નથી માની રહ્યા DMK નેતા ઉદયનિધિ સ્ટાલિન, હવે સનાતન ધર્મને લઈને કહી દીધી આ વાત
તામિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને ફરી એક વખત વિવાદ ઊભો કરતા સોમવારે પોતાના વિચારોનું સમર્થન કર્યું કે સનાતન ધર્મનો હંમેશાં વિરોધ કરવો જોઈએ. INDIA ગઠબંધનના ઘટક દળ DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનના ગત નિવેદનો પર અગાઉ પણ ભારે વિવાદ થઈ ચૂક્યો છે, એવામાં તેમનું આ નવું નિવેદન વિપક્ષી પાર્ટીઓ માટે મુશ્કેલ બની શકે છે. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મલેરિયા સાથે કરી હતી. ત્યારબાદ ખૂબ વિવાદ થયો હતો અને INDIA ગઠબંધનના નેતા અસહજ સ્થિતિમાં પહોંચી ગયા હતા.
મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્યના યુવા કલ્યાણ તેમજ સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનો પર નિષ્ક્રિયતાને લઈને મદ્રાસ હાઇકોર્ટે તામિલનાડુ પોલીસને જોરદાર ફટકાર લગાવી હતી. ત્યારબાદ જાહેર કરેલા હાલના નિવેદનમાં ઉદયનિધિ સ્ટાલિને ફરી એક વખત સનાતન ધર્મનો વિરોધ કરવાની વાત કહી. તામિલનાડુ પોલીસને ફટકાર લગાવતા મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને વિભાજનકારી વિચારોને પ્રોત્સાહન આપવા કે કોઈ વિચારધારાને ખતમ કરવાનો અધિકાર નથી.
પોતાના હાલના નિવેદનમાં ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, આપણે ઘણા વર્ષોથી સનાતન બાબતે વાત કરી રહ્યા છીએ. રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET) એક હાલનો મુદ્દો છે. સનાતન ધર્મનો મુદ્દો સેકડો વર્ષ જૂનો છે. અમે તેનો હંમેશાં વિરોધ કરીશું. ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, તેમણે કંઇ પણ ખોટું કહ્યું નથી. મેં જે કહ્યું એ સાચું હતું અને હું કાયદાકીય પરિણામ ભોગવવા તૈયાર છું. હું પોતાનું નિવેદન નહીં બદલું. ઉદયનિધિનું માનવું છે કે, સનાતન ધર્મનો વિરોધ કરવાની જગ્યાએ તેને સમાપ્ત કરી દેવો જોઈએ.
DMK નેતાએ આ અગાઉ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, સનાતન નામ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યું છે. જે સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. આપણે કોરોના, ડેન્ગ્યૂ અને મચ્છરોનો વિરોધ નહીં કરી શકીએ. આપણે તેને સમાપ્ત કરવા પડશે અને એ જ પ્રકારે સનાતનને સમાપ્ત કરવો પડશે. હવે ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનની રાજકારણ પર શું અસર થાય છે અને સામાન્ય જનતા તેને કેવી રીતે લે છે તે તો આગામી દિવસોમાં ખબર પડી જ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp