તમિલનાડુના CM સ્ટાલિનનો દાવો, લોકસભા ચૂંટણીમાં જો ભાજપ ફરી જીતશે તો...

PC: hindustantimes.com

તમિલનાડુના મુખ્યમંત્રી અને DMKના અધ્યક્ષ એમ કે સ્ટાલિને બુધવારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જો 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં ફરી એક વાર સત્તા મેળવશે તો  લોકતંત્ર, સામાજિક ન્યાય અને બંધારણને કોઇ પણ બચાવી શકશે નહીં.

તમિલનાડુના કાવેરી ડેલ્ટા જિલ્લાઓમાં પાર્ટીના બૂથ-સ્તરના કાર્યકર્તાઓને સંબોધતા, સ્ટાલિને કહ્યું કે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પછી સત્તા કોણે કબજે કરવી જોઈએ તેના બદલે, સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે કેન્દ્રમાં કોણ સત્તામાં ન હોવું જોઈએ. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને સામાન્ય ચૂંટણીમાં મોટી જીત સુનિશ્ચિત કરવા માટે કામ કરવા હાકલ કરી હતી.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને તેમની પાર્ટી DMKના મતદાન મથકના પ્રભારીઓને સલાહ આપી કે તેઓ વિચારધારા અને કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી લઈ જાય અને પ્રચાર માટે સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરે.

આ સાથે જ DMK પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. DMKના નેતાએ કહ્યું કે ભાજપે એવા મૂળભૂત વિચારોને નુકસાન પહોંચાડ્યું છે જેના આધારે દેશની રચના થઈ હતી અને આપણે આવનારી સંસદીય ચૂંટણીમાં આના પર પૂર્ણવિરામ મૂકવો પડશે, અન્યથા માત્ર તમિલનાડુને જ નહીં, સમગ્ર ભારતને કોઈ બચાવી શકશે નહીં.

તમિલનાડુના ભાજપ અધ્યક્ષ કે અન્નામલાઇએ 16 મિનિટનો એક વીડિયો ટ્વીટર પર શેર કરીને DMKનો ઘેરાવ કર્યો છે.ભાજપ નેતાએ ટ્વીટ કરીને DMK સરકાર પર કુલ 5600 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે.આ સાથે અન્નામલાઈએ DMK પાર્ટીના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને તેમના પરિવારના સભ્યોના બેનામી દસ્તાવેજો અને કૌભાંડની ફાઈલો પર રાજ્યપાલના હસ્તક્ષેપની પણ માંગ કરી છે. BJP નેતાએ ટ્વિટર પર 16 મિનિટનો વીડિયો શેર કર્યો અને તેનું નામ DMK ફાઇલ્સ-2 રાખ્યું છે.

આવતા વર્ષે એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે અને સત્તાધારી ભાજપ અને વિપક્ષો લોકસભાની ચૂંટણી જીતવા માટે મેદાને પડી ગયા છે. બધાને સત્તા મેળવવાના સપના છે. દેશના 26 જેટલા વિરોધ પક્ષોએ ભેગા થઇને એક મહાગઠબંધન પણ બનાવ્યું છે અને તેનું નામ ‘India’ રાખવામાં આવ્યું છે. એ ગઠબંધનમાં તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન પણ છે. બધા વિપક્ષો અત્યારે મણિપુર મુદ્દે પણ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.લોકસભાની ચૂંટણી માટે બધા સમીકરણો ગોઠવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp