કેજરીવાલ સરકારને 163 કરોડ 10 દિવસમાં ચૂકવવા આદેશ જાણો આખો મામલો શું છે?

PC: outlookindia.com

દિલ્હી સરકારની જાહેરાતોને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. CM અરવિંદ કેજરીવાલ પર સરકારી જાહેરાતોના રૂપમાં રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવાનો આરોપ છે. LGએ આ જાહેરાતો પાછળ ખર્ચેલા 99.31 કરોડની વસૂલાત કરવાનો આદેશ આપ્યો હતો. હવે DIPના સચિવે AAPને વ્યાજની રકમ ઉમેરીને કુલ 163.62 કરોડની વસૂલાતની નોટિસ મોકલી છે. જાણો શું છે આખો મામલો.

દિલ્હીના LG વી કે સક્સેનાએ આ મામલામાં 20 ડિસેમ્બરે મુખ્ય સચિવને આમ આદમી પાર્ટી પાસેથી 30 દિવસની અંદર 99.31 કરોડ રૂપિયા વસુલવાનો આદેશ આપ્યો હતો. LGએ સૂચનામાં કહ્યું હતું કે AAP સરકારે 2015ના સુપ્રીમ કોર્ટના આદેશ, 2016ના દિલ્હી હાઈકોર્ટના આદેશ અને 2016ના CCRGA આદેશનું ઉલ્લંઘન કર્યું છે, તેથી તેમની પાસેથી આ વસૂલાત કરવામાં આવે. નોટિસમાં સરકારી ફંડનો દુરુપયોગ કરીને પાર્ટીને ફાયદો પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું.

LGના આદેશ બાદ Directorate of Information & Publicity (DIP)એ 23 દિવસ પછી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી આપી છે. DIPના સચિવ IAS એલિસ વાજે આ નોટિસ મોકલી છે. આ નોટિસમાં કુલ 163.62 કરોડ રૂપિયા ચુકવવા માટે કહેવામાં આવ્યું છે. આમાં દંડ અને વ્યાજની રકમ ઉમેરવામાં આવી છે. આ નોટિસમાં AAPની 10 દિવસમાં રકમની ચૂકવણી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો 10 દિવસમાં ચૂકવણી કરવામાં નહીં આવશે તો AAPની સંપત્તિ જપ્ત કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

એલજીએ મુખ્ય સચિવને આવી જાહેરાતોની તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો જેમાં મુખ્યમંત્રી અને તેમના પક્ષને પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા. આ પછી, દિલ્હી સરકારના ઓડિટ ડિરેક્ટોરેટે પણ આવી તમામ રાજકીય જાહેરાતોનું ઓડિટ કરવા માટે એક વિશેષ ઓડિટ ટીમની નિમણૂક કરી છે.

ગયા વર્ષે 10 માર્ચે દિલ્હી વિધાનસભામાં CAGનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં પણ સરકારી જાહેરાતો અંગે કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કર્યા વિના 24.29 કરોડ રૂપિયાની જાહેરાતો પ્રકાશિત કરવામાં આવી હતી. આ સિવાય 33.40 કરોડ રૂપિયાની 80 ટકા જાહેરાતો દિલ્હી સરકારની મર્યાદાની બહાર મીડિયામાં આપવામાં આવી હતી.

જાહેર ખબરોમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની તસ્વીરો છાપવામાં આવી હતી જે પુરી રીતે નિયમોનું ઉલ્લંઘન છે. જો કે AAP સરકારે કેન્દ્ર અને બીજા રાજ્યોની સરકાર તરફથી આપવામાં આવતી જાહેર ખબરોનો હવાલો આપીને રિપોર્ટને રદિયો આપ્યો હતો.

CCRGA એ 16 જુલાઈ 2020 ના રોજ દિલ્હી સરકારની એક જાહેરાત પર નોટિસ જારી કરી હતી. કમિટીએ દિલ્હી સરકારની જાહેરાત પર સોશિયલ મીડિયામાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ નોટિસ મોકલી હતી. મુંબઈના અખબારોમાં દિલ્હી સરકારની જાહેરાતો છપાવવા પર સોશિયલ મીડિયા પર લોકોએ સવાલો ઉઠાવ્યા હતા. આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ રાજકીય જાહેરાતો છે. સમિતિએ આ મામલે સરકારને 60 દિવસમાં જવાબ આપવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે સરકારી જાહેરાતને લઇને 13 મે 2015ના દિવસે ગાઇડ લાઇન્સ જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી જાહેરાતોની સામગ્રી સરકારની બંધારણીય અને કાયદાકીય જવાબદારીઓ તેમજ નાગરિકોના અધિકારો અને હક્કોને અનુરૂપ હોવી જોઈએ.

 એપ્રિલ 2021ની એક RTIમાં સામે આવ્યું હતું કે 2021ના 3 મહિનામાં દિલ્હી સરકારે જાહેરાતો પર 150 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.જેની સામે વાયુ પ્રદુષણ રોકવા માટે દિલ્હી સરકારે 124.8 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું હતું.

દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું કે ભાજપે દિલ્હી સરકારના માહિતી વિભાગના સચિવ એલિસ વાજ મારફતે પાઠવી છે કે 2017થી દિલ્હીની બહારના રાજ્યોમાં આપવામાં આવતી જાહેરાતોનો ખર્ચ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસેથી વસૂલવામાં આવે. તેમણે કહ્યું કે દિલ્હીના અખબારોમાં ભાજપના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની જાહેરાતો પ્રકાશિત થાય છે, દિલ્હીમાં તેમના મુખ્યમંત્રીઓના ફોટાવાળા સરકારી હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે. શું તેમનો ખર્ચ ભાજપના મુખ્યમંત્રીઓ પાસેથી વસૂલવામાં આવશે?

 આ પહેલાં AAPના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે LG ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે. ભારદ્રાજે કહ્યું હતું કે, બીજા રાજ્યોની સરકારો પણ જાહેરાત પ્રસિદ્ધ કરે છે. ભાજપના અનેક રાજ્યોની સરકારોએ દિલ્હીમાં જાહેરાતો પ્રસિદ્ધ કરાવી છે. શું જાહેરાતો પાછળ ખર્ચવામાં આવેલા 22,000 કરોડ રૂપિયા તેમની પાસે વસુલવામાં આવશે? જ્યારે એમની પાસેથી પૈસા વસુલો ત્યારે અમે પણ 92 કરોડની રકમ ચૂકવી દઇશું.

ગયા વર્ષે શિયાળુ સત્ર દરમિયાન, માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં કોંગ્રેસના સભ્ય સૈયદ નાસિર હુસૈનના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં તેની નીતિઓ અને કાર્યક્રમોની જાહેરાતો પર 3,723.38 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન્સ (સીબીસી) દ્રારા ખર્ચવામાં આવ્યા હતા.તેમણે જણાવ્યું કે 2017-18માં જાહેરાતો પાછળ 1,220.89 કરોડ, 2018-19માં 1,106.88 કરોડ ખર્ચાયા હતા, વર્ષ 2019-20માં 627.20 કરોડ, 2020-21માં 349.09 કરોડ અને 2021-22માં 264.78 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નવેમ્બર 2022 સુધીમાં કેન્દ્ર સરકારે જાહેરાતો પાછળ 154.07 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp