અધ્યક્ષ પદ સંભાળતાની સાથે શક્તિસિંહે કહ્યું-BJPમાં ગયેલા કોંગ્રેસીઓને પાછા લવાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. પાર્ટીએ તેમની 9 જૂને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જાહેરાત કરી હતી. ગોહિલ સૌરાષ્ટ્રના ભાવનગરના છે અને તેઓ આ પહેલા વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે. તેમણે પોતાનો કાર્યભાર સંભાળ્યા પછી પત્રકાર પરિષદને સંબોધી હતી.
ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાનો કાર્યભાર સંભાળતાની સાથે તેમના તેવર સ્પષ્ટ કરી દીધા છે. સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કર્યા પછી શક્તિસિંહ પદયાત્રા કરીને પાલડીમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને અધ્યક્ષ પદ ગ્રહણ કર્યું હતું. એ પછી તેમણે પાર્ટી કાર્યાલય રાજીવ ભવનમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી પહેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે કોંગ્રેસ નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં ગયા હતા તેમની ફરીથી ઘર વાપસી કરવામાં આવશે. બધાને સાથે જોડીને વૈમન્સ રહિત ગુજરાત બનાવીશું.
ગોહિલે આરોપ લગાવ્યો કે ભાજપ દબાણ બનાવીને નેતાઓને તોડવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં આવવા ઇચ્છુક કેટલાંક નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં અમે એક પોઝિટિવ એજન્ડા લઇને ચાલીશું. તેમણે કહ્યુ કે કોંગ્રેસ નીચલી કક્ષાની રાજનીતિ નહીં કરે. ગોહિલે કહ્યું કે, એ સાચું છે કે ગુજરાતમાં કોંગ્રેસ વારંવાર હારી રહી છે, પરંતુ અમે સિધ્ધાંતોની સાથે સમાધાન નહીં કરીએ.
શક્તિસિંહ ગોહિલે મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પાંડવોને પણ વારંવાર હારનો સામનો કરવો પડતો હતો, પરંતુ અંતે તેમની જીત થઇ હતી. ગોહિલે કહ્યું અંતમા જીત સત્યની જ થશે.
ગોહિલે એક સવાલના જવાબમાં કહ્યું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બજરંગ બલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ પરિણામ પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે બજરંગ બલી અને અલી બંને કોંગ્રેસની સાથે છે. તેમણે કહ્યું કે, અત્યારે ગુજરાતની સ્થિતિ ખરાબ છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો બોલવા પર, લખવા પર અને ટીકા કરવા પર કેસ નહીં કરશે. વૈચારિક વિરોધની છૂટ આપવામાં આવશે.
પ્રદેશ પ્રમુખે કહ્યું કે, આજની સ્થિતિ ભયાનક છે, જે સરકારથી અલગ વિચાર રજૂ કરે તેમને પરેશાન કરવામાં આવે છે.ગોહિલે આરોપ લગાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં પરિવર્તન નહીં થવાને કારણે ભયમૂક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp