધ ભાગોમાં ત્રીજા પક્ષકારોના નામો વિશે જાણવા માંગે છે.

રોબર્ટ વાડ્રા આટલેથી અટક્યા નહી, તેમણે કહ્યું કે, તમારી ડિગ્રી અને શૈક્ષણિક યોગ્યતા વિશે પણ વિવાદ છે. પહેલાં એ વાતની સ્પષ્ટતા કરો પછી બીજા સામે આંગળી ઉઠાવો. હું રાહ જોઇ રહ્યો છું કે શું તમે ગોવા અને અન્ય વિવાદો પર જવાબ આપશો? જો તમે ખરેખર શિક્ષિત છો, જેના પર મને શંકા છે. તેની પર કોઇ ખુલાસો કે જવાબ નહીં આપવાનો મતલબ છે કે તમે સાચી વાત છુપાવી રહ્યા છો અને તે યોગ્ય નથી. શરમ કરો.

લોકસભામાં બુધવાર, 9 ઓગસ્ટના દિવસે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષ આરોપ લગાવી રહી હતી કે સરકાર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર વધારે મહેરબાન છે. સ્મૃતિ ઇરાનીએ આનો જવાબ આપ્યો હતો.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સંસદમાં એક ફોટો બતાવીને કહ્યું હતું કે, આ બધા ક્યારના અદાણી-અદાણી કરી રહ્યા છે, તો હવે હું પણ થોડું બોલી જ દઉં છું.સ્મૃતિએ કહ્યું કે ફોટો મારી પાસે પણ છે. 1993માં કોંગ્રેસે મુંદ્રા પોર્ટ પર અદાણીને જગ્યા આપી હતી. UPA સરકારના સમયગાળામાં અદાણીને 72,000 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. કોંગ્રેસના સમયમાં અલગ-અલગ રાજ્યોમાં પોર્ટ્સનું કામ અદાણીને કેમ આપવામાં આવ્યું હતું?

રોબર્ટ વાડ્રા જે ગોવા રેસ્ટોરન્ટના મામલા વિશે સ્મૃતિ ઇરાની સામે સવાલ ઉઠાવ્યો છે તે મામલાની વિગત એવી છે કે, ગયા વર્ષે જુલાઇ મહિનામાં કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી જોઇશ ઈરાની પર ગોવામાં ગેરકાયદેસર રીતે બાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે આરોપ મુક્યો હતો કે જોઈશ ઈરાનીની રેસ્ટોરન્ટ 'સિલી સોલ્સ કેફે'માં એક બાર નકલી લાઇસન્સ હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો, જેમાં આ રેસ્ટોરન્ટનું મેનુ કથિત રીતે શેર કરવામાં આવ્યું હતું. આ મેનુમાં બીફનો પણ ઉલ્લેખ હતો. આ અંગે ભારે હોબાળો થયો હતો.

જો કે તે પછી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ એવી સ્પષ્ટતા કરી હતી કે તેમની દીકરી જોઇશ એક કોલેજ સ્ટુડન્ટ છે અને તેનો બાર સાથે કોઇ લેવા-દેવા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp