ગુજરાતના મુખ્યમંત્રી મુંબઈ ગયા એમાં મહારાષ્ટ્રમાં રાજકારણ કેમ ગરમાઇ ગયું?

PC: hindustantimes.com

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં વધુને વધુ રોકાણ આકર્ષિત કરવાના હેતુ સાથે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈની મુલાકાત લીધી હતી અને રોડ શો કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રીની મુંબઈ મુલાકાતને લઈને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષોએ CM એકનાથ શિંદેને પૂછ્યું છે કે શું તેઓ રોકાણ સમિટનું આયોજન કરશે?

વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024 માટે રોડ શો કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઇ ગયા હતા અને તેમણે અહીં રોડ શો કર્યો હતો. મહારાષ્ટ્રના વિપક્ષોએ નિશાન સાધીને કહ્યુ હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીએ મહારાષ્ટ્ર આવવાની શું જરૂર હતી? તેઓ ધારતે તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને ફોન કરીને રોકાણ ડાયવર્ટ કરી શકતે.

ભૂપેન્દ્ર પટેલની મુલાકાતથી શિવસેના (UBT), NCP નેતાઓએ કટાક્ષ કર્યા છે અને સાથે પુછ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં રોકાણ લાવવા માટે ક્યારે ઇવેન્ટર્સ સમિટનું આયોજન કરવાની છે? NCPના પ્રવક્તાએ સવાલ કર્યો કે શું BJP માત્ર ગુજરાતની સમૃદ્ધી ઇચ્છે છે?

શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X'પર પોસ્ટ કર્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીએ  ઉદ્યોગપતિઓને સમજાવવા માટે મુંબઈ આવવાને બદલે પટેલે મહારાષ્ટ્રના ગેરકાયદેસર મુખ્યમંત્રીને માત્ર ફોન કરી દેવાની જરૂર હતી. તેમને એટલું જ કહેવાનું હતું કે મહારાષ્ટ્રથી ઉદ્યોગપતિઓને ગુજરાત મોકલી આપો. આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો કે એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકાર પહેલેથી જ વેદાંતા-ફોક્સફોન, એરબસ-ટાટા, ઔષધિ પાર્ક જેવી અનેક પ્રોજેક્ટ પડોશી રાજ્ય ગુજરાતમાં મોકલી ચૂકી છે, જે મૂળ રીતે મહારાષ્ટ્ર માટે બની હતી.

ઠાકરેએ આગળ કહ્યુ કે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ નિયમિત રીતે રોડ શો માટે મુંબઇ આવે છે, પરંતુ શિંદે માત્ર તેમના સ્વાર્થ માટે દિલ્હીના આંટાફેરા મારે છે. ઠાકરેએ આરોપ લગાવ્યો કે CM શિંદે એવો દાવો કરે છે કે રોકાણને આર્કષિત કરવા માટે તેમમે દાવોસની યાત્રા કરી હતી જેમાં 28 કલાકમાં તેમણે 40 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા હતા.

શરદ પવારની આગેવાની હેઠળના NCP જૂથના પ્રવક્તા મહેશ તાપસેએ આક્ષેપ કર્યો હતો કે શિંદે સરકાર મૌન છે જ્યારે ગુજરાત મહારાષ્ટ્રમાંથી વેપાર લેવા માટે નવા પ્રયાસો કરી રહ્યું છે. નિવેદનમાં, તાપસીએ પ્રશ્ન કર્યો હતો કે શા માટે મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર રોકાણકારોને આકર્ષવા માટે 'મેગ્નેટિક મહારાષ્ટ્ર' અભિયાન કેમ શરૂ નથી કરતા.

મહારાષ્ટ્રની અનેક મોટી કંપનીઓ ગુજરાતનો રસ્તો પકડવાને કારણે શિંદે સરકાર પહેલેથી વિપક્ષના નિશાના પર છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સહિત 20 જેટલા અગ્રણી ઉદ્યોગકારો સાથે વન ટૂ વન બેઠક કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp