શું કોંગ્રેસમાં પાછા આવશે આઝાદ? જાણો શું છે હકીકત

PC: twitter.com

કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદની ઘર વાપસીના પ્રયાસો ઝડપી થઈ ગયા છે. સોનિયા ગાંધીની નજીકના અંબિકા સોની આઝાદના સંપર્કમાં છે. ગુલામ નબી આઝાદને પહેલા ભારત જોડો યાત્રામાં સામેલ કરવાની રણનીતિ છે. ત્યારબાદ તેમની કોંગ્રેસમાં વાપસી કરાવવામાં આવશે. તેમણે આ વર્ષે ઓગસ્ટમાં રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠાવતા અને તેમને ચાટુકારોથી ઘેરાયેલા બતાવીને કોંગ્રેસ પાર્ટીની સાથે પોતાની 50 વર્ષ જુની યાત્રા પર વિરામ મુકી દીધો હતો. આઝાદે જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ઉતરવાની જાહેરાત કરતા પોતાની આઝાદ ડેમોક્રેટિક પાર્ટી બનાવી. તેમના આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં પણ તૂટ પડી અને ઘણા વરિષ્ઠ નેતા આઝાદની સાથે આવી ગયા.

પરંતુ, આઝાદ ડેમોક્રેટિક પાર્ટી ગઠનના 4 મહિના બાદ જ તૂટવા માંડી છે. એક પછી એક ઘણા નેતાઓએ ગુલામ નબી આઝાદનો સાથ છોડીને કોંગ્રેસમાં વાપસી કરી લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આઝાદ રાજકીયરીતે હવે નબળા પડી ગયા છે અને કોંગ્રેસમાં પોતાની વાપસીને લઈને સકારાત્મક છે. બીજી તરફ કોંગ્રેસ પણ કોઈપણ પ્રકારની શરત વિના તેમની વાપસીની વાત કરી રહ્યું છે. અંબિકા સોની ગુલામ નબી આઝાદ સાથે આ અંગે વાત કરી રહ્યા છે. જોકે, હજુ સુધી કંઈ પણ આધિકારીકરીતે કહેવામાં નથી આવ્યું. કોંગ્રેસમાં આઝાદના નેતૃત્વવાળા G-23માં સામેલ રહેલા નેતા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા પણ તેમની સાથે વાત કરી રહ્યા છે. આ ઉપરાંત, બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અને G-23 ના સભ્ય રહેલા અખિલેશ પ્રસાદ સિંહ પણ આઝાદના સંપર્કમાં છે.

નેશનલ કોન્ફ્રેન્સ પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તી, ભારત જોડો યાત્રામાં સામેલ થવાની જાહેરાત કરી ચુક્યા છે. ત્યારબાદ આઝાદ પર પણ દબાણ વધી ગયુ છે. કોંગ્રેસ સાથે બગાવત કરનારા તેમના કેટલાક અન્ય સાથી પણ ભારત જોડો યાત્રામાં સામેલ થવાની ફિરાકમાં છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને સમજાવી રહ્યા છે કે તેમણે પણ ભારત જોડો યાત્રા સાથે જોડાઈને ઘર વાપસી કરી લેવી જોઈએ. સુત્રોની માનીએ તો 10 જનપથના ખાસ, રાહુલ ગાંધીના નજીકના જયરામ રમેશે પણ આઝાદને એક મેસેજ કર્યો છે. સુત્રોનું કહેવુ છે કે, ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં વાપસી માટે તૈયાર છે પરંતુ, તેઓ ઈચ્છે છે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય તેમને એક ફોન કોલ કરે, અને તેમને વાપસી માટે કહે. પરંતુ, પાર્ટી છોડતી વખતે જે પ્રકારનો અંગત હુમલો તેમણે રાહુલ ગાંધી પર કર્યો હતો, તેના કારણે ગાંધી પરિવાર આઝાદને મનાવવાના મૂડમાં નથી. આ જ પડકાર તેમની સાથે વાત કરી રહેલા નેતાઓ સામે છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટ, 2022ના રોજ સોનિયા ગાંધીને 5 પાનાનો ત્યાગ પત્ર મોકલીને પાર્ટી છોડી દીધી હતી. તેમણે લખ્યું હતું, ખૂબ જ દુઃખ સાથે મેં કોંગ્રેસ સાથે પોતાનો વર્ષો જુનો સંબંધ તોડવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસે પાર્ટી ચલાવનારી મંડળીના સંરક્ષણમાં ઈચ્છાશક્તિ અને ક્ષમતા ગુમાવી દીધી છે. ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા નેતૃત્વને કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈતી હતી. કોંગ્રેસના પસંદ કરાયેલા લેફ્ટનન્ટ્સને પાર્ટી ચલાવનારી મંડળી દ્વારા તૈયાર કરવામાં આવેલી સૂચિઓ પર હસ્તાક્ષર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. પાર્ટીમાં મોટાપાયે છેતરપિંડી કરવા માટે નેતૃત્વ સંપૂર્ણરીતે જવાબદાર છે. કોંગ્રેસમાં નબળાઈઓ વિશે જણાવનારા 23 નેતાઓને ગાળો આપવામાં આવી, તેમને અપમાનિત અને બદનામ કરવામાં આવ્યા. કોંગ્રેસ એ પોઈન્ટ પર છે જ્યાંથી પાછી આવી શકે તેમ નથી. પાર્ટીનું નેતૃત્વ સંભાળવા માટે પ્રોક્સીનો સહારો લેવામાં આવી રહ્યો છે. તેમણે કોંગ્રેસની દુર્ગતિ માટે ડાયરેક્ટ રાહુલ ગાંધીને જવાબદાર ગણાવ્યા હતા અને તેમને અપરિપક્વ કહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp