ચૂંટણી પંચની યોજના, દેશમાં ગમે ત્યાં હશો, પોતાના મતવિસ્તાર માટે મત આપી શકશો

PC: indianexpress.com

પોતાના ઘરથી કામકાજ કે અભ્યાસ માટે સ્થળાંતર કરતા લોકોને પોતાના મત વિસ્તારમાં મતદાન કરવાની અગવડ દુર કરવા માટે ચૂંટણી પંચ એક નવી યોજના લઇને આવી રહ્યું છે,જેમાં તમે દેશમાં ગમે તે વિસ્તારમાં હો તો પણ તમારા વિસ્તારમાં એ સ્થળે બેઠા બેઠા મતદાન કરી શકશો.

ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયામાં મોટા ફેરફારોની તૈયારીઓ કરી લીધી છે. આ તૈયારી મુજબ હવે દેશમાં ગમે ત્યાંથી તમારા મતવિસ્તારમાં મતદાન કરી શકાશે. એટલે કે, તમે જ્યાં પણ રહો છો, તમારે તમારો મત આપવા માટે તમારા ઘરે જવાની જરૂર નહીં પડે, પરંતુ ચૂંટણી પંચની નવી ટેક્નોલોજીની મદદથી તમે ગમે ત્યાંથી મતદાન કરી શકશો.

રિમોટ વોટિંગ માટે ચૂંટણી પંચે પ્રોટોટાઈપ રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM) તૈયાર કર્યું છે. આ મશીન એક મતદાન મથકથી 72 વિવિધ મતવિસ્તારોમાં મતદાન કરાવી શકશે.

જો આ વોટિંગ સિસ્ટમને લીલી ઝંડી મળી જશે તો સ્થળાંતર કરનારા લોકો એટલે કે અન્ય શહેરો કે રાજ્યોમાં ઘરથી દૂર રહેતા લોકો માટે મતદાનનું ટેન્શન સમાપ્ત થઈ જશે. તેઓ તેમના રહેઠાણના સ્થળ માટે ત્યાં ન રહેતા નેતાઓને ચૂંટવામાં ભાગ લઈ શકશે. એક સામાન્ય ભાષામાં સમજીએ કે ધારો કે તમે સુરતમાં રહો છો અને તમારો મત આપવાનો અધિકાર ઉત્તર પ્રદેશમાં છે તો હવે તમારે મત આપવા માટે ઉત્તર પ્રદેશ જવાની જરૂર નથી, સુરતમાં બેઠા બેઠા મત આપી શકશો.

ઘણી વખત લોકો અભ્યાસ અને નોકરી માટે બીજા શહેરોમાં જાય છે અને પછી ચૂંટણી દરમિયાન ત્યાંથી તેમના ઘર સુધી પહોંચવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં મતદારો તેમના મતાધિકારથી વંચિત રહી જતા હોય છે.

જો કે, ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ RVM મશીનથી કોઈપણ વ્યક્તિ દૂરના સ્થળેથી મતદાન કરી શકશે. આ મશીન એક રિમોટ પોલિંગ બૂથથી 72 અલગ-અલગ બૂથ પર મતદાન કરાવી શકે છે.

2019ની લોકસભાની ચૂંટણીમાં, મોટી સંખ્યામાં લોકો સ્થળાંતરને કારણે મતદાન કરી શક્યા ન હતા. ચૂંટણી પંચના કહેવા મુજબ, 2019માં 67.4 ટકા લોકોએ મતદાન કર્યું હતું. આ દરમિયાન 30 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું ન હતું. આ સમસ્યાને દૂર કરવા માટે ચૂંટણી પંચે RVM તૈયાર કર્યું છે.

ચૂંટણી પંચ એવું ઇચ્છે છે કે મતદાનમાં સુધારો થાય અને ચૂંટણીમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરી શકાય. તેમજ દૂર-દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરવાની તક મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp