અશોક ગેહલોતનો BJP અને RSS પર ગંભીર આરોપ,હિંદુત્વનો એજન્ડા રાજસ્થાનમાં નહીં ચાલશે

PC: republicworld.com

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધીને આરોપ લગાવતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, એવા સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP)  પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગેહલોતે કહ્યું કે હિંદુત્વનો એજન્ડા રાજસ્થાનમાં ચલાવવા દઈશું નહીં. બીજી તરફ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું  છે કે અમારી સરકાર આવશે તો નફરત ફેલાવનારી સંસ્થાઓ ભલે પછી તે બજરંગ દળ હોય તેની પર પ્રતિબંધ મુકવામાં આવશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાલોરના સર્કીટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીતમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, ભાજપ અને RSS રમખાણો કરાવે છે, લોકોને ધર્મના નામ પર ભડકાવે છે. તેમણે કહ્યું કે ભાજપ ગાયને લઇને પણ રાજકરાણ કરે છે, જ્યારે ગાયની સેવામાં કોંગ્રેસ હંમેશાં આગળ રહી છે. અમે ગાયના નામ પર મતની વાતો નથી કરતા, તો શું અમે હિંદુ નથી?

અશોક ગેહલોતે આગળ કહ્યું કે, કેટલાંક લોકો માત્ર રામંદિરનું રાજકારણ કરવા માટે હિંદુ બની ગયા છે. તેમને હિંદુ ધર્મ સાથે કોઇ લેવા-દેવા નથી. ગેહલોતે કહ્યું કે, ભાજપનો હિંદુત્વનો એજન્ડા અમે રાજસ્થાનમાં ચાલવા દઇશું નહીં.

મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે શાજાપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં જે કોઇ પણ નફરત ફેલાવવાનું કામ કરશે તેની પર પ્રતિબંધ મુકી દેવામાં આવશે. એના માટે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ છે. ભલે પછી બજરંગ દળ હોય કે અન્ય સંસ્થા હોય, પ્રતિબંધ મુકી દેવાશે.

કમલનાથે કહ્યુ કે ઇંદોરમાં પોલીસે બજરંગ દળ પર જે કાર્યવાહી કરી છે તેનું કોંગ્રેસ સમર્થન કરે છે, પરંતુ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસના કહેવાથી પોલીસે બજરંગ દળના કાર્યકરોની પિટાઇ નહોતી કરી. કોંગ્રેસ બજરંગ દળના વિરોધમાં નથી કે તેમને ટાર્ગેટ કરવાની પણ કોંગ્રેસની મનસા નથી. પરંતુ  જે પ્રદેશની શાંતિભંગ કરશે, નફરત ફેલાવશે તેમની પર પ્રતિબંધ મુકાવવો જોઇએ.

આ પહૈલાં તાજેતરની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાની વાત કરી હતી, એ પછી ભાજપે આ વાતનો મુદ્દો બનાવ્યો હતો અને બજરંગ દળના પ્રતિબંધનો મુદ્દો બજરંગ બલીના અપમાન સાથે જોડ્યો હતો, જો કે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપને તેનો ફાયદો મળ્યો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp