ગુજરાત કોંગ્રેસના પ્રમુખનો તાજ કોના શિરે આવશે? આ 5 નેતા રેસમાં છે

PC: navbharattimes.indiatimes.com

કર્ણાટકમાં કોંગ્રેસને મળેલી જીત પછી હવે હાઇકમાન્ડ ગુજરાતમાં પરિવર્તન કરશે તેવી અટકળો શરૂ થઇ છે. એવી ચર્ચા છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે રાજકીય રીતે સૌથી વધારે પડકારરૂપ ગણાતા ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની નિમણુંક કરી શકે છે.

કર્ણાટકમાં મોટી જીતે કોંગ્રેસમાં નવી ઉર્જા ભરી દીધી છે. જે રીતે ભાજપના તમામ પ્રયાસો બાદ કોંગ્રેસે જીત મેળવી છે, ત્યાર બાદ પાર્ટીની અંદર એવા તમામ રાજ્યોમાં જ્યાં પાર્ટી મુખ્ય વિરોધ પક્ષ છે. ત્યાં સંગઠનને મજબૂત કરવાનો વિચાર શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કારણે કોંગ્રેસ માટે સૌથી પડકારજનક રાજ્ય ગુજરાત છે.

એવી ચર્ચા છે કે પાર્ટી ટુંક સમયમાં ગુજરાત પ્રદેશ પ્રમુખને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે,જેથી 2024ની લોકસભાની તેયારીને  વેગ આપી શકાય. પાર્ટીએ હજુ સુધી વર્તમાન પ્રમુખ જગદીશ ઠાકોરને ચાલુ રાખવા કે હટાવી દેવા તે વિશે કશું કહ્યું નથી. એવામાં બે સંભાવનાઓ બતાવવામાં આવી રહી છે. પહેલી સંભાવના એ છે કે 2024ની લોકસભાની ચૂંટણી જગદીશ ઠાકોરને નેતૃત્વમાં લડવામાં આવે. જો એવું ન થાય તો જૂન મહિનામાં પાર્ટી કોઇ બીજા નેતાને જવાબદારી સોંપી શકે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદ માટે પાંચ નેતાઓના નામ ચર્ચામાં છે. જેમાં દીપક બાબરિયા, ગુજરાત કોંગ્રેસના ઓબીસી સમુદાયના નેતા લાલજી દેસાઈના નવા નામો સાથે ત્રણ જૂના દિગ્ગજોના નામનો સમાવેશ થાય છે, જેમને તાજેતરમાં કર્ણાટકમાં ધારાસભ્ય પક્ષના નેતાની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા હતા. જે 3 દિગ્ગજ નેતાઓના નામો રેસમાં છે તેમાં પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી, પોરબંદરના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા અજૂન મોઢવડિયા, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. સિનિયોરીટીના દ્રષ્ટિએ મોઢવડિયા સૌથી આગળ છે, પરંતુ પાટીદાર નેતાની વાત આવશે તો પરેશ ધાનાણીનું નામ આગળ ચાલી રહ્યું છે.

હવે જોવાનું એ રહે છે કે પાર્ટી કોને નવા પ્રમુખ તરીકેની જવાબદારી આપે છે. નવા ચહેરાઓમાં સામેલ દીપક બાબરિયા ગાંધી પરિવારની નજીક હોવાનું માનવામાં આવે છે. એટલું જ નહી, પરંતુ જ્યારે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર બની ત્યારે પ્રભારી તરીકે દિપક બાબરીયા જ હતા. તો લાલજી દેસાઇ કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. એટલું જ નહીં પણ ભારત જોડા યાત્રા વખતે લાલજી દેસાઇએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ગુજરાતના પ્રભારીની જવાબદારી હાલ રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.રઘુ શર્મા પાસે છે. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર વધી રહ્યો છે ત્યારે તેમને ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે. આ સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નવા પ્રદેશ પ્રમુખ અને નવા પ્રભારીના નામની એક સાથે જાહેરાત કરવામાં આવી શકે છે.

ગુજરાત વિધાનસભા2022ની ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો મેળવી હતી. તેણે 60 સીટો ગુમાવી છે. રાજ્યમાં પાર્ટી પાસે એક પણ લોકસભા સીટ નથી. ભાજપે સતત બે ટર્મથી તમામ 26 બેઠકો જીતી છે. પક્ષના કેટલાક નેતાઓનું કહેવું છે કે રાજ્યામાં ભાજપ સામે મુકાબલો કરવો હશે તો તેની ચિંતા હાઈકમાન્ડે અત્યારથી જ કરવી પડશે અને પ્રમુખ અને પ્રભારી અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે, ત્યારબાદ જ ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે અને લોકસભાની ચૂંટણી વેગ પકડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp