- Relationship
- સેપરેશન મેરેજનો વધી રહ્યો છે ટ્રેન્ડ,જાણો તેમા શા માટે વધુ ખુશ રહે છે પતિ-પત્ની?
સેપરેશન મેરેજનો વધી રહ્યો છે ટ્રેન્ડ,જાણો તેમા શા માટે વધુ ખુશ રહે છે પતિ-પત્ની?
ભારતમાં લગ્નનો મતલબ જન્મો સુધી એક સાથે રહેવાનું બંધન માનવામાં આવે છે. લગ્ન દરમિયાન પતિ-પત્ની સાત જન્મો સુધી સાથ નિભાવવાની કસમો ખાય છે અને પછી તેઓ એકબીજાના એવા બંધનમાં બંધાઈ જાય છે જેમા તેમણે જીવનભર સાથે રહેવાનું હોય છે. પરંતુ, તેનાથી વિપરીત જાપાનમાં એક અલગ પ્રકારના લગ્ન લોકપ્રિય થઈ રહ્યા છે, જેમા પતિ-પત્નીએ હંમેશાં સાથે રહેવાની જરૂર નથી હોતી. આ પ્રકારના લગ્નને સેપરેશન મેરેજનું નામ આપવામાં આવ્યું છે.
હવે સવાલ એ છે કે, આખરે આ સેપરેશન મેરેજમાં એવુ શું ખાસ છે જેના કારણે જાપાનમાં લોકો તેના તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. જાપાનમાં તેને વીકેન્ડ મેરેજના નામથી પણ ઓળખવામાં આવે છે. આ લગ્નમાં પતિ અને પત્ની બંનેને લગ્ન બાદ પણ સિંગલવાળી ફીલિંગ આવે છે.
સેપરેશન મેરેજમાં પતિ અને પત્ની ભાવનાત્મકરૂપથી એકબીજા સાથે જોડાયેલા હોય છે અને તેમના પર એકબીજાની આદતો સમજવા, તેને અનુસાર પોતાને ઢાળવા અને વાતોને માનવાનું દબાણ નથી હોતું. સાથે જ તેમા પતિ-પત્નીને એકબીજા પર એટલો જ વિશ્વાસ હોય છે જેટલો એક સાધારણ લગ્નવાળા પતિ-પત્નીને એકબીજા પર હોય છે. ઘણા મામલાઓમાં સેપરેશન મેરેજમાં આ વિશ્વાસ વધુ પણ જોવા મળ્યો છે.

જાપાનમાં પોપ્યુલર થઈ ચુકેલા સેપરેશન મેરેજ અંતર્ગત પતિ-પત્નીએ એકસાથે એક જ ઘરમાં રહેવાની જરૂર નથી હોતી. ત્યાં સુધી કે આ લગ્નના બંધનમાં બંધાયા બાદ પણ તેઓ સાથે નથી સૂતા, તેઓ અલગ-અલગ રૂમમાં સૂઈ જાય છે. અલગ-અલગ ઘરોમાં રહે છે. ઘણા મામલાઓમાં પતિ-પત્ની અલગ-અલગ સોસાયટીમાં પણ રહે છે. આ લગ્નમાં તેઓ રોજેરોજ મળતા પણ નથી. તેમ છતા તેમની વચ્ચે જુદા પડવાની ભાવના નથી હોતી તેનાથી ઉલટ, સામાન્ય લગ્ન કરતા તેમનું જોડાણ વધુ મજબૂત હોય છે.
આ લગ્નની ખાસ વાત એ છે કે, તેમા પતિ-પત્નીને લગ્ન બાદ પણ પોતાનું જીવન પોતાની રીતે જીવવાની આઝાદી મળે છે. આ લગ્નમાં પતિ-પત્ની એકબીજા પર આંધળો વિશ્વાસ કરે છે, એટલે કે બીજા પર તેમને પૂરો વિશ્વાસ હોય છે. તેઓ એકબીજાનું સન્માન કરે છે. ત્યાં સુધી કે ભવિષ્યની યોજનાઓ પણ તેઓ એકબીજા સાથે વાત કરીને જ બનાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો તેમના દરેક નિર્ણયમાં બંનેની સહમતિ સામેલ હોય છે.

આ લગ્નમાં બાળકના જન્મ બાદ બાળક માતા સાથે જ રહે છે. જોકે, પતિ ઇચ્છે તો તે પત્નીની સહમતિ બાદ બાળકની સાથે આવીને સૂઈ શકે છે. આ લગ્ન અંતર્ગત જો પતિ-પત્ની અલગ-અલગ ઘરોમાં રહેતા હોય તો આ સ્થિતિમાં બાળક માતાની સાથે જ રહે છે.
આ લગ્નના નુકસાન એ છે કે, તેમા મહિલાની જવાબદારી બાળકને લઇને વધી જાય છે સાથે જ તેણે આર્થિકરીતે પણ મજબૂત બનવું પડે છે. તેમજ, પુરુષે ઓફિસથી લઇને ઘર સુધીના બધા જ કામો જાતે કરવા પડે છે. ટોકિયો ફેમિલીઝના રિપોર્ટ અનુસાર, જાપાનમાં 70 ટકા કરતા વધુ પતિ-પત્ની અલગ-અલગ સૂએ છે અને આ ટ્રેન્ડ વધતો જ જઈ રહ્યો છે.

