26th January selfie contest

સુરતના બિલ્ડર સંજય મોવલિયાએ રૂ. 170 કરોડ ભરી દીધા, બેંકોએ આપ્યું નો ડ્યુઝ સર્ટિ

PC: Khabarchhe.com

(virang bhatt)સુરતના જાણીતા બિલ્ડર સંજય મોવલિયાએ બેંકો પાસેથી લીધેલી લોનોના રૂ. 170 કરોડ ભરી દીધા છે. બેંકે તેમને નો ડ્યુઝ સર્ટિફિકેટ આપી દીધું છે.

વર્ષ 2015માં જુદી જુદી બેંકો પાસેથી લોન લઇને જુદા જુદા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા. જેમાં, રાજગ્રીન એમ્યુજમેન્ટ પાર્ક તથા રાજહંસ એન્ટરટેઇનમેન્ટ સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. આ જુદી જુદી કંપનીઓએ સુરતમાં રહેઠાણના મકાનોથી લઇને વોટરપાર્ક, થિયેટરથી લઇને સરકાર સાથે પીપીપી મોડેલ હેઠળ પણ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હતા પરંતુ બાંધકામ ઉદ્યોગમાં પ્રમાણમાં મંદીના માહૌલ અને પછી કોરાનામાં બે વર્ષ સુધી એમ્યુઝમેન્ટ સહિતના પાર્ક બંધ રહેવાને લીધે મોટો આર્થિક ફટકો પડ્યો હતો. ત્યારે બેંકોએ લીધેલી લોન્સની ઉઘરાણી શરૂ કરી હતી. કલેક્ટર તરફથી લોનની ઉઘરાણી માટેની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સૂત્રો જણાવે છે કે હાલમાં બેંકો રૂ 5 કરોડથી વધુની એનપીએ હોય તો તરત જ તે મામલામાં પોલીસ ફરિયાદ નોંધાવી દેતી હોય છે. તે હેઠળ હાલમાં જ તેમની સામે એક સીબીઆઇ ફરિયાદ પણ નોંધાઇ હતી. જોકે, હવે તેમણે રૂ. 170 કરોડની લોનના રૂપિયા ભરી દેતા તેમને રાહત થઇ છે.

બેંક તરફથી તેમને જે નો ડ્યુઝ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તેમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયન બેંકની લોનનો સમાવેશ થાય છે.

આ ન્યૂઝને કન્ફર્મ કરવા માટે જ્યારે સંજય મોવલિયાનો સંપર્ક કરવામાં આવ્યો તે તેમણે કહ્યું કે, અમેઝિયાથી લઇને રાજહંસ સિનેમા સુધીના પ્રોજેક્ટ્સમાં જે કંઇ પણ લોન્સ હતી તે તમામ લોન્સ અમે ભરી દીધી છે. આ અંગે કલેક્ટરને જાણ કરવાની પ્રક્રિયા પણ કરી દીધી છે.


આવી નોબત આવવા અંગે મોવલિયાએ કહ્યું કે કોરોનાકાળમાં સૌથી મોટો ફટકો એન્ટરટેનમેન્ટ અને એમ્યુઝમેન્ટ સેક્ટરને પડ્યો હતો. તે દરમિયાન પણ અમારે આ પ્રોજેક્ટસના મેઇટેનન્સ અને સ્ટાફના પગાર પર મોટો ખર્ચ તો થતો જ રહ્યો હતો. જોકે, હવે અમે રૂપિયા ભરી દીધા છે.

આ અંગેની વાત બાંધકામ ઉદ્યોગમાં પ્રસરતા લોકોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાકનું કહેવું હતું કે વધુ કાર્યવાહીના ડરથી તેમણે આવું કર્યું છે. જોકે, મોટાભાગના લોકોનું કહેવું હતું કે આજકાલ મોટા મોટા ઉદ્યોગકારો અને વેપારીઓ બેંકોની લાખો કરોડોની લોન્સ લઇને ભાગી જતા હોય છે. વિદેશ જતા રહીને મોજમજા કરતા હોય છે. આ કેસમાં સંજય મોવલિયાએ લોન ભરી દઇને સારૂં ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp