છત્તીસગઢમાં કોંગ્રેસે સૌથી અમીર T S સિંહ દેવને અચાનક ડેપ્યુટી CM કેમ બનાવી દીધા?

PC: news18.com

આ વર્ષના અંતમાં છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી છે. આના થોડા મહિના પહેલા કોંગ્રેસે એક મોટો નિર્ણય લીધો હતો. કોંગ્રેસે T S સિંહદેવને ડેપ્યુટી CM બનાવ્યા છે. સિંહ દેવને છત્તીસગઢના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. સરગુજા ડિવિઝનમાં તેમની મજબૂત પકડ માનવામાં આવે છે અને સરગુજાને સત્તાની ચાવી માનવામાં આવે છે.

દિલ્હીમાં બુધવારે રાત્રે કોંગ્રેસે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગેએ સિંહ દેવની ડેપ્યુટી CMની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.છત્તીસગઢના કોંગ્રેસના ટોચના નેતાઓ  સાથે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં છત્તીસગઢમાં પાર્ટીની વ્યૂહરચના અને ચૂંટણી તૈયારીઓ અંગે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અધ્યક્ષ ખડગે ઉપરાંત પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, છત્તીસગઢના CM બઘેલ, રાજ્ય પાર્ટીના પ્રભારી કુમારી સેલજા અને મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર હતા.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સિંહ દેવ વચ્ચેના મતભેદો 2021માં ખુલ્લેઆમ સામે આવ્યા જ્યારે 2018ની વિધાનસભા ચૂંટણી પછી CM પદ વહેંચવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી. 15 વર્ષ બાદ ડિસેમ્બર 2018માં કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ છત્તીસગઢના રાજકીય વર્તુળોમાં અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદની વહેંચણીની ફોર્મ્યુલાને લઈને ચર્ચા ચાલી રહી હતી. પછી બઘેલ અને તેમના બે વરિષ્ઠ કેબિનેટ સાથીદારો  સિંહ દેવ અને તામ્રધ્વજ સાહુ  ટોચના પદ માટેના મુખ્ય દાવેદાર હતા, પરંતુ તે વખતે વાત બની નહોતી. T S સિંહે 2022માં એવું કહીને ગ્રામણી પંચાયત મંત્રી તરીકે રાજીનામું આપ્યુ હતું કે તેમને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. જો કે અત્યારે તેઓ છત્તીસગઢના આરોગ્ય મંત્રી છે.

હવે કોંગ્રેસે અચાનક સિંહ દેવને નાયબ મુખ્યમંત્રી કેમ બનાવી દીધા? એના કારણો જોઇએ તો બીકાપુરના ધારાસભ્ય સિંહદેવ કોંગ્રેસના અગ્રણી નેતા છે. છત્તીસગઢના ઉત્તરીય ભાગ સરગુજામાં તેમની મજબૂત પકડ છે. એટલું જ નહીં, સુરગુજા રાજવી પરિવારના વંશજ સિંહદેવ પણ પાર્ટીમાં હાઈકમાન્ડના વિશ્વાસુ નેતા છે.

6 જિલ્લાના બનેલા સુરગુજા વિભાગની 14 બેઠકો પર સિંહદેવની સીધી અસર માનવામાં આવે છે. આ વિભાગને છત્તીસગઢની સત્તાની ચાવી પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠકો પર મોટા મતોથી જીત નોંધાવી હતી, તેથી તમામ પક્ષોની નજર સુરગુજા ડિવિઝન પર છે. હવે આ વર્ષના અંતમાં જ્યારે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સિંહ દેવને નજર અંદાજ કરવામાં કોંગ્રેસને જોખમ લાગી રહ્યું છે.

બીજું કારણ એ પણ છે કે સિંહ દેવે 13 જૂને અંબિકાપુરના એક સંમેલનમાં નિવેદન આપ્યુ હતું કે તેમણે ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી છે અને તેમને ભાજપમાં સામેલ થવાનો પ્રસ્તાવ મળ્યો છે. જો કે તેમણે કહ્યું હતું કે હું ભાજપમાં સામેલ થવાનો નથી. પરંતુ સિંહ દેવની આ ચીમકી કામ કરી ગઇ અને વાત વણસે તે પહેલા સિંહ દેવને ડેપ્યુટી  CM બનાવીને મામલો થાળે પાડી દેવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp