શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા, તેણે 2018મા બંધારણ બદલી નાખેલું

PC: outlookindia.com

શી જિનપિંગ શુક્રવારે ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તેઓ સર્વસંમતિથી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (PRC)ના પ્રમુખ તરીકે અને 14મી નેશનલ પીપલ્સ કોંગ્રેસના ચાલુ સત્રમાં સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (CMC)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. 69 વર્ષીય શી જિનપિંગની તરફેણમાં 2,952 મત પડ્યા હતા.

શી જિનપિંગએપોતાના જમણા હાથની મુઠ્ઠી હવામાં લહેરાવીને  અને ડાબો હાથ ચીનના બંધારણ પર રાખીને પદના શપથ લીધા. તેમણે કહ્યું, હું ચીનના પીપલ્સ રિપબ્લિકના બંધારણને વફાદાર રહેવા, બંધારણની સત્તાને જાળવી રાખવા, મારી વૈધાનિક જવાબદારીઓ પૂરી કરવા, માતૃભૂમિ પ્રત્યે વફાદાર રહેવા, લોકો પ્રત્યે વફાદાર રહેવાના શપથ લઉં છું. હું નિષ્ઠાપૂર્વક અને હું મારી ફરજો ખંતપૂર્વક નિભાવીશ. જિનપિંગે,સમૃદ્ધ, મજબૂત, લોકશાહી, સંસ્કારી, સુમેળપૂર્ણ અને મહાન આધુનિક સમાજવાદી દેશનું નિર્માણ કરવાની કસમ ખાધી હતી.

શી જિનપિંગ વર્ષ 2013માં પહેલીવાર દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. વર્ષ 2018માં તેઓ ફરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને હવે 2023માં ત્રીજી વખત રાષ્ટ્રપતિ બની ગયા છે. શી જિનપિંગ માઓ પછી સૌથી વધારે સમય સુધી રાષ્ટ્રપતિ પદ પર રહેનારા બીજા નેતા બની ગયા છે. શી જિનપિંગનું કદ પાર્ટીની અંદર છેલ્લાં દશકથી વધારે મજબુત બન્યું છે. કમ્યુનિસ્ટ પાર્ટીના એક સામાન્ય કાર્યકરથી આજે તેઓ દુનિયાના સૌથી તાકાતવર દેશોમાંના એક ચીનના રાષ્ટ્રપતિ છે.

શી જિનપિંગ જે રીતે વિશ્વ પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે તેમના માટે ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લા ઘણા દાયકાઓ પછી ચીનને એવો નેતા મળ્યો છે જે માઓ પછી આટલા શક્તિશાળી બન્યા છે. ચીન સાથેના તણાવ વચ્ચે જિનપિંગનું સર્વશક્તિમાન બનવું પણ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચીનમાં જિનપિંગ સર્વ-શક્તિશાળી'બનવા વચ્ચે, રશિયામાં પુતિન અત્યંત શક્તિશાળી બનતા વિશ્વ પણ સાવધાનીથી જોશે, કારણ કે દુનિયાએ હિટલર અને મુસોલિનીના 'સર્વ-શક્તિશાળી' બનવાના દુ:ખદ પરિણામો જોયા છે.

શી જિનપિંગે ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવા માટે 2018માં બંધારણમાં ફેરફાર કરી નાંખ્યો હતો. કોમ્યુનિસ્ટ પાર્ટીનો નિયમ એવો હતો કે એક નેતા માત્ર બે વાર જ રાષ્ટ્રપતિ બની શકે છે. પરંતુ બંધારણમાં બદલાવ બાદ હવે જિનપિંગ માટે આજીવન રાષ્ટ્રપતિ રહેવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

જો કે, શી જિનપિંગની રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળની શરૂઆત એવા સમયે થઇ રહી છે જ્યારે દુનિયાની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન ધીમી વૃદ્ધિ અને ઘટતા જન્મદરનો સામનો કરી રહી છે. દક્ષિણ ચીન સાગરમાં તણાવ છે અને અમેરિકા સાથે ચીનનો ટકરાવ વધી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp